જ્ઞાન સંપૂટ – ૯: બીજના પ્રકારો

બીજના પ્રકારોની સમજ

ખેતીની શરૂઆત માટીમાં બીજ, ધરુ કે રોપાના વાવેતરથી થાય છે. બીજની અગત્યતા સમજાવતી કહેવતો જેવી કે ‘બાર હાથનું ચીભડું ને તેર હાથનું બીજ”, ‘જેવું વાવો – તેવું પામો” વગેરે આપે સાંભળી જ હશે. સરળતાથી સારૂં ઉત્પાદન મેળવવા માટે યોગ્ય બીજ કે તેમાંથી વિકસાવેલા ધરુ અથવા રોપાનું જ વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે.

બીજમાંથી જયારે છોડ કે વૃક્ષ ઉગે છે ત્યારે કુદરતી પરિબળો જેવા કે માટી, પાણી, તાપમાન, ભેજ, રોગ-જીવાત વગેરેનો સામનો કરે છે. જો તે આ સામનો કરવામાં નિષ્ફળ જાય તો તે પોતાની પેઢી આગળ વધારી શકતું નથી. પરંતુ, જો બચી જાય તો તે કુદરતી પરિબળોનો સામનો વધુ સારી રીતે કેમ કરી શકાય તે શીખ અને આવડત પોતાની આગળની પેઢીને આપતું જાય છે. જેથી નવી પેઢી વધુ સારી રીતે કુદરતી પરિબળોનો સામનો કરી શકે છે, જેને અનુકૂલન એટલે કે પરિસ્થિતીને અનુકૂળ થવું કહે છે. આ રીતે દુનીયામાં વિવિધ સ્થળોએ કયા બીજથી કયો પાક સારી રીતે થશે તે ગોઠવાતું ગયું. આ સમગ્ર પ્રક્રિયામાં માનવ હસ્તક્ષેપ ના બરાબર હતો, એટલે કે ખેડૂતનું કામ બચી ગયેલા છોડના બીજ એકત્ર કરવા સુધી મર્યાદિત હતું.

૧૯મી સદીની શરૂઆતથી માનવે અનુકૂલન માટે થતી કુદરતી પ્રક્રિયામાં પોતાનો હસ્તક્ષેપ કર્યો. અગાઉ શું સારૂં છે તે કુદરત પસંદ કરી આપતી (જેને આપણે દેશી બીજ તરીકે ઓળખીએ છીએ) તે હવે માનવ નક્કી કરવા લાગ્યો. આટલેથી અટકતું નથી, જો છોડ યોગ્ય ગુણ ન વિકસાવી શકતું હોય તો માનવે બીજેથી એ ગુણ તેમાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો. જેમાં તેને સફળતા મળી અને આધુનિક બીજનો વિકાસ શરૂ થયો, જે આગળ જતાં સુધારેલા બીજ તરીકે ઓળખાવા લાગ્યા.

બીજ વિષયક કોઇપણ કાર્ય કરતાં પહેલાં બીજના પ્રકારો અંગે યોગ્ય સમજ હોવી જરૂરી છે. તો ચાલો, માનવ હસ્તક્ષેપ મુજબ બીજના પ્રકારો, કાયદાકીય રીતે બીજના પ્રકારો અને પરાગનયન પ્રમાણે પાકને વિગતવાર સમજીએ.

માનવ હસ્તક્ષેપ મુજબ બીજના પ્રકારો

માનવ હસ્તક્ષેપ મુજબ બીજના ચાર પ્રકારો છે:

૧. દેશી બીજ, ૨. સુધારેલી જાતો, ૩. હાઇબ્રીડ બીજ અને ૪. જનીન ઇજનેરીકૃત બીજ.

. દેશી બીજ

ખેડૂતો વર્ષો-વર્ષ પરંપરાગત રીતે પોતાના ખેતરમાં વાવેલા પાકમાંથી બીજ એકત્ર કરીને તેને ફરીથી બીજા વર્ષે વાવે છે, જે દેશી બીજ તરીકે ઓળખાય છે. દેશી બીજને મોટેભાગે કુદરતે ઘડ્યા છે, માનવ હસ્તક્ષેપ ખૂબ જ ઓછો રહ્યો છે. આ દરેક પરિબળના બદલાવને જે ખમી શક્યા અને બચી ગયા તે બીજ આપણી પાસે દેશી બીજ તરીકે છે.

