જ્ઞાન સંપૂટ – ૧૩: અટકાવણી પદ્ધતિઓ

રોગ-જીવાત નિયંત્રણ માટે કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવોનો ઉપયોગ

રોગ-જીવાતના અસરકારક નિયંત્રણના ભાગ રૂપે તેની યોગ્ય ઓળખ અને તેને આવતા અટકાવવાની પધ્ધતીઓનો અમલ ખૂબ જરૂરી છે. આમ કરવાથી પાકમાં રોગ-જીવાતનુ પ્રમાણ ખૂબ જ ઓછું થઇ જાય છે. છતાં પણ અલગ-અલગ વિસ્તારોમાં, અલગ-અલગ સિઝનમાં, અલગ-અલગ પાકોમાં રોગ-જીવાત આવે છે. જેનુ નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે, અન્યથા પાક ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે કે પાક નિષ્ફળ જાય છે.

જ્યારે પણ રોગ-જીવાત નિયંત્રણની વાત આવે છે ત્યારે સહજ રીતે મનમાં પાકમાં રાસાયણિક જંતુનાશક છાંટતા ખેડૂતનું ચિત્ર ઉપસે છે. રોગ-જીવાત નિયંત્રણ માટે કૃત્રિમ રાસાયણોનો વિકલ્પ તો સૌથી અંતિમ ઉપાય તરીકે અપનાવવો જોઇએ. પરંતુ, યોગ્ય સમજના અભાવે કે ઉપાય અપનવવાની કઠિનતા જેવા કારણોથી ખેડૂત કૃત્રિમ રસાયણોનો ઉપયોગ સૌ પ્રથમ જ અપનાવી લે છે. જેને કારણે મિત્ર જીવોને પારાવાર નુકશાની પહોચે છે. સમય રહેતાં રોગકારકો અને જીવાતોએ ખેતીમાં વપરાતાં કૃત્રિમ રસાયણો સામે પ્રતિકાર પણ કેળવી લીધો છે, આથી હાલમાં રોગ-જીવાતોનું નિયંત્રણ વધુ જટીલ બન્યું છે.

અલગ-અલગ ઋતુમાં પાકમાં આવતાં રોગ-જીવાત

અહીં એવી કેટલીક પધ્ધતિઓની છણાવટ કરી છે કે, જેમાં કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવોના ઉપયોગથી રોગ-જીવાત નિયંત્રણ થઇ શકે છે. આ પધ્ધતિઓ પર્યાવરણની દ્રષ્ટીએ સુરક્ષિત છે તથા આ પધ્ધતિઓનો ઉપયોગ કરતી વખતે અને તે પધ્ધતિ દ્વારા ઉત્પાદિત કૃષિ પેદાશનો ઉપયોગ માનવ સ્વાસ્થ માટે પણ વધુ સુરક્ષિત છે.

કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવોના ઉપયોગની અસરકારકતાને પ્રભાવિત કરતા મુદ્દા

કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવોના ઉપયોગની અસરકારકતા અંગે હમેંશા સવાલો ઉઠતા રહ્યા છે. આથી આવી પધ્ધતિઓ કયારે વધુ અસરકારક છે તે અંગે સમજ કેળવવી તથા તેમાં અનુભવ આધારિત સુધારો કરવો પણ અગત્યનો બની જાય છે. આ અંગે ખ્યાલ રાખવાના કેટલાક મુદ્દા આ પ્રમાણે છે:

૧. પાકને રોગ મુક્ત રાખવામાં માટીની તંદુરસ્તીની અગત્યની ભૂમિકા છે અને પાકને જીવાત મુક્ત રાખવાની જવાબદારી મિત્ર કીટકોની છે. જો માટી જ રોગકારકોથી ગ્રસ્ત હશે કે મિત્ર કીટકોની ઉણપ હશે તો કુદરતી તત્ત્વો અને જીવોના ઉપયોગથી અસરકારક નિયંત્રણ મળવામાં સમય લાગશે. આથી સૌ પ્રથમ માટીની તંદુરસ્તી વધારવી અને મિત્ર કિટકોની વસતિ વધારવાની કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે.

