જ્ઞાન સંપૂટ – ૧૪: કુદરતી નિયંત્રણ

પાકમાં રોગ અને જીવાતને આવતા અટકાવવાની પધ્ધતીઓ

અંગ્રેજીમાં એક કહેવત છે જે તમે સાંભળી હશે, ‘પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર’. એટલે કે બીમારી આવી ગયા પછી તેની સારવાર કરવા કરતાં આવતી અટકાવવી એ ઉત્તમ ગણાય. કોઇપણ બીમારીને સારવારથી દૂર કર્યા બાદ પણ તેની કોઇ ને કોઇ સ્વરૂપમાં આડઅસર રહી જતી હોય છે. પાકમાં રોગ અને જીવાત લાગી ગયા બાદ સારવાર કરતાં કરતાં લગભગ ૧૦% થી ૩૦% સુધી નુકશાન થઇ જતું હોય છે. એમાં પણ જો ઘણીવાર બીમારી સમજવામાં જ સમય નીકળી જાય તો પછી સારવાર કરીએ ત્યાં સુધીમાં પાક નિષ્ફળ થઇ જાય છે. આપણે રોગ અને જીવાતને કેવી રીતે ઓળખવા તે અગાઉ સમજયા. તેના પરથી સ્પષ્ટ થાય છે કે જીવાત આવે તરત જ ખબર પડી જાય છે પરંતુ રોગની ખબર મોડી પડે છે અને ત્યાં સુધીમાં પાકને ઘણું નુકશાન થઇ ગયું હોય છે. એટલા માટે જ ખૂબ જરૂરી છે કે તેને આવતા જ અટકાવીએ.

બીમારીને આવતી અટકાવવી એ ઉત્તમ ઉપાય છે.

રોગ અને જીવાત માટે સંકલિત વ્યવસ્થાપન

આપણે છેલ્લા કેટલાક વર્ષોથી ‘સંકલિત રોગ વ્યવસ્થાપન’ અને ‘સંકલિત જીવાત વ્યવસ્થાપન’ એવા શબ્દો સાંભળતા આવ્યા છીએ. સંકલિત રોગ કે જીવાત વ્યવસ્થાપન એટલે-સ્થાનિક વાતાવરણને અનુરૂપ અપનાવી શકાય તેવી અસરકારક પધ્ધતીઓને સમયબધ્ધ અને સૂમેળપૂર્વક અપનાવીને જીવાતની વસતિ કે રોગકારકોની માત્રા આર્થિક નુકશાનીની ક્ષમ્ય માત્રાથી નીચે રાખવાની પધ્ધતીઓને સંકલિત વ્યવસ્થાપન કહે છે.

સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપન શા માટે?

  • પ્રકૃતિમાં વિવિધ જાતની વનસ્પતિ અને પ્રાણીઓની વસતિનું કુદરતી સંતુલન જાળવવા માટે.
  • હવા, પાણી, જમીન અને વનસ્પતિ જેવા પર્યાવરણિય ઘટકોમાં ઝેરી રસાયણોનું પ્રદૂષણ અટકાવવા માટે.
  • મનુષ્ય, પશુ-પક્ષીઓ અને જીવાતોના પરજીવી-પરભક્ષીઓને જંતુનાશકો/ફૂગનાશકોની અસરથી બચાવવા માટે.
વનસ્પતિ અને પ્રાણીઓની વસતિનું કુદરતી સંતુલન

સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપનના સિધ્ધાંતો

  • વનસ્પતિ અને પ્રાણીઓ પર્યાવરણનો ભાગ છે અને તે ખોરાક માટે એકબીજા પર આધારિત છે.
  • ‘જીવો જીવસ્ય ભોજનમ્’ સૂત્ર પ્રમાણે તમામ નુકશાનકારક જીવાતોને મારવી પર્યાવરણની દ્રષ્ટીએ નુકશાનકારક સોદો ગણાય.
  • જીવાતમાં કે રોગકારકોમાં સમય જતાં જે તે રસાયણ સામે પ્રતિકારક ક્ષમતા કેળવાય છે, આથી માત્રા વધારી છંટકાવ કરવાથી પર્યાવરણમાં ઝેરનું પ્રદૂષણ વધે છે.

