જ્ઞાન સંપૂટ – ૧: જમીન પરીક્ષણ

માટીનું મૂલ્યાંકન: જમીન ચકાસણી રિપોર્ટની સમજ

છોડને તેનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે ૧૬ આવશ્યક પોષક તત્ત્વોની જરૂર પડે છે. આ ૧૬માંથી ૧૩ પોષક તત્ત્વો છોડ માટીમાંથી મેળવે છે. આમ માટી એ પોષણનો મુખ્ય આધાર છે. માટીની ફળદ્રુપતાએ માટીના કણોના બંધારણ, માટીના રાસાયણિક ઘટકો અને માટીમાં રહેલા સૂક્ષ્મજીવોની અરસ-પરસની પ્રક્રિયાની નિપજ છે.

આથી, માટીની ફળદ્રુપતા જાણવા માટે આ ત્રણેય પાસાઓની ચકાસણી કરાવવી જોઇએ. પરંતુ, સામાન્ય રીતે આપણે માટીની ફળદ્રુપતા જાણવા માટે માટીના રાસયણિક ઘટકોની ચકાસણી કરાવતા હોઇએ છીએ. જેને આપણે ‘જમીન ચકાસણી” કહીએ છીએ.

છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વો અને તેનું પ્રાપ્તિ સ્થાન

જમીન ચકાસણી કરાવવાથી નીચે જણાવેલી જાણકારી મળે છે:

(૧) માટીની ખારાશ અને પી.એચ. સંબંધી સમસ્યા અંગે જાણવા મળે છે કે જેથી તે મુજબ પાક પસંદગી કરી શકાય અને યોગ્ય ખેતી પદ્ઘતિ અપનાવી શકાય.

(૨) માટીમાં રહેલા પોષક તત્ત્વોની લભ્યતાનું પ્રમાણ જાણી શકાય છે કે જેથી પોષક તત્ત્વોની યોગ્ય પૂર્તતા કરી શકાય.

(૩) માટીના પોષક તત્ત્વોની લભ્યતાને આડઅસર કરનારા પરિબળો અંગે જાણકારી મળે છે કે જેથી આડઅસર ખાળે તેવી અસરકારક ખેતી પદ્ઘતિ અપનાવી શકાય.

જમીન ચકાસણી કરાવવા માટે નીચે મુજબની વ્યવસ્થાનો ઉપયોગ કરી શકાય:

(૧) ગુજરાત સરકારશ્રીના ખેતીવાડી ખાતા દ્વારા જિલ્લા સ્તરે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે. અહિં માટીના મુખ્ય અને સૂક્ષ્મ પોષક તત્ત્વોની ચકાસણી નજીવો દર ચૂકવીને કરાવી શકાય છે.

(૨) ગુજરાત રાજ્ય ફર્ટીલાઇઝર કોર્પોરેશન એટલે કે જીએસએફસીના ખાતર ડેપો પરથી માટીના મુખ્ય અને સૂક્ષ્મ પોષક તત્ત્વોની ચકાસણી નજીવો દર ચૂકવીને કરાવી શકાય છે.

(૩) કેટલીક જગ્યાએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આજ પ્રકારની વ્યવસ્થા જમીન ચકાસણી માટે કરવામાં આવેલી છે.

(૪) ખાનગી પ્રયોગશાળાઓ પણ જમીન ચકાસણીની સેવા પૂરી પાડે છે જ્યાં તેનો દર ચૂકવીને જમીન ચકાસણી કરાવી શકાય છે.

ગુજરાત રાજ્યમાં જમીન ચકાસણી પ્રયોગશાળાની વધુ વિગત https://farmer.gov.in/STLDetails.aspx?State=24 વેબસાઇટ પરથી મેળવી શકાય.