૨. પાક જયારે ખેતરમાં નથી ત્યારે રોગકારકો અને જીવાતો વિવિધ સ્વરૂપે ખેતરની માટીમાં, શેઢાપાળાની માટીમાં કે શેઢાપાળાની વનસ્પતિમાં આશરો લે છે. કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવોનો યોગ્ય ઉપયોગ તે સમયે તે સ્થાને કરવામાં આવે તો પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ આપોઆપ ઓછો થઇ જાય છે.

રોગ-જીવાતના નિયંત્રણ માટે મિત્ર કીટકો

૩. વિવિધ પાકમાં રોગ-જીવાત મોટેભાગે કોઇ નિયત સમયે કે તબક્કે પ્રગટ થતી હોય છે. રોગ-જીવાત પ્રગટ થાય તે પહેલાં કે તેના શરૂઆતના તબક્કે જો કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ અસરકારક રહે છે. રોગ-જીવાતનો પાક પર ઉપદ્રવ વધી જાય ત્યારે આ પધ્ધતિ જોઇએ તેટલી અસરકારક રહેતી નથી. મુશ્કેલી એ છે કે રોગ-જીવાત ઉગ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે ખેડૂત નિયંત્રણના પગલા લે છે. આવા તબક્કે કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવો તો ઠીક, કૃત્રિમ રસાયણો પણ નિયંત્રણ કરવામાં નિષ્ફળ જાય છે.

૪. જયારે સૂક્ષ્મજીવોનો રોગ-જીવાત નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે વખતના વાતાવરણની તે સૂક્ષ્મજીવો પર અસર થાય છે. ઊંચુ તાપમાન, સૂકી હવા, સુર્યના કિરણોની ઉગ્રતા વગેરે નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતા સૂક્ષ્મજીવો માટે અનુકૂળ આવતા નથી અને તે સૂક્ષ્મજીવો પોતાની વસતિ વધારી શકતા નથી. આથી આવા સમયે સૂક્ષ્મજીવો અસરકારક નિયંત્રણ આપવામાં નિષ્ફળ જાય છે.

આમ કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવોના ઉપયોગ દ્વારા અસરકારક નિયંત્રણ મેળવવાના ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાને રાખવા જરૂરી બની જાય છે.

કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવો દ્વારા રોગ-જીવાતોનું નિયંત્રણ

આપણી આસપાસ મળી આવતા કયા કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવો આપણે રોગ-જીવાત નિયંત્રણ માટે ઉપયોગ કરી શકીએ તેની ચર્ચા અહીં કરેલી છે. અહીં ચર્ચા કરેલી પધ્ધતિનો મોટા વિસ્તારમાં અમલ કરતાં પહેલાં નાના પાયે પ્રયોગ કરી તે પધ્ધતિથી પાક સુરક્ષિત છે કે નહીં તે ચકાસી લેવું અને સુરક્ષિત જણાય તો જ મોટા પાયે ઉપયોગ કરવો.

ગૌમૂત્ર

ગૌમૂત્રનો છંટકાવ રોગ-જીવાતના નિયંત્રણ માટે લાભકારી છે. ૧ ભાગ ગૌમૂત્રને ૯ ભાગ પાણીમાં ભેળવવું અને તેનો સાંજે છંટકાવ કરવો. મોટા પાયે વપરાશ કરતા પહેલાં તેની પાક પર આડ અસર ચકાસી લેવી.

ગૌમૂત્ર

રાખ

રાખ એ દરેક જગ્યાએ સરળતાથી મળી રહેતું કુદરતી તત્ત્વ છે. રાખમાં કેલ્શીયમ અને પોટેશીયમ જેવા પોષક તત્ત્વો તો હોય જ છે, સાથે-સાથે રાખનો કરકરો સ્વભાવ પોચી ચામડીવાળા ચુસીયા પ્રકારના જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી થાય છે. રાખ જ્યારે પોચી ચામડીવાળા જીવાતના શરીર પર પડે છે ત્યારે તે તેમાં ઘસરકા પાડે છે. જેને કારણે જીવાતના શરીરમાંથી પાણી ઓછું થતા તેનું મરણ થાય છે.