સંકલિત વ્યવસ્થાપન પધ્ધતી-ખેતર અને જમીન

  • જમીનની કેળવણી

જમીનને સેન્દ્રીય ખાતર તથા લીલો પડવાશ કરી ખૂબ જ ફળદ્રુપ અને તંદુરસ્ત બનાવવી, જમીન તંદુરસ્ત હશે તો છોડ તંદુરસ્ત રહેશે.

સેન્દ્રીય ખાતર
લીલો પડવાશ
  • ખેતરનું પર્યાવરણ

ખેતરમાં વધુને વધુ જૈવ-વિવિધતા ઉભી કરવી જેથી પરભક્ષી કિટકો – પક્ષીઓ અને પરજીવીઓને આશરો મળે જે રોગ-જીવાત નિયંત્રણનું કામ કરશે.

૧. જમીન, પાણી અને હવામાનને અનુરૂપ પાકનું આયોજન કરવું.

પાક વાવેતરમાં જૈવ વિવિધતા
  • જમીનની સફાઇ અને ઊંડી ખેડ

૧. પાકની કાપણી બાદ તરત જ ઊંડી ખેડ કરવી જેથી કોશેટા તડકામાં તપી નાશ પામે અથવા પક્ષીઓ ખાય જાય.

૨. તીતીઘોડા, કાતરા, ખપેડી વગેરેનો ઉપદ્રવ ઓછા થાય.

૩. ડાંગરમાં ઝડીયા વીણી નાશ કરવાથી ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ઘટે.

૪. ફળઝાડના પાકોમાં સડેલા ફળ વીણી નાશ કરવાથી ફળમાખીનો તથા ફળના સડાના રોગનો ઉપદ્રવ ઘટડી શકાય.

૫. શાકભાજીના પાકોમાં સડેલા ફળ દાટી દેવાથી ફળ કોરી ખાનાર ઇયળનો ઉપદ્વવ ઘટે.

જમીનની સફાઇ અને ઊંડી ખેડ
  • ખેતર ફરતે ખાઇ કરવી, હાથથી વીણી નાશ કરવો, ઘેટા ચરાવવા

લશ્કરી ઇયળના ટોળા બાજુના ખેતરમાંથી ચાલીને આવતા અટકાવી શકાય.

૧. લશ્કરી ઇયળ છોડના પાનમાં નીચેની બાજુ જથ્થામાં ઇંડા મૂકે છે, આ ઇંડાવાળા પાનને હાથથી વીણી નાશ કરવાથી લશ્કરી ઇયળના ઉપદ્રવથી બચી શકાય.

૨. કપાસના પાકમાં ગુલાબી ઇયળ જીંડવામાં રહે છે અને કોશેટો પણ જીંડવામાં બને છે, આથી ઘેટા ચરાવવાથી નુકશાન થયેલા જીંડવા ઘેટા ચરી જાય છે અને ઇયળ તથા કોશેટાનો નાશ થાય છે.

ખેતરની ફરતે કરવામાં આવેલી ખાઇ
  • ખેતરની આજુ-બાજુના શેઢા-પાળા ચોખ્ખા અને નિંદામણ મુક્ત રાખવા.

૧. લશ્કરી ઇયળ દિવસના સમયે શેઢા-પાળા કે નિંદામણમાં આશરો લે છે, આથી સફાઇ રાખવાથી ઇયળને છુપાવાની જગ્યા મળતી નથી.

ખેતર અને શેઢા-પાળા ચોખ્ખા રાખવા
  • પક્ષીના ટેકા

૧. પક્ષીઓ કુદરતી પરભક્ષીઓ છે જે ઇયળના ફૂદા, ઇયળ વગેરેને પોતાના ખોરાક તરીકે ખાય છે.