જીએસએફસીના જમીન ચકાસણી રિપોર્ટના ઉદાહરણથી જમીન ચકાસણીની વિસ્તૃત સમજ કેળવીએ. જીએસએફસીનો જમીન ચકાસણી રિપોર્ટ ચાર વિભાગમાં વહેચાયેલો હોય છે. સૌથી ઉપરના વિભાગમાં નમુના સંબંધી પ્રાથમીક માહિતી હોય છે. તેના નીચે પૃથ્થકરણનો અહેવાલ હોય છે, જેમાં પોષક તત્ત્વોની સાથે-સાથે માટીની વિધ્યુત વાહકતા અને માટીનો પી.એચ. આંક દર્શાવવામાં આવે છે. તેની નીચે મૂખ્ય પોષક તત્ત્વો સંબંધી રાસાયણિક ખાતરની ભલામણ હોય છે અને અંતે અન્ય ભલામણોમાં જમીન સુધારકો અને પોષક તત્ત્વોની ભલામણ હોય છે. રિપોર્ટના પૃથ્થકરણ અહેવાલ વિભાગમાં દર્શાવવામાં આવેલા આંકડાઓના માધ્યમથી માટી સંબંધી સમસ્યા અને ફળદ્રુપતાને સમજીએ.

કોઇ પણ માટીમાં ઓછે કે વધુ અંશે આનુવંશીક કે નબળી ગુણવત્તાવાળા પિયતના પાણીથી ઉત્પન્ન થયેલી ખારાશ હોય છે. પૃથ્થકરણ અહેવાલમાં માટીની વિધ્યુત વાહકતા દ્રાવ્ય ક્ષારના પ્રમાણના રૂપમાં દર્શાવેલી હોય છે. નમુનાના અહેવાલમાં આ આંકડો ૦.૬૨ દર્શાવેલો છે અને તેની ગુણવત્તા સામાન્ય દર્શાવેલી છે. જેનો સીધો અર્થ છે કે માટીમાં કોઇપણ પ્રકારની ખારાશ સંબંધી સમસ્યા નથી. ઓછી ખારાશવાળી માટીમાં મગ, કેળ, લીંબુ જેવા પાકો સારી રીતે ઉછેરી શકાય છે. જ્યારે વધુ ખારાશવાળી માટીમાં કપાસ, સુગરબીટ, કસુંબી, ખારેક જેવા પાકો લઇ શકાય છે. તેનો અર્થ એવો થાય છે કે, આપણે જે પાકનું વાવેતર કરવા માંગીએ છીએ તેને માટીની ખારાશ અનુકૂળ આવશે કે કેમ તેનો અભ્યાસ કર્યા બાદ જ વાવેતર કરવું જોઇએ તથા ખારાશની પાક પર આડ અસર ઓછી કરવા વધુમાં વધુ પ્રમાણમાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.

જીએસએફસીનો નમૂનાનો રિપોર્ટ

પી.એચ. આંક ૦ થી ૧૪ સુધી હોય છે. માટીમાં રહેલા તત્ત્વોની પાણી સાથે થતી રાસાયણિક પ્રક્રિયાની નિપજ માટીનો પી.એચ. આંક છે. જો પી.એચ. આંક ૭ હોય તો માટીનો ગુણધર્મ તટસ્થ છે. જો પી.એચ. આંક ૭ થી ઓછો હોય તો માટી એસીડીક કહેવાય છે અને જો પી.એચ. આંક ૭ થી વધુ હોય તો માટી આલ્કલીય કે ભાસ્મીક કહેવાય છે.

અહીં નોંધવુ રહ્યું કે, પી.એચ. આંક એ સાદો નહિ પરંતુ જટીલ આંક છે. તેમાં ૭ થી ૮ પી.એચ. આંક વચ્ચે એક સરખા ૧૦ વિભાગો કરવામાં આવેલા છે પરંતુ ૮ થી ૯ વચ્ચે તેટલા જ પ્રમાણવાળા ૧૦૦ વિભાગો સામેલ કરવામાં આવેલા છે.

