કમ્પોસ્ટ ખાતર બનાવવાની ઢગલા પદ્ઘતિ
કમ્પોસ્ટ ખાતર બનાવવાની પધ્ધતીઓ વિવિધ નામથી ઓળખાય છે પરંતુ કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે મોટેભાગે ખેડૂતો ઢગલા પધ્ધતી અને ખાડા પધ્ધતીનો ઉપયોગ કરે છે.
કમ્પોસ્ટ બનાવવાની ઢગલા પધ્ધતીમાં વિવિધ ખેત કચરો અને પશુના છાણ-મૂત્રને જમીન પર ઢગલો કરી તેનું કોહવાણ કરવામાં આવે છે. અહીં આ ઢગલામાં હવાની હાજરી હોય છે અને તેમાં વાતજીવી એટલે કે એરોબીક બેક્ટેરીયા અને સૂક્ષ્મજીવો કોહવાણ કરવાનું કાર્ય કરે છે. જ્યારે કમ્પોસ્ટ બનાવવની ખાડા પધ્ધતીમાં વિવિધ ખેત કચરો અને પશુના છાણ-મૂત્રને ખાડો કરી તેનું કોહવાણ કરવામાં આવે છે. અહીં આ ખાડામાં હવાની ગેરહાજરી હોય છે અને તેમાં અવાતજીવી એટલે કે અનએરોબીક બેક્ટેરીયા અને સૂક્ષ્મજીવો કોહવાણનું કાર્ય કરે છે. ઢગલા પધ્ધતીમાં ખાતરને પલ્ટી મારવી સરળ છે અને તેથી તેમાં હવા વધુ માત્રામાં ભળે છે અને કોહવાણની પ્રક્રિયા ઝડપી બને છે.
તો ચાલો, આપણે કમ્પોસ્ટ ખાતર બનાવવની ઢગલા પધ્ધતી વિશે જાણીએ.
૧. કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે છાયડાંવાળી જગ્યા પસંદ કરવી. આ માટે ઝાડની નીચે જ્યાં છાયડો રહેતો હોય તે પસંદ કરી શકાય. જો આવું શક્ય ન હોય તો જ્યાં કમ્પોસ્ટ ખાતર બનાવવાનું છે ત્યાં આસપાસ મળી આવતા ઘાસ વગેરેમાંથી હંગામી છાંયડો પણ કરી શકાય.
૨. ઢગલાની લંબાઇ સ્થળની અનુકૂળતા મુજબ ગમે તેટલી રાખી શકાય. પહોળાઇ ૬ થી ૮ ફૂટથી વધારે રાખવી નહી તથા ઊંચાઇ પણ ૫ ફૂટથી વધારે રાખવી નહી. અહી એક વાત સમજવાની છે કે ઢગલો બનાવવા માટે કોઇપણ વ્યક્તિએ કે સાધને ઢગલા પર ચડવાનું નથી અન્યથા ઢગલો દબાશે અને તેમાંથી હવા ઓછી થશે અને કોહવાણની પ્રક્રિયા અટવાશે. જરૂર પડે લંબાઇ-પહોળાઇ જમીન પર આંકી લેવા અને ઊંચાઇ માટે વચ્ચે લાકડી ખોડવી.
૩. ઢગલો બનાવવા માટે સૌ પ્રથમ નીચે ખાસ તો ઝડપથી સડે નહીં તેવી ઝાડની સૂકી ડાળીઓ ગોઠવવી. આવું કરવાથી ઢગલાનું વધારાનું પાણી તેમાંથી બહાર નીકળી જશે તથા નીચેના ભાગમાં હવાની અવર-જવર પણ રહેશે.
૪. જેનું કમ્પોસ્ટ ખાતર બનાવવાનું છે તે ખેત કચરો સામાન્ય રીતે બે પ્રકારનો હોય છે. એક સૂકો કચરો અને બીજો લીલો કચરો. લીલા કચરામાં નાઇટ્રોજનનું પ્રમાણ સારું એવું હોય છે અને તે ઝડપથી કોહવાય છે. તેનો અર્થ એ થયો કે, પદાર્થમાં રહેલો કાર્બન અને નાઇટ્રોજનનો રેશીયો તે પદાર્થ કેટલી ઝડપથી કોહવાશે તે નક્કી કરે છે. (સી. એન. રેશીયો વિશે ‘કમ્પોસ્ટ ખાતરનું મહત્ત્વ અને અગત્યના મુદા” માં વિગતવાર માહિતી આપવામાં આવી છે.)