પરંપરાગત રીતે સાચવી રાખેલા દેશી બીજ

આમ દેશી બીજનો ઉદ્દેશ માત્ર વધુ ઉત્પાદન આપવું નથી, પરંતુ ટકી રહીને સરળતાથી સારૂં ઉત્પાદન આપવું તે છે. દેશી બીજ ગરમ વિસ્તારમાં ગરમી ખમી શકે છે, રોગ-જીવાતનો પ્રકોપ ખમી શકે કે ખાળી શકે છે, દુષ્કાળની સ્થિતિનો સરળતાથી સામનો કરી શકે છે, માટી બહુ પોષણક્ષમ ન હોય કે ખારાશ કે પી.એચ. સબંધી સમસ્યા હોય તો પણ પોષણ મેળવી લેવા સક્ષમ છે, આ બીજનો સંગ્રહ પણ સરળતાથી કરી શકાય છે. તેનો અર્થ એ થયો કે સેંકડો વર્ષોથી ચાલી આવતી આ પ્રક્રિયાને કારણે આ બીજે સ્થાનીક કુદરતી પરિબળો માટે ખૂબ જ સારૂં અનુકૂલન કેળવી લીધેલું હોય છે.

. સુધારેલી જાતો

આ જાતો વેરાયટી કે ઓપન પોલીનેટેડ બીજ તરીકે પણ ઓળખાય છે. દેશી જાતો કે જંગલી જાતોમાં જોવા મળતો કોઇ એક ચોક્કસ ગુણને બીજા કોઇ બીજમાં દાખલ કરવા માટે માનવે હસ્તક્ષેપ કર્યો છે. ઉત્પાદન વધારવા માટે, રોગ પ્રતિકારક શકિત વધે તે માટે, દાણા-ફૂલ-ફળ-શાકભાજીનો ચોક્કસ રંગ વિકસાવવા માટે, ફળ ઝડપથી બગડી ન જાય તે માટે અને ચામડી જાડી કરવા માટે માનવે હસ્તક્ષેપ કરી સુધારેલી જાતો વિકસાવી છે. સુધારેલી જાતોના બીજ ખેતરમાં વાવેતર કર્યા બાદ પાકમાંથી બીજ એકત્ર કરીને ફરીથી વાવી શકાય છે. બીજની શુધ્ધતા જળવાઇ રહે તો વર્ષો સુધી આ બીજ આવી રીતે વાપરી શકાય અન્યથા ત્રણ-ચાર વર્ષ બાદ તેને બદલવું પડે છે. મગફળી, મગ વગેરેમાં સુધારેલી જાતો પ્રચલિત છે.

બીજની સુધારેલી જાતનું ખેતરમાં મૂલ્યાંકન વાવેતર

. હાઇબ્રીડ બીજ

બે અલગ પ્રકારની જાતોનું સંકરણ કરીને આ બીજ વિકસાવવામાં આવે છે. મોટેભાગે વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવવા માટે સંકરણની પ્રક્રિયા અપનાવવામાં આવે છે. આ બીજો બજારમાં હાઇબ્રીડ એટલે કે કે સંકર બીજ તરીકે ઓળખાય છે. બજારમાંથી લાવેલા આ બીજ એક જ વખત વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. તેમાંથી થયેલા પાકના બીજ એકત્ર કરીને ફરી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવતી નથી, કારણકે આવું કરવાથી બીજના મૂળ ગુણો તેમાં જળવાતા નથી. કપાસ, એરંડા વગેરેમાં હાઇબ્રીડ બીજ પ્રચલિત છે.