રાખ

રાખનો ઉપયોગ પાક ઉપર તથા થડ આસપાસની માટી પર છંટકાવ કરીને કરી શકાય છે. નાનું વાવેતર હોય તો રાખ હાથ વડે છાંટી શકાય, થોડું મોટું વાવેતર હોય તો રાખ કંતાનની પોટલી વડે છાંટી શકાય. મોટા વિસ્તારમાં રાખનો છંટકાવ કરવા માટે પાવર ડસ્ટર કે ડ્રાય મીસ્ટ બ્લોઅરનો ઉપયોગ કરી શકાય. રાખ છંટકાવ કરતી વખતે જો સાધનનો ઉપયોગ કરવાનો થતો હોય તો રાખને સારી રીતે ચાળી લીધા બાદ છંટકાવના ઉપયોગમાં લેવી.

રાખનો છોડ ઉપર છંટકાવ

જયારે આપણે રાખની વાત કરીએ છીએ ત્યારે મુખ્યત્વે લાકડાની રાખની વાત કરીએ છીએ. પ્લાસ્ટીકનો કચરો, પુંઠા, કાગળ કે કલર કરેલા લાકડાની રાખનો ઉપયોગ ખેતીમાં કરવો નહીં. કારણ કે તેમાં ઝેરના અવશેષો હોવાની શક્યતા છે, જે પાકને નુકશાન કરી શકે છે. રાખ સૂકી હોય ત્યારે જ જીવાત નિયંત્રણ તરીકે કાર્ય કરે છે, પરંતુ જો રાખ ભીની થઇ જાય તો તે જીવાત નિયંત્રણ તરીકે કાર્ય કરી શકતી નથી. રાખ સ્વભાવે ભાષ્મિક અને ખારાશવાળી હોય છે. આથી રાખનો એસિડ પ્રિય પાક પર છંટકાવ કરવો નહી તથા પાકના ઉગાવાના તબક્કે પણ છંટકાવ કરવો નહીં. રાખનો નાઇટ્રોજનવાળા કોઇપણ ખાતર સાથે મિશ્ર કરીને પણ છંટકાવ કરવો નહીં કારણ કે આમ કરવાથી નાઇટ્રોજનનો ખૂબ મોટા પાયે વ્યય થશે. માટી જો ભાષ્મિક હોય તો રાખનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કરવો.

લાકડાની રાખ

દહીં

દહીંના ઉપયોગથી રોગ નિયંત્રણ કરવામાં મદદ મળે છે. તે માટે ૧ કીલો દહીં લેવું અને તેને ૩ થી ૫ દિવસ સુધી રહેવા દેવું. આથી તેમાંથી આલ્કોહોલની સુગંધ આવશે. આ ૧ કીલો દહીંને હવે ૩૦ લીટર પાણીમાં નાખી ૧૫ મિનીટ સુધી મિશ્ર કરતા રહેવું. આ રીતે તૈયાર થયેલા દ્રાવણનો સાંજે છંટકાવ કરવો. વધુ સારું પરિણામ મેળવવા દહીં રાખવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો.

દહીં

લીમડો

લીમડાથી આપણે સૌ પરિચિત છીએ. લીમડાના લીલા પાન, સૂકા પાનનો ભૂક્કો, લીંબોડી, લીંબોડીનું તેલ, અને લીંબોડીનો ખોળ બધું જ વિવિધ પ્રકારની જીવાતના નિયંત્રણ માટે ઉપયોગી છે. લીમડાની જીવાત નિયંત્રક તરીકે વાત આવે ત્યારે લીમડામાં રહેલા આઝાડીરેકટીન તત્ત્વની વિશેષ ચર્ચા જોવા મળે છે. લીમડામાં આઝાડીરેકટીન સિવાય પણ ઘણા બધા કુદરતી રસાયણિક સંયોજનો છે જે ભેગા થઇ સમગ્ર રૂપે જીવાત નિયંત્રણનું કાર્ય કરે છે.

જીવાત નિયત્રંણ માટે ઉપયોગી લીમડો

લીમડાના સૂકા પાનનો ભૂક્કો

લીમડાના સૂકા પાનનો ખૂબ જ ઝીણો ભૂક્કો કરીને રાખની જેમ જ તેનો ઉપયોગ કરી શકાય છે. ઘણી વખત લીમડાના સૂકા પાનનો ભૂક્કો અને રાખનું મિશ્રણ કરીને જીવાત નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે.