૫. સૂકી ડાળીઓના થર ઉપર ૬ ઇંચનો સૂકા કચરાનો થર બનાવવો અને તેના ઉપર છાણની રબડીનો ખૂબ જ પાતળો થર કરવો. અહીં એ નોંધવુ રહ્યું કે, આપણે મુળે તો ખેત કચરાનું કે જે આપણી પાસે વધુ માત્રામાં છે તેનું ખાતર બનાવવાનું છે, નહી કે છાણનું જે આપણી પાસે ઓછી માત્રામાં છે. જેમ દૂધમાંથી દહીં બનાવવા માટે આપણે મેળવણ વાપરીએ છીએ તે રીતે અહીં ખેત કચરામાંથી ખાતર બનાવવા માટે છાણની રબડીને મેળવણ તરીકે વાપરવાની છે.
૬. હવે ૬ ઇંચનો લીલા કચરાનો થર બનાવવો અને તેના પર છાણની રબડીનો ખૂબ જ પાતળો થર કરવો.
૭. આમ વારા ફરતી સૂકા અને લીલા કચરાના થર કરવા અને ઢગલો ૫ ફૂટ જેટલો ઊંચો કરવો.
૮. આ રીતે તૈયાર થયેલા ઢગલામાંથી ભેજ ઝડપથી ન ઉડે તે માટે તેને નાળીયેર કે ખારેકના પાન કે પ્લાસ્ટીક શીટ વડે ઢાંકવો.
૯. હવે આ ઢગલો, કમ્પોસ્ટ ખાતર બનવાના વિવિધ ત્રણ તબ્બકામાંથી પસાર થશે. (૧) ગરમીનો તબક્કો – પહેલો એક મહિનો, (૨) ત્યાર બાદ એક થી દોઢ મહિનાનો ઠંડકનો તબક્કો અને (૩) અંતે એક મહિનો પરિપક્વતાના તબક્કામાંથી પસાર થશે. કમ્પોસ્ટ પ્રક્રિયાના તબક્કામાં થતી ગતીવિધી આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય છે.
૧૦. ઢગલો ગરમ થવાથી તેમાંથી ભેજ ઉડતો જાય છે અને ઢગલો સૂકો થતો જાય છે. આથી ભેજ જળવાઇ રહે તે માટે ઢગલા પર જરૂરિયાત મુજબ પાણીનો છંટકાવ કરતા રહેવું.
૧૧. દોઢ મહિના બાદ એટલે કે, જ્યારે કમ્પોસ્ટ ઠંડકના તબક્કામાં હોય ત્યારે કમ્પોસ્ટના ઢગલાની પલ્ટી મારવી. આ તબક્કે પીળાશ પડતો દેખાતો ખેત કચરો આછા કથ્થાઇ રંગનો બની ગયેલો હોય છે અને પાંદડા પણ જીર્ણ થઇ ગયેલા હોય છે. આ માટે કમ્પોસ્ટના ઢગલાને એક તરફથી ખાંપતા જવું અને પાસે જ નવા સ્થળે ફરીથી ઢગલો બનાવતાં જવું. આ વખતે પણ ઢગલાની પહોળાઇ ૬ થી ૮ ફૂટ અને ઊંચાઇ ૫ ફૂટથી વધુ ન કરવી. ફરીથી બની રહેલા ઢગલાને પણ થર કરીને બનાવવો અને દરેક થર ઉપર જરૂરિયાત મુજબ પાણીનો છંટકાવ કરવો અને છાણની રબડીનો પણ પાતળો થર કરવો.
૧૨. ફરીથી બનેલા ઢગલામાંથી પણ ભેજ ઉડી જતો બચાવવા નાળીયેર કે ખારેકના પાન કે પ્લાસ્ટીક શીટ વડે ઢગલાને ઢાંકવો અને જરૂરિયાત મુજબ પાણીનો છંટકાવ પણ કરવો.
૧૩. ત્રણ થી સાડા ત્રણ મહિને પરિપક્વતાનો તબક્કો પણ પૂર્ણતાને આરે હોય છે. આ તબક્કે કમ્પોસ્ટ ખાતર તૈયાર થઇ ગયુ હશે. હવે ઢગલાનો આછો કથ્થાઇ રંગ ઘેરો કથ્થાઇ કે કાળો થઇ ગયો હશે. પાન ઓળખાય નહી તેવી સ્થિતીમાં હશે, વજનમાં હલકું હશે અને તેને સુંઘતા તેમાંથી પ્રથમ વરસાદ પડે અને માટીમાંથી જે સુગંધ આવે તેવી સુગંધ આવશે.