૨. ખેતરમાં ૬ થી ૮ ફૂટ ઊંચાઇના લાકડાના ટેકા ખોડવાથી પક્ષીઓ તેના પર આવીને બેસે છે અને ઇયળ તથા ફૂદાને ખાય છે.

ખેતરમાં રાખવામાં આવેલા પક્ષીના ટેકા

સંકલિત વ્યવસ્થાપન પધ્ધતી-બીજ

  • સ્થાનિકે અનુકૂળ પાક અને જાત પસંદ કરવી

૧. આપણા વિસ્તારને અનુરૂપ પાકની વાવણી કરવી ઉદાહરણ તરીકે ઠંડા હવામાનમાં થતો પાક ગરમ હવામાનવાળા વિસ્તારમાં વાવેતર કરવો જોઇએ નહી.

૨. જીરૂના પાકનું ભેજવાળા વિસ્તારમાં વાવેતર ટાળવું.

૩. વિદેશના પાકો અને તેની જાતોનું વાવેતર ટાળવું.

૪. જમીનના પ્રકારને અનુરૂપ પાકનું વાવેતર કરવું.

૫. ચૂસીયાના નિયંત્રણ માટે રૂવાંટીવાળી જાતોનું વાવેતર કરવું.

૬. શકય હોય ત્યાં સુધી સ્થાનિક વાતાવરણને અનુરૂપ દેશી બીજ મેળવવાનો પ્રયાસ કરવો.

વિદેશના પાકો અને તેની જાતોનું વાવેતર ટાળવું.
  • બીયારણનો દર અને વાવેતર અંતર

૧. જુવારમાં બીજનો દર ૧૨.૫ કિગ્રા/હેકટર રાખવાથી સાંઠાની માખીનો ઉપદ્રવ ઓછો થાય છે.

૨. ચોમાસામાં પહોળા પાટલે વાવેતર કરવાથી રોગ ઓછા આવે છે.

  • રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરી શકાય.

સંકલિત વ્યવસ્થાપન પધ્ધતી-વાવેતર

  • બીજને બીજ માવજત આપીને વાવેતર કરવું.

૧. બીજને ગૌમૂત્ર, ખાટી છાશ, મીઠાવાળું પાણી, બીજામૃત તથા જૈવીક રોગનાશકોનો પટ્ટ આપી વાવેતર કરવું.

  • વાવણીની તારીખમાં ફેરફાર

૧. તૂવેરના પાકનું વાવેતર ઓગષ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવે તો નુકશાનથી બચી શકાય.

૨. એરંડાના પાકનું ઓગષ્ટમાં મહિનામાં વાવેતર કરવાથી ઘોડીયા ઇયળનું નુકશાન ઓછું થાય છે.

૩. રાયડાની વાવણી ૧૦ ઓક્ટોબર થી ૨૫ ઓકટોબરમાં કરવાથી માલોમશીનો ઉપદ્રવ ઓછો થાય છે.

૪. જુવારનું સમયસર (જૂન-જૂલાઇમાં) વાવેતર કરવાથી કૂંપળ કોરી ખાનાર ઇયળનું નુકશાન ઓછું થાય છે.

૫. ડાંગરની રોપણી વહેલી (જુલાઈના પ્રથમ અઠવાડિયામાં) કરવાથી ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ઘટાડી શકાય.

સંકલિત વ્યવસ્થાપન પધ્ધતી-પાક વ્યવસ્થાપન

  • પિંજર પાક, આંતરપાક, પાક ફેરબદલી

૧. ડુંગળીનો પાક લીધા બાદ થ્રીપ્સ પ્રતિકારક(જેવા કે ધાન્ય વર્ગના)પાક જ લેવા, ડુંગળીના અરોડા ઉખાડી નાંખવા.

૨. કોબી, ફ્લાવર, ગાજર, ભાજી વગેરે પાકની સાથે લીલી ડુંગળી પિંજર પાક તરીકે વાવેતર કરવાથી થ્રીપ્સનું નિયંત્રણ થાય છે.