હાઈબ્રીડ બીજના ફેર વાવેતરથી વધતો ગુણ દોષ

. જનીન ઇજનેરીકૃત બીજ

અન્ય પ્રકારની વનસ્પતિ કે બિન-વનસ્પતિય જીવમાં જોવા મળતો કોઇ ગુણ પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બીજમાં દાખલ કરીને જે જાત વિકસાવવામાં આવે છે તે જનીન ઇજનેરીકૃત બીજ તરીકે ઓળખાય છે. ભારતમાં હાલે કપાસનું જે બીટી બીજ મળે છે તે જનીન ઇજનેરીકૃત બીજ છે. આવા બીજને ખેડૂતો સુધી પહોચાડવા અગાઉ ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા નિર્મિત ઉચ્ચ સ્તરીય કમીટીની મંજૂરી મેળવવી જરૂરી છે. મંજૂરીની આ વ્યવસ્થા જ બીજની પર્યાવરણ અને માનવ સ્વાસ્થય સુરક્ષાને લઇને જોખમ અંગેની ગંભીરતા દર્શાવે છે. આથી પર્યાવરણશાસ્ત્રીઓ ખેડૂતોને આવું બીજ વાવવાથી અને પોષણશાસ્ત્રીઓ લોકોને આવા બીજથી ઉત્પન્ન થયેલા ઉત્પાદનોને આરોગવાથી બચવાનું જણાવે છે. ભારતમાં હાલમાં માત્ર કપાસમાં બીટી જાતને જ કાયદેસરની માન્યતા આપવામાં આવેલી છે.

જનીન ઇજનેરીકૃત બીજ તૈયાર કરવાની પ્રક્રિયા

કાયદાકીય રીતે બીજના પ્રકારો

કાયદાકીય રીતે બીજના ત્રણ પ્રકારો છે. ૧. પ્રમાણિત એટલે કે સર્ટીફાઇડ બીજ, ૨. ટ્રૂથફુલ લેબલ્ડ બીજ, ૩. આ બન્ને કેટેગરીમાં નથી આવતું તે બીજ – જેને આપણે કાચું બીજ (છૂટક બીજ) તરીકે ઓળખીશુ.

. પ્રમાણિત એટલે કે સર્ટીફાઇડ બીજ

કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કૃષિ સંશોધન શાખા દ્વારા વિકસાવામાં આવેલા બીજમાંથી જે બીજનું સરકાર દ્વારા નોટીફીકેશન બહાર પાડવામાં આવે છે તે બીજનું સરકારી કે ખાનગી રીતે ઉત્પાદન કરીને સરકાર દ્વારા નિયત કરેલા બીજ પ્રમાણન એજન્સી પાસેથી પ્રમાણન કરાવવાનું કરવાનું હોય છે એટલે કે સર્ટીફીકેટ મેળવવાનું રહે છે. આ બીજો વેરાયટી, હાઇબ્રીડ કે જનીન ઇજનેરીકૃત હોઇ શકે છે. તેનું હમેશાં સીલ પેક વેંચાણ કરવામાં આવે છે અને તેના પર બીજ પ્રમાણન એજન્સીનું લેબલ પણ ચોંટાડેલું હોય છે. અહીં બીજના ગુણોની એકરૂપતા અને ભૌતિક શુધ્ધતાની ખાતરી એક સ્વતંત્ર એજન્સી દ્વારા આપવામાં આવે છે. આ પ્રકારના બીજ એગ્રોની દુકાન કે મંડળીમાંથી વેંચાતા મળે છે.

પ્રમાણિત સર્ટિફાઈડ બીજ

. ટ્રૂથફુલ લેબલ્ડ બીજ

સરકાર દ્વારા વિકસાવેલા અને નેટિફાઇડ થયેલા કે ખાનગી રીતે વિકસાવેલી જાતનું મોટેભાગે ખાનગી એજન્સીઓ દ્વારા યોગ્ય નોંધણી કરાવ્યા બાદ બીજ ઉત્પાદન કરવામાં આવે છે. આ બીજોના ગુણોની એકરૂપતા અને ભૌતિક શુધ્ધતાની ખાતરી બીજ ઉત્પાદક એજન્સી પોતે જ આપે છે. આ બીજો વેરાયટી, હાઇબ્રીડ કે જનીન ઇકનેરીકૃત હોઇ શકે છે. તેનું હંમેશા સીલ પેક વેંચાણ કરવામાં આવે છે, પરંતુ તેના પર કોઇ સર્ટીફીકેટ ચોંટાડેલું હોતું નથી તેને બદલે તેના પર ટ્રૂથફુલ લેબલ્ડ એવું લખેલું હોય છે. આ પ્રકારના બીજ એગ્રોની દુકાન કે મંડળીમાંથી વેંચાતા મળે છે.