૧ આંકડો વધે તો તેની અસર ૧૦ ગણી વર્તાય છે

એનો અર્થ એ છે કે ૭ થી ૮ વચ્ચે તફાવત ૧૦ છે જ્યારે ૭ થી ૯ વચ્ચેનો તફાવત ૨૦ નહિ પરંતુ ૧૧૦ છે. આ બાબત પી.એચ.આંક સબંધી સમસ્યાની ગંભીરતા સમજવા ખૂબજ જરૂરી છે. નમુનાના અહેવાલમાં આ આંકડો ૮.૬૨ દર્શાવેલો છે અને તેની ગુણવત્તા આલ્કલીય દર્શાવેલી છે. જેનો સીધો અર્થ છે કે માટીમાં પી.એચ. સંબંધી સમસ્યા છે. કચ્છ વિસ્તારમાં માટીનો ઊંચો પી.એચ. આંક એટલે કે માટીનું ભાસ્મીક હોવુ મોટી સમસ્યા છે. માટીનો પી.એચ. આંક જો તટસ્થની આસપાસ હોય તો મગફળી અને મગ જેવા પાકો સારી રીતે ઉછેરી શકાય છે. જો માટીનો પી.એચ. આંક ૮ કે તેથી વધુ હોય તો કપાસ કે રંજકા જેવા પાકો જ લઇ શકાય છે.

તેનો અર્થ એવો થાય છે કે, આપણે જે પાકનું વાવેતર કરવા માંગીએ છીએ તેને માટીનો પી.એચ. આંક અનુકૂળ આવશે કે કેમ તેનો અભ્યાસ કર્યા બાદ જ વાવેતર કરવું. ખેતીમાં રસાયણોના વપરાશના અતિરેકથી અને નબળી ગુણવત્તાવાળા પાણીના પિયતમાં ઉપયોગના કારણે માટીનો પી.એચ. આંક સતત ઊંચો જાઇ રહ્યો છે. ઊંચા પી.એચ. આંક વાળી માટીમાં ઊંચા પી.એચ. આંકની પાક પર આડ અસર ઓછી કરવા વધુમાં વધુ પ્રમાણમાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે.

માટીમાં રહેલો સેન્દ્રીય કાર્બન માટીની ફળદ્રુપતાનો પાયો છે. કોઇપણ સેન્દ્રીય પદાર્થ સીધો કે કંપોસ્ટ કર્યા બાદ માટીમાં ઉમેરવામાં આવે છે, ત્યારે તેના મોટા ભાગના જથ્થાનું વિઘટન થઇ તેમાં રહેલા પોષક તત્ત્વો છૂટા પડી જાય છે. પરંતુ, આ સેન્દ્રીય પદાર્થનો ખૂબ જ નાનો ભાગ કાયમીરૂપે માટીમાં ભળી જાય છે. જેનું હવે સરળતાથી વિઘટન થતું નથી તેને આપણે સેન્દ્રીય કાર્બન કે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ. સેન્દ્રીય કાર્બન માટીના જીવાણુંઓને આશરો આપે છે, માટીની ભેજ ધારણ શક્તિ વધારે છે અને માટીને ભરભરી બનાવે છે.

સેન્દ્રીય કાર્બન / હ્યુમસવાળી માટીનો રંગ

પૃથ્થકરણ અહેવાલમાં માટીમાં રહેલો સેન્દ્રીય કાર્બન ટકામાં દર્શાવેલો હોય છે. માટીમાં સેન્દ્રીય કાર્બન ૩% કરતા પણ વધુ હોય શકે છે. ૧.૨૫% થી ૧.૫૦% સેન્દ્રીય કાર્બનને ખેતી માટે પૂરતો માનવામાં આવે છે. જો ૦.૫% કરતાં પણ ઓછો સેન્દ્રીય કાર્બન હોય તો તે ખેતી માટે ચિંતાનો વિષય બની રહે છે.

નમુનાના અહેવાલમાં આ આંકડો ૦.૭૬ ટકા દર્શાવેલો છે અને તેની ગુણવત્તા વધારે દર્શાવેલી છે. એનો અર્થ એ છે કે, માટીમાં સેન્દ્રીય કાર્બન સારા પ્રમાણમાં છે પરંતુ પૂરતા પ્રમાણમાં નથી. ખેતીમાં રસાયણોના વપરાશના અતિરેકથી અને વધુ પડતી ખેડના કારણે માટીમાં રહેલો સેન્દ્રીય કાર્બન સતત ઘટી રહ્યો છે. માટીમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધારવા વધુ પ્રમાણમાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો જોઇએ અને લીલો પડવાશ કરવો જોઇએ.

નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ મુખ્ય પોષક તત્ત્વો ગણાય છે અને તે છોડને વિકાસ માટે વધુ જથ્થામાં જોઇએ છે. કેલ્શીયમ, મેગ્નેશીયમ અને સલ્ફર(ગંધક) એ ગૌણ પોષક તત્ત્વો ગણાય છે અને તે છોડના વિકાસ માટે તે મધ્યમ જથ્થામાં જોઇએ છે. જસત(ઝીંક), લોહ(ફેરસ), મેંગેનિઝ, તાંબુ(કોપર), મોલીબ્લેડમ, બોરોન અને ક્લોરીન એ સૂક્ષ્મ પોષક તત્ત્વો ગણાય છે અને તે છોડને વિકાસ માટે ખૂબ જ ઓછી માત્રામાં જોઇએ છે. આ તમામ પોષક તત્ત્વો છોડ માટીમાંથી મેળવે છે. જૂની કહેવત છે ને કે ‘કૂવામાં હોય તો અવાડામાં આવે” એટલે કે જો માટીમાં કોઇ પોષક તત્ત્વની ઉણપ હોય તો છોડમાં પણ તે પોષક તત્ત્વની ઉણપ સર્જાય છે.

ફળદ્રુપ માટીમાં છોડનો વિકાસ અને બિન ફળદ્રુપ માટીમાં છોડનો વિકાસ
જર્મન વૈજ્ઞાનિક જસ્ટસ વોન લિબેગના 'લો ઓફ મિનિમમ 'નો સિંધ્ધાંત સમજાવતું ચિત્ર

આ બાબત સમજાવવા માટે જર્મન વૈજ્ઞાનિક જસ્ટસ વોન લીબેગે ‘લો ઓફ મીનીમમ”નો સિદ્ઘાંત આપ્યો અને તેને લાકડાના પટ્ટીથી બનેલા બેરલ એટલે કે ટાંકીના માધ્યમથી સમજાવ્યું. જે આ ચિત્રમાં દર્શાવ્યું છે:

આ ચિત્રમાં લાકડાની પટ્ટીઓથી બનેલું એક બેરલ બતાવવામાં આવેલું છે. આ બેરલની પટ્ટીઓ લાંબી-ટૂંકી છે. આ બેરલમાં પાણી ભરવામાં આવે તો પાણી કેટલે સુધી ભરી શકાશે? પાણી સૌથી ટૂંકી પટ્ટી સુધી જ ભરી શકાશે….બરાબર…બીજી પટ્ટીઓ ગમે તેટલી લાંબી હોય તો પણ તેનાથી વધુ પાણી ભરવા સબંધે કોઇપણ ફરક પડતો નથી. જો આ બેરલમાં વધારે પાણી ભરવું હોય તો જે પટ્ટી સૌથી ટૂંકી છે તેમાં સાંધો મારવો પડે. અહીં બેરલની આ વિવિધ પટ્ટીઓ આપણી માટીમાં આવેલા વિવિધ પોષક તત્ત્વો અને તેની માત્રા છે.

ચાલો તેને ઉદાહરણથી સમજીએ – ખેડૂતે એક એકરમાં ઘઉંનો પાક કરેલો છે અને તેને ૧૨૦૦ કિલો ઘઉંનું ઉત્પાદન થાય છે. અહીં સવાલ એ થાય કે, ઘઉંનું ઉત્પાદન ૧૨૦૦ કિલો જ થશે તેથી વધુ નહીં તે નક્કી કોણે કર્યું? આ નક્કી કરનાર એ પોષક તત્ત્વ છે જે માટીમાં પ્રમાણમાં સૌથી ઓછી માત્રામાં છે, તેને કારણે જ ઉત્પાદન ૧૨૦૦ કિલો સુધી જ થયું છે. જો હવે ઉત્પાદન વધારવું હોય તો તે જ પોષક તત્ત્વની પૂર્તતા કરવી પડે. જો તે સિવાયના અન્ય પોષક તત્ત્વો માટીમાં ઉમેરવામાં આવે તો પણ તેનાથી ઉત્પાદન વધવાનું નથી.