૧૪. આ કમ્પોસ્ટ ખાતર જરૂરિયાત હોય તો સીધું જ માટીમાં નાખી શકાય અન્યથા તેનો લુઝ કે બેગમાં ભરીને સંગ્રહ કરી શકાય. સંગ્રહ હંમેશા છાયડાંવાળી અને ઠંડકવાળી જગ્યાએ જ કરવો. આ કમ્પોસ્ટ ખાતરને તેમાંથી મોટી અને કોહવાયા વગરની રહી ગયેલી ડાળીઓ દૂર કરીને સીધું જ વાપરી શકાય અને જરૂરિયાત મુજબ ચાળીને પણ વાપરી શકાય. ખાતર ચાળી નાખ્યા બાદ વધેલો અર્ધ કોહવાયેલો કચરો ફરીથી કમ્પોસ્ટ ખાતર બનાવવાના ઉપયોગમાં લઇ શકાય. (વધુ વિગતો માટે ‘કમ્પોસ્ટ ખાતરનું મહત્ત્વ અને અગત્યના મુદા” જૂઓ)
ગામ નિંગાળ, તાલુકો અંજાર, જિલ્લો કચ્છના ૨૦ વર્ષથી સજીવખેતી કરતા શ્રી મગનભાઇ આહીર કમ્પોસ્ટ ખાતર ખૂબ જ મોટા જથ્થામાં બનાવે છે. ૧૦ થી ૨૦ ટન કમ્પોસ્ટ ખાતર પ્રતિ એકર પ્રતિ વર્ષ તે માટીમાં નાખે છે. તેમણે ખાતર બનાવવાની પધ્ધતી ખૂબ જ સરળ અને સાદી કરી નાખી છે, જે આ પ્રમાણે છે.
મગનભાઇ જણાવે છે કે કચ્છમાં આપણી પાસે સૂકો ખેત કચરો તો મોટા જથ્થામાં મળી રહે છે પરંતુ લીલો કચરો નહીવત મળે છે. જેને કારણે કમ્પોસ્ટ ખાતર બનાવવું પડકાર બની રહે છે. આ માટે મગનભાઇ જે કોઇપણ ખેત કચરો કે જે ઝડપથી સડતો નથી જેમ કે, એરંડાના છોડના અવશેષો, શેરડીના સૂકા પાન કે જે ઉનાળામાં તેમની પાસે ઉપલબ્ધ છે તેનો ખેતરની બહાર એક જગ્યાએ ઢગલો કરે છે.
આ કચરાને ઉનાળે ગરમ થવા દે છે અને ચોમાસામાં તેના પર વરસાદનું પાણી વરસવા દે છે. જેને કારણે સૂકો ખેત કચરો તેની તાકાત મૂકી દે છે એટલે કે સરળતાથી ભાંગી શકાય તેવો થઇ જાય છે. ચોમાસું ઉતરતા તેના પર ટ્રેક્ટર ફેરવે છે જેને કારણે આ સૂકો ખેત કચરો ભાંગી પડે છે. આ ભાંગેલા કચરાને તે શિયાળા દરમિયાન વાડામાં પશુ પથારી તરીકે વાપરે છે. તેમાં પશુનુ છાણ અને મૂત્ર શોષવા દે છે. જેને કારણે આ મટીરીયલનો સી.એન. રેશીયો નીચો આવતો જાય છે.
શિયાળો પૂર્ણ થયા બાદ તે વાડામાંથી આ પશુ પથારી કાઢીને તેમાંથી કમ્પોસ્ટનો ઢગલો બનાવે છે. આ ઢગલાની દર મહિને પલ્ટી મારતાં રહે છે અને જરૂર જણાય તો પલ્ટી વખતે પાણી ઉમેરે છે અને આ રીતે ચોમાસાંની સીઝન માટે કમ્પોસ્ટ ખાતર તૈયાર થાય છે.
આ પ્રક્રિયા તેઓ ફરી ને ફરી વર્ષો-વર્ષ કરતા રહે છે.
તઓે વધુમાં જણાવે છે કે મોટા જથ્થામાં કમ્પોસ્ટ ખાતર બનાવવામાં વધુ મજૂરની જરૂર પડે છે – જે પરવડતું નથી. આ માટે મગનભાઇ બધા જ કામ માટે લોડર મશીન ભાડે રાખી લે છે. તેમણે વાડાના ગેટનું માપ, ઢગલાનું માપ વગેરે એ રીતે ગોઠવ્યા છે કે લોડર મશીન સરળતાથી કામ કરી શકે.
મગનભાઇ કમ્પોસ્ટ ખાતરનો સંગ્રહ કરતા નથી. તેમણે કમ્પોસ્ટ ખાતરના ઉત્પાદનની સાઇકલ જ એવી રીતે ગોઠવી છે કે તેમને જરૂરિયાતના સમયે કમ્પોસ્ટ ખાતર મળી રહે. તેમને કમ્પોસ્ટ ખાતર બનાવવાની પણ ઉતાવળ રહેતી નથી, આથી ડિ-કમ્પોઝર જીવાણું વાપરવાની પણ જરૂર પડતી નથી.