લીમડાના સૂકા પાનનો ભૂક્કો

લીમડાના લીલા પાનનો નિચોડ

એક એકર માટેનું દ્રાવણ બનાવવા માટે ૧૦ થી ૧૨ કિલો લીમડાના તાજા લીલા પાનની ચટ્ટણી બનાવવી. આ ચટ્ટણીમાં ૨૦ થી ૨૫ લિટર પાણી ઉમેરી તેને મિશ્ર કરી ૩ દિવસ સુધી રહેવા દેવુ. ત્યારબાદ તેને ગાળી કે નીચોવી લેવું. આ રીતે મળેલા નિચોડમાં ૯ ગણું પાણી ઉમેરવું અને તેનો છંટકાવ કરવો. સારો છંટકાવ મેળવવા તેમાં સાબુનું પ્રવાહી કે અરીઠાની છાલનું પ્રવાહી ઉમેરી શકાય. આ રીતે ચુસીયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરી શકાય છે.

લીમડાના તાજા લીલા પાનનો નિચોડ

લીંબોડીના મીંજનો નિચોડ

અંગ્રેજીમાં તેને નીમ સીડ કર્નેલ એક્સટ્રેકટ (NSKE) કહે છે અને તેનુ ૫% નું દ્રાવણ છાંટવાની ભલામણ કરવામાં આવે છે. લીંબોડીના મીંજમાંથી ૫% કસ/અર્ક/નીચોડ બનાવી જંતુનાશક દ્રાવણ તૈયાર કરવાની રીત આ પ્રમાણે છે:

ઉનાળામાં લીમડાના વૃક્ષ ઉપર લીંબોડી પાકીને પીળી પડે ત્યારે ઝાડની ડાળીઓ હલાવીને લીંબોડીઓ એકઠી કરવી અથવા તો વક્ષ નીચે ખરી પડેલી પાકી લીંબોડીઓ ભેગી કરવી.

લીમડાની પાકી લીંબોડી

પાકી લીંબોડીઓને પાણીમાં પલાળી છાલ અને માવો દૂર કરવો. ત્યારબાદ લીંબોડીના ઠળિયાઓને છાયણાંમાં સૂકવવા. સૂકાઇ ગયેલા ઠળિયાઓનો સંગ્રહ શણના કોથળા કે લાકડાના ખોખામાં કરવો. પ્લાસ્ટિકની કોથળી કે પીપડામાં સંગ્રહ કરવાથી ફૂગ લાગતા ઠળિયાઓ સડીને બગડી જાય છે. જરૂર પડે ત્યારે ઠળિયાઓ તોડી તેના મીંજનો ઉપયોગ કરવો.

લીંબોડીના ઠળીયા અને મીંજ

એક કીલો લીંબોડીના ઠળિયામાંથી આશરે ૨૫૦ ગ્રામ જેટલા મીંજ નીકળે છે. સામાન્ય રીતે ૫% લીંબોડીના મીંજના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. આથી ૧૦૦ લિટરનું પ્રવાહી મિશ્રણ બનાવવું હોય તો ૫ કિલો મીંજની જરૂર પડે. લીંબોડીના મીંજનુ દ્રાવણ બનાવવા માટે એક-એક કિલોના પાંચ ભાગ પાડી તેને મલ-મલના કાપડમાં ઢીલી પોટલી બાંધી તેને ૧૦૦ લિટર પાણીમાં ૨ થી ૩ કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ મીંજવાળી પોટલીને હાથથી બરાબર નીચોવવી. આમ કરવાથી મીંજમાં રહેલા કીટનાશી તત્ત્વો ઓગળી પાણીમાં આવી જશે. જો મીંજ બરાબર સૂકાયેલા ન હોય તો દ્રાવણ દૂધ જેવા સફેદ રંગનુ બનશે. સૂકા મીંજમાંથી બનેલું દ્રાવણ ભૂખરા રંગનુ બનશે. આ રીતે તૈયાર કરેલા દ્રાવણને જાડા કપડાથી ગાળીને નુકશાન કરતી જીવાતનાં નિયંત્રણ માટે સીધુ જ ઉપયોગમાં લેવુ.