પૃથ્થકરણના અહેવાલથી પોષણ સંબંધી આ જ જાણકારી મેળવી આપણી માટીમાં ક્યા પોષક તત્ત્વનું પ્રમાણમાં સૌથી ઓછું છે તે ઓળખી તેની પૂર્તતા કરવી જરૂરી છે. માટીના નમુનાના પૃથ્થકરણથી મળેલા આંકડા પૃથ્થકરણના અહેવાલ વિભાગમાં દર્શાવવામાં આવે છે. અહીં પૃથ્થકરણથી મળેલા આંકડાનો અર્થ માટીમાં તે પોષક તત્ત્વ ઓછું, મધ્યમ કે વધારે છે તે પણ દર્શાવવામાં આવે છે. ચાલો તેને વિગતવાર સમજીએ:

(૧) માટીમાં નાઈટ્રોજન સ્વતંત્ર રહી શકતો નથી, એ હંમેશા સેન્દ્રીય કાર્બન સાથે સંકળાયેલો રહે છે. આથી કેટલીક પ્રયોગશાળાઓ માટીમાં રહેલા સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ જાણી તેના આધારે જ નાઇટ્રોજન ઓછું, મધ્યમ કે વધુ છે તે નક્કી કરે છે. જ્યારે કેટલીક પ્રયોગશાળાઓ માટીમાં રહેલા નાઇટ્રોજનનું એમોનિકલ નાઇટ્રોજન કે નાઇટ્રેટ નાઇટ્રોજન તરીકે પૃથ્થકરણ કરી તેનો આંકડો આપે છે. કુલ નાઇટ્રોજન / સેન્દ્રીય કાર્બન / ઓર્ગેનીક કાર્બનનું માટીમાં પ્રમાણ ટકામાં દર્શાવેલું હોય છે.

(૨) એક એકર જમીનમાં લભ્ય ફોસ્ફરસ કિલોમાં દર્શાવવામાં આવે છે.

(૩) એક એકર જમીનમાં લભ્ય પોટાશ કિલોમાં દર્શાવવામાં આવે છે.

(૪) સૂક્ષ્મ પોષક તત્ત્વો જેવા કે ગંધક (સલ્ફર), જસત (ઝીંક), લોહ (ફેરસ), મેંગેનિઝ અને તાંબુ (કોપર) પીપીએમમાં એટલે કે માટીના ૧૦ લાખ કણોમાં જે તે પોષક તત્ત્વોના કણો કેટલા છે તે દર્શાવવામાં આવે છે.

નમુનાના અહેવાલમાં મળેલા પોષક તત્ત્વ સંબંધી આંકડાઓમાંથી ક્યા પોષક તત્ત્વો ઉત્પાદનની મર્યાદા બની રહ્યા છે તે ઓળખીએ. નમુનાના અહેવાલમાં પોષક તત્ત્વના આંકડા અને તેની ગુણવત્તા આ કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ છે:

અહેવાલ ચકાસતા જાણવા મળે છે કે, માટીમાં લભ્ય ફોસ્ફરસ, જસત (ઝીંક), લોહ (ફેરસ) અને મેંગેનિઝ પોષક તત્ત્વો ઓછા પ્રમાણમાં છે. તો સૌપ્રથમ આ પોષક તત્ત્વોની પૂર્તતા કરવી પડે અને આમ કરવાથી જ ઉત્પાદનમાં સારો વધારો થશે. આમ ન કરતાં તે સિવાયના પોષક તત્ત્વો માટીમાં નાખવામાં આવે તો તેની ઉત્પાદન પર કંઇ ખાસ અસર થશે નહી. પોષક તત્વની પૂર્તતા કઇ રીતે કરી શકાય તે દરેક પ્રયોગશાળા તેના વિવેક મુજબ અહેવાલમાં જણાવતી હોય છે. છાણ અને પાકના અવશેષમાંથી બનેલા સેન્દ્રીય ખાતરમાં બધાજ પોષક તત્ત્વો હોય છે. પાક ફેરબદલી પણ પોષક તત્ત્વોની જાળવણીમાં અગત્યની ભૂમિકા ભજવે છે.