મુખ્ય પાકની ફરતે પિંજર પાકનું વાવેતર

૩. કઠોળ અને ધાન્ય પાકોનું મિશ્ર પાક કે આંતરપાક તરીકે વાવેતર કરવું, ઉદાહરણ તરીકે બાજરો અને મગનું મિશ્ર પાક કે આંતરપાક તરીકે વાવેતર કરવાથી મગમાં ચુસીયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ થાય છે.

૪. મગફળીના પાકમાં ચોળાનો આંતરપાક લેવાથી પરભક્ષી દાળીયાની વસતિ વધે છે જે મોલોમશીનો ઉપદ્રવ ઘટાડે છે.

૫. મગફળીમાં મકાઇ કે જુવારની છાંટ નાખવાથી મોલો, લીલી ઇયળ અને લશ્કરી ઇયળથી થતું નુકશાન ઓછું થાય છે.

૬. તુવેરમાં બાજરી કે મકાઇનું વાવેતર કરવાથી લીલી ઇયળથી થતું નુકશાન ઘટે છે.

૭. કપાસમાં અને ટમેટામાં ૧૦ લાઇન દીઠ એક લાઇન હજારીગલનું વાવેતર કરવાથી લીલી ઇયળથી થતું નુકશાન ઓછું થાય છે.

૮. કોબીમાં ૧૦ લાઇન પછી એક લાઇન રાયડાનું વાવેતર કરવાથી હિરાફૂદાનો ઉપદ્રવ ઘટે છે.

૯. પાક ફેરબદલી કરવાથી સૂકારો, મૂળનો સડો, કૃમી, વાકૂંબા વગેરેનું નિયંત્રણ થાય છે.

૧૦. પાક ફેરબદલી કરવાથી તમામ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ઓછો થાય છે.

સંકલિત વ્યવસ્થાપન પધ્ધતી-આઇ. પી. એમ. સાધનો

  • પ્રકાશ પિંજર

૧. પ્રકાશ પિંજર એ ફાનસ કે લાઇટનો બલ્બ રાખીને જાતે જ બનાવી શકાય છે.

૨. ખેતરમાં પ્રકાશ પિંજર લગાવવાથી લીલી ઇયળ, લશ્કરી ઇયળ, કાતરા, સફેદ ધૈણ વગેરેના ફૂદા પ્રકાશથી આકર્ષાયને આવે છે અને પ્રકાશ પિંજરની નીચે રાખવામાં આવેલા પાણીમાં પડી મરી જાય છે.

૩. એક એકરમાં ૨ પ્રકાશ પિંજર રાખવા જોઇએ.

ખેતરમાં રાખવામાં આવેલું પ્રકાશ પિંજર
  • પીળા ચીકણા પટ્ટા

૧. લોખંડના પતરા કે પ્લાસ્ટીકની શીટને પીળો કલર કરવો તથા સૂકાઇ ગયા બાદ તેના પર ગ્રીસ કે એરંડીયુ તેલ લગાવી પીળા ચીકણા પટ્ટા બનાવવામાં આવે છે.

૨. આ પટ્ટાને પાકની ઊંચાઇના આધારે લાકડી પર ચીપકાવીને ખેતરમાં ઊભા કરવામાં આવે છે.

૩. ચૂસીયા પ્રકારની જીવાતો પીળા કલરથી આકર્ષાય પટ્ટા પર બેસે છે અને ચીકાશના કારણે તેના પર ચીપકી જાય છે, આ રીતે ચૂસીયા જીવાતોનું નિયંત્રણ થાય છે.

૪. એક એકરમાં ૬ પટ્ટા રાખવા.

ખેતરમાં રાખવામાં આવેલા પીળા ચીકણા પટ્ટા
  • ફેરોમોન ટ્રેપ

૧. ગળણી આકારના અને પ્લાસ્ટિકની લાંબી બાયવાળા ટ્રેપને ફેરોમોન ટ્રેપ કહે છે, આ ટ્રેપ એગ્રોમાં વેચાતા મળે છે. આ ટ્રેપમાં જીવાતને અનુરૂપ રબ્બરની ટોટી જેવી ‘લ્યૂર’ લગાવવાની હોય છે, આ લ્યૂરમાં ચોક્કસ પ્રકારની ગંધ આવતી હોય છે. આ ગંધ પારખીને જે તે જીવાતના નર ફૂદા આકર્ષાયને લ્યૂર ફરતાં ઉડે છે અને થાકીને પ્લાસ્ટિકની બાયમાં ફસાઇ જાય છે. ત્યાંથી તેનો નાશ કરવામાં આવે છે.