ટ્રુથફૂલ લેબલ્ડ બીજ

૩. કાચું બીજ અથવા છૂટક બીજ

દેશી જાતો કે જેને કોઇ જાત તરીકેની વિશિષ્ટ માન્યતા સરકાર દ્વારા આપવામાં આવેલી નથી તથા તે જાત વિક્સાવનાર કોઇ એક વ્યક્તિ ન હોઇ ખેડૂત સમુદાય હોઇ તેની નોંધણી થયેલી નથી, આવા બીજોનું ઉત્પાદન, આપ-લે, વિતરણ અને વહેચાણ વર્ષોથી થતું આવ્યું છે. આ બીજોના ગુણોની એકરૂપતા અને ભૌતિક શુધ્ધતાની ખાતરી સરકાર કે ખાનગી એજન્સી દ્વારા અપાયેલી હોતી નથી. આ બીજો લુઝમાં એટલે કે છુટક વહેચાણથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાન ઉપરથી કે ખેડૂત પાસેથી સીધુ જ મળતું હોય છે. ખરીદનાર જાતે જ પોતાની રીતે એકરૂપતા અને શુધ્ધતાની ખાતરી કરીને બીજ ખરીદે છે. આ પ્રકારના બીજોનો જથ્થાની રીતે વેંચાણ પહેલી બન્ને બીજ કેટેગરી કરતાં અનેક ગણું વધુ છે. રજકો, જુવાર, ગુવાર વગેરે બીજ મોટેભાગે આ રીતે વેંચાય છે.

કાચું બીજ - છૂટક બીજ

પરાગનયન પ્રમાણે પાક

પરાગનયન પ્રમાણે પાકના ત્રણ પ્રકારો છે: ૧. સ્વપરાગનયન પાકો, ૨. પરપરાગનયન પાકો, ૩. ઓફન ક્રોસ પોલીનેટેડ પાકો – જે આ બન્નેં કેટેગરીમાં નથી આવતા તેવા પાકો.

સૌપ્રથમ એ સમજીએ કે બીજ કઇ રીતે બને છે. આપણે જાણીએ છીએ તેમ છોડ પર જે બીજ તૈયાર થાય છે તે છોડની નવી પેઢી છે. આ બીજ બનતા પહેલાં તે ફૂલ હોય છે. ફૂલમાં નર પુષ્પ અંગ હોય છે, જેના પર પરાગકણ બને છે તથા ફૂલમાં માદા પુષ્પ અંગ હોય છે, જે ગર્ભાશય છે, જ્યાં વાસ્તવમાં બીજ બને છે. 

છોડમાં આવેલું ફૂલ જે બીજ બનાવે છે

જયારે નર પુષ્પ અંગ ઉપરથી પરાગકણ માદા પુષ્પ અંગ પર પડે છે ત્યારે તે પરાગનયન થયું કહેવાય છે. જેને લીધે ફલીનીકરણ થાય છે, જેને કારણે માદા પુષ્પ અંગ કે જે ગર્ભાશય છે ત્યાં બીજનુ ભ્રૂણ બને છે. જેની આસપાસ બાકીના બીજની રચના થાય છે અને આ રીતે બીજ બને છે.