લીંબોડીના મીંજમાં રહેલા તૈલી પ્રદાર્થને સારી રીતે મિશ્ર કરવા માટે મોટી પિચકારીને દ્રાવણમાં બોળી દ્રાવણને શોષીને તે જ વાસણમાં પિચકારી ખાલી કરવી. આવી રીતે થોડીવાર કરવાથી તૈયાર થયેલું દ્રાવણ વધુ સારી રીતે મિશ્ર કરી શકાશે. મીંજમાંથી દ્રાવણ તૈયાર કરતી વખતે અને દ્રાવણ તૈયાર થયા બાદ તેને ઉકાળવું નહીં. ઉકાળવાથી દ્રાવણમાં રહેલા કીટનાશી તત્ત્વોનો ઘટાડો કે નાશ થાય છે. હમેંશા તાજા બનાવેલા દ્રાવણનો જ ઉપયોગ કરવો. દ્રાવણને પડી રહેવા દેવાથી તેમાં વિઘટનની પ્રક્રિયા થાય છે અને ખાસ પ્રકારની વાસ આવે છે. જેનાથી દ્રાવણના કીટનાશી ગુણમાં ઘટાડો થાય છે. લીંબોડીના મીંજનુ દ્રાવણ પાકના દરેક ભાગ, ખાસ કરીને વૃધ્ધિ પામતા કુણા ભાગ, ઉપર બરાબર છાંટવું.

મીંજની કડવાશના કારણે ઇયળો તેમજ પુખ્ત ઢાલીયા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી અંતે મરણ પામે છે. ફુદા ઇંડા મુકવાનું પસંદ કરતા નથી. કીટકની વૃધ્ધિ અવરોધાય છે. ઇયળો માંદલી, નબળી તેમજ કોશેટાઓ વિકૃત બને છે. ફુદા વિકૃત અને નબળા બનતા તેની પ્રજનનશકિત ઘટે છે. આ દ્રાવણ ચૂસીયા પ્રકારની જીવાતો જેવી કે મોલો-મશી, તડતડિયા, સફેદ માખી, થ્રીપ્સ, પાન કથીરી વગેરે તથા પાન ખાનારી ઇયળોના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાય.

લીંબોડીનું તેલ

જીવાતોના નિયંત્રણમાં લીંબોડીનું તેલ અસરકારક ભૂમિકા ભજવે છે અને તેનું ૩% નું દ્રાવણ છાંટવાની ભલામણ કરવામાં આવે છે. લીંબોડીના તેલનો પાક પર છંટકાવ કરતાં પહેલાં તેને પાણીમય કરવું જરૂરી છે. અરીઠાની છાલના પાવડર વડે લીંબોડીના તેલને સરળતાથી પાણીમય કરી શકાય છે. લીંબોડીના તેલનું ૩% પાણીમય દ્રાવણ બનાવવાની રીત આ પ્રમાણે છે:

પાંચ લિટરનું ખાલી વસાણ લેવું. તેમાં ૩ લિટર સાદું પાણી લેવું. તેમાં ૪૫૦ ગ્રામ અરીઠાની છાલનો પાવડર નાખવો. તેને ગરમ કરવું અને આખી રાત રહેવા દેવું. બીજા દિવસે સવારે તેને ગાળી લેવું. આમ અરીઠાવાળું પાણી તૈયાર થશે.

લીંબોડીનું તેલ

હવે ૧૦ લિટરની ક્ષમતાવાળું ખાલી વસાણ લેવું. તેમાં ૨ લિટર અરીઠાવાળું પાણી લેવું અને તેમાં ૩ લિટર લીંબોડીનું તેલ નાખવું. હવે અરીઠાવાળા પાણી અને લીંબોડીનું તેલ રસોડામાં વપરાતી હેન્ડી મિક્સચર વડે ૩ મિનિટ સુધી બરાબર મિશ્ર કરવું. આમ કરવાથી લીંબોડીનું તેલ ફૂટી જશે અને જેનો જથ્થો હવે ૫ લીટર થશે. આ ૫ લીટર જથ્થાને ૯૫ લીટર સાદા પાણીમાં સારી રીતે ભેળવવું અને છંટકાવ માટે ઉપયોગમાં લેવું. છંટકાવ કરતી વખતે પણ મિશ્રણને સતત હલાવતા રહેવું અન્યથા તેલ તરવા લાગશે.