૨. લીલી ઇયળ, લશ્કરી ઇયળ, કાબરી ઇયળ, ગુલાબી ઇયળ, રીંગણની ફળકોરી ખાનાર ઇયળ, હીરાફૂદુ વગેરે માટે આ ટ્રેપ ઉપયોગી છે.

૩. આ ટ્રેપ જીવાતોની વસતિના નિરિક્ષણ તથા નિયંત્રણ બન્નેમાં ઉપયોગી છે.

ખેતરમાં રાખવામાં આવેલી ફેરોમેન ટ્રેપ
  • મિથાઇલ યુઝીનોલ ટ્રેપ

૧. મિથાઇલ યુઝીનોલ ટ્રેપ પ્લાસ્ટિકનું નાનું બોક્સ હોય છે, જેમાં સ્પોન્ઝ રાખવામાં આવે છે, આ સ્પોન્ઝને મિથાઇલ યુઝીનોલ લગાવવામાં આવે છે. મિથાઇલ યુઝીનોલથી ફળમાખીના નર આકર્ષાયને આવી સ્પોન્ઝ પર બેસે છે.

૨. આ ટ્રેપ એગ્રોમાં વેચાતી મળે છે.

૩. એક એકરમાં ૩ ટ્રેપ ઝાડની ડાળી પર લટકાવવી.

૪. આ ટ્રેપ ચીકુ, આંબા, જમરૂખ વગેરે પાકોમાં ફળમાખીના નિયંત્રણ માટે વાપરી શકાય.

ખેતરમાં રાખવામાં આવેલી મિથાઇલ યુઝીનોલ ટ્રેપ

સંકલિત વ્યવસ્થાપન પધ્ધતી-અન્ય ઉપાયો

  • સેન્દ્રીય ખાતર, ખોળ અને લીલો પડવાશ

૧. માટીમાં ભરપૂર સેન્દ્રીય ખાતર, લીમડાનો ખોળ, એરંડાનો ખોળ કે કરંજનો ખોળ નાખવાથી કૃમીજન્ય રોગોમાં ઘટાડો થાય છે.

૨. લીલો પડવાશ કરવાથી ટ્રાઇકોડર્મા, બેસીલસ અને સ્યુડોમોનાસ જેવા સૂક્ષ્મજીવોની વસતિ વધવાથી જમીનજન્ય રોગોમાં ઘટાડો કરી શકાય છે.

લીમડાનો ખોળ
  • પરભક્ષી, પરજીવી કિટકો છોડવા

૧. લીલી ઇયળ, ગુલાબી ઇયળ તથા ગાભમારાની ઇયળના નુકશાનથી બચવા એકરે ૬૦ હજાર ટ્રાયકોગ્રામા ભમરી અઠવાડિયાના ગાળે પાંચ વખત છોડવી અને ડિસેમ્બરના પહેલા અને બીજા સપ્તાહમાં ૪ હજાર પ્રમાણે લીલી પોપટીની ઇયળો છોડવી.

ટ્રાયકોગ્રામા ભમરી
લીલી પોપટી

૨. એપીરીકેનીયા મેલાનોલ્યૂકા નામના પરજીવીના ઇંડા ૨ લાખ પ્રતિ હેકટર મે-જૂનમાં શેરડીમાં રાખવાથી પાયરીલાનું નિયંત્રણ કરી શકાય.

એપીરીકેનીયા મેલાનોલ્યૂકા નામના પરજીવીના ઇંડા

યુ ટ્યુબ ઉપર જૂઓ

ડાઉનલોડ પીડીએફ

સંબંધિત વિડિયો