. સ્વપરાગનયન પાકો

કેટલીક વનસ્પતિના છોડ એવા છે કે તે જ છોડના નર પુષ્પ અંગની પરાગથી પરાગનયન થાય છે અને તે જ છોડના માદા પુષ્પ અંગનું ફલીનીકરણ થાય છે. સામાન્ય રીતે આવું એ વનસ્પતિમાં બને છે જેમાં નર અને માદા પુષ્પ અંગ એક જ ફૂલમાં હોય, બન્ને સાથે પરિપક્વ થતા હોય અને ફૂલ ખૂલે તે પહેલાં જ પરાગનયન અને ફલીનીકરણની પ્રકિયા થઇ જતી હોય. ઘઉં, ચોખા, કઠોળ વર્ગના પાકોમાં સ્વ પરાગનયન થાય છે. અહીં માતા અને પિતા બન્ને એક જ હોઇ નવી પેઢીમાં કોઇ જ બદલાવ આવતો નથી. એક જ પાકના બે વિભિન્ન જાતના છોડ જો પાસે-પાસે વાવેતર કરેલા હોય તો પણ તેમની વચ્ચે પરાગનયન અને ફલીનીકરણ થતું નથી. તેથી બન્ને જાતોની જનીનિક શુધ્ધતા સરળતાથી જળવાઇ રહે છે. આવા બીજના વાવેતરમાં સારી એવી એકરૂપતા જોવા મળે છે.

સ્વપરાગનયન પાકનું ફૂલ

. પરપરાગનયન પાકો

કેટલીક વનસ્પતિના છોડમાં પરાગનયન અને ફલીનીકરણ બે પાસે-પાસે આવેલા છોડ વચ્ચે થાય છે. આવું ત્યારે બને છે જયારે ફૂલમાં નર અને માદા પુષ્પ અંગ એક જ ફૂલમાં હોય પરંતુ તેના પરિપક્વ થવાનો સમય અલગ-અલગ હોય દા.ત. બાજરો, નર અને માદા પુષ્પ એક જ છોડ પર અલગ-અલગ જગ્યાએ આવેલા હોય દા. ત. મકાઇ, નર પુષ્પ અને માદા પુષ્પ ધરાવતા છોડ જ અલગ-અલગ હોય, દા. ત. ખારેક. તેનો અર્થ એવો થયો કે અહીં માતા અને પિતા અલગ-અલગ હોય છે. જો એક જ જાતના છોડ પાસે-પાસે વાવેલા હોય તો નવી પેઢીના ગુણોમાં થોડો બદલાવ આવે છે પણ ખાસ મોટો બદલાવ આવતો નથી.

મધમાખી દ્વારા પરપરાગનયનની પ્રક્રિયા

પરંતુ જો વિભિન્ન જાતના છોડ પાસે-પાસે વાવેલા હોય તો નવી પેઢીના ગુણોમાં ખૂબ જ મોટો બદલાવ આવી જાય છે. આ પ્રકારના પાકોમાં જનીનિક શુધ્ધતા અને એકરૂપતા જાળવવી કઠિન છે. આવા બીજના વાવેતરથી નવી પેઢીમાં એકરૂપતા ઓછી થતી જાય છે. એકરૂપતા સારી એવી જળવાઇ રહે તે માટે એક જ પાકની બે અલગ જાતો વચ્ચે ચોક્કસ અંતર જાળવવું જરૂરી બને છે. આ અંતરને આઇસોલેશન અંતર કહેવામાં આવે છે, જે પાક પ્રમાણે અલગ-અલગ હોય છે.

. ઓફન ક્રોસ પોલીનેટેડ પાકો

કેટલાક પાકોમાં સ્વપરાગનયન અને પરપરાગનયન બન્ને થતું હોય છે. જે પાકમાં પરપરાગનયન ૫%થી વધી જાય છે અને કેટલીક વખત તો ૩૦% જેટલું થાય છે, તે પાકને ઓફન ક્રોસ પોલીનેટેડ પાક કહેવામાં આવે છે. જુવાર, કપાસ, તુવેર તે આ પ્રકારના પાકના ઉદાહરણ છે. આવા પાકોમાં પરપરાગનયન વધવાનું કારણ ફૂલ સમયે આવતી જીવાત પણ કારણભૂત હોઇ શકે છે. બીજ સંવર્ધન કાર્ય હેતુથી આવા પાકોને્ પરપરાગનયન પાક તરીકે જ ગણવામાં આવે છે.

ઓફન ક્રોસ પોલિનેશન પ્રક્રિયા

યુ ટ્યુબ ઉપર જૂઓ

ડાઉનલોડ પીડીએફ

સંબંધિત વિડિયો