માટીના પી.એચ.ની પોષક તત્ત્વોની લભ્યતા ઉપર અસર દર્શાવતો ચાર્ટ: લીલો રંગ લભ્યતા દર્શાવે છે

માટીમાં પોષક તત્ત્વો ખનીજ સ્વરૂપે મોટી માત્રામાં આવેલા હોય છે, પરંતુ છોડના વિકાસ માટે તે લભ્ય હોતા નથી. પોષક તત્ત્વની લભ્યતાને માટીનો પી.એચ. આંક સીધી રીતે અને માટીમાં રહેલો સેન્દ્રીય કાર્બન જટીલ રીતે અસર કરે છે.

તો, ચાલો તેને વિગતે સમજીએ: જો માટીનો પી.એચ. આંક ૬.૬ થી ૭.૩ વચ્ચે હોય તો મોટાભાગના પોષક તત્ત્વો માટીમાં હોય તો તે છોડને લભ્ય હોય છે. પરંતુ, જો માટીનો પી.એચ. આંક ૭.૩ થી ઉપર થતો જાય તો કેટલાક પોષક તત્ત્વો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શીયમ, જસત (ઝીંક), લોહ (ફેરસ), મેંગેનિઝ, તાંબુ અને બોરોન જો માટીમાં હોય તો પણ તેની છોડને લભ્યતા ઘટતી જાય છે.

અલભ્ય પોષક તત્ત્વોને લભ્ય કરવા માટે વિવિધ બેક્ટેરીયા, ફૂગ અને અન્ય સૂક્ષ્મજીવો સતત કાર્ય કરે છે. આ સૂક્ષ્મજીવો વિવિધ પ્રકારના એસિડ, હોર્મોન અને ઉત્સેચકોનું નિર્માણ કરી પોષક તત્ત્વો લભ્ય કરે છે. આ સૂક્ષ્મજીવોની વિવિધતા અને સંખ્યાબળ મુખ્યત્વે માટીમાં રહેલા સેન્દ્રીય કાર્બન પર આધાર રાખે છે.

માટીમાં રહેલા સૂક્ષ્મજીવો: બેક્ટેરિયા, એકિટનો, માયસેટીસ, આલ્ગી, પ્રોટોજુઆ, અળશિયા અને અન્ય સૂક્ષ્મજીવો

જો માટીમાં સેન્દ્રીય કાર્બન ઓછો હોય તો સૂક્ષ્મજીવોની વિવિધતા અને તેનું સંખ્યાબળ પણ ઓછું હોય છે અને આથી જ પોષક તત્ત્વો લભ્ય કરવાની પ્રક્રિયા ખૂબ ધીમી થઇ જાય છે, અને અંતે અમુક પોષક તત્ત્વો છોડને પૂરતા પ્રમાણમાં લભ્ય થતા નથી. એનો અર્થ એવો થયો કે માટીનો પી.એચ. આંક ૭ ની આસપાસ રહેવો જોઇએ અને માટીમાં સૂક્ષ્મજીવોની વિવિધતા અને તેના સંખ્યાબળમાં વધારો થવો જોઇએ.

આમ કરવા માટે અગાઉ સમજી ગયા તેમ માટીમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધારવું જોઈએ. તે માટે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ વધારવો જોઇએ, એરંડા ખોળ-લીંબોડી ખોળ જેવા ખોળનો ઉપયોગ કરવો જોઇએ અને સમયાંતરે લીલો પડવાશ કરવો જોઇએ. સાથે-સાથે યોગ્ય પ્રકારના બાયો-ફર્ટીલાઇઝરોનો ઉપયોગ પણ કરવો જોઇએ. જેમ કે જો ઝીંક તત્ત્વની ઉણપ હોય તો ઝીંક સોલ્યુબલાઇઝીંગ બેક્ટેરીયા વાળું બાયો-ફર્ટીલાઇઝર અને જો ફોસ્ફરસ તત્ત્વની ઉણપ હોય તો પીએસબી કલ્ચર વાપરવું જોઇએ.

યુ ટ્યુબ ઉપર જૂઓ

ડાઉનલોડ પીડીએફ

સંબંધિત વિડિયો