અનુભવે જાણવા મળ્યું છે કે લીંબોડીના તેલનું ૩% પાણીમય દ્રાવણ કેટલાક પાકના પાન બાળી નાખે છે. આથી મોટા પાયે પાક પર ઉપયોગ કરતા પહેલાં પાકના નાનકડા વિસ્તાર પર છંટકાવ કરી તેની આડ અસર સબંધિત સુરક્ષા તપાસી લેવી. જો પાક ઉપર આડ અસર જણાય તો તેમાં પાણીની માત્રા વધારવી. આમ કરતાં એ તકેદારી રાખવી કે દ્રાવણ જીવાત નિયંત્રણની ક્ષમતા ગુમાવી ન બેસે.

લીંબોડીનો ખોળ

લીંબોડીમાંથી તેલ કાઢી લીધા બાદ જે બચે છે તેને લીંબોડીનો ખોળ કહે છે. લીંબોડીના ખોળમાં પોષક તત્ત્વો  સાથે-સાથે રોગ-જીવાત નિયંત્રણ કરવાનો ગુણ પણ છે. લીંબોડીનો ખોળ માટીમાં ભેળવવાથી માટીજન્ય રોગકારક ફૂગ, બેકટેરીયા તથા માટીમાં આશરો લેનારા જીવાત ઉપર પણ નિયંત્રણ મેળવી શકાય છે.

આ સિવાય બજારમાં લીંબડા એટલે કે નીમ આધારિત વિવિધ ઉત્પાદનો મળે છે. જેની ચકાસણી કર્યા બાદ ઉપયોગ કરી શકાય.

લીંબોડીનો ખોળ

દશપર્ણી- સપ્તર્ણી-પંચપર્ણી નિચોડ

દશપર્ણી નિચોડ બનાવવાની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા નથી. આપણી આસપાસ મળી આવતી વનસ્પતિ કે જે કોઇ ચોક્કસ રોગ-જીવાત નિયંત્રણનો ગુણ ધરાવે છે કે કોઇ વનસ્પતિ કે જેમાં ઝેર વિશેષ માત્રામાં હોવાથી પશુઓ તેને ખાતા નથી તથા લાભકારી ગુણો ધરાવતા ડુંગળી, લસણ, લીલા તીખાં મરચા, આદુ, હળદર અને તમાકુને ગૌમૂત્ર તથા છાણ સાથે આથવણ કરી લાભકારી ગુણોને પાણીમય કરી શકાય છે. તેનો પાક ઉપર છંટકાવ કરવાથી રોગ-જીવાત નિયંત્રણ કરી શકાય છે.

આ માટે ૨૦ લિટરની ડોલમાં ઉપર જણાવેલી વનસ્પતિનો ઝીણો કરેલો મસાલો કે ચટ્ટણી ૩ કિલો, ગાયનું છાણ ૧ કિલો, ગૌમૂત્ર ૧ લિટર અને બાકીનું પાણી લેવું. તેમાં ૩૦ દિવસ સુધી આથવણની પ્રક્રિયા થવા દેવી. આથવણની પ્રક્રિયા સારી રીતે થાય તે માટે તેને દરરોજ હલાવતા રહેવું. ૩૦-૪૦ દિવસ બાદ તેને નીચોવીને સારી રીતે ગાળી લેવું. આ રીતે તૈયાર થયેલા ૫ થી ૧૦ લિટર નિચોડને ૯૦ થી ૯૫ લિટર પાણીમાં મીશ્ર કરીને છંટકાવ કરવો. મોટા પાયે વપરાશ કરતા પહેલાં તેની પાક પર આડ અસર ચકાસી લેવી. સારો છંટકાવ મેળવવા તેમાં સાબુનું પ્રવાહી કે અરીઠાની છાલનું પ્રવાહી ઉમેરી શકાય.

બોર્ડો મિશ્રણ

બોર્ડો મિશ્રણ એટલે મોરથુથુ અને ચુનાનું ચોક્કસ પ્રકારે બનાવેલું દ્રાવણ. બોર્ડો મિશ્રણનો છંટકાવ ફૂગજન્ય રોગના નિયંત્રણમાં લાભકારી છે. સામાન્ય રીતે ૧% સાંદ્રતાવાળું બોર્ડો મિશ્રણ છાંટવાની ભલામણ કરવામાં આવે છે.

૧% સાંદ્રતાવાળું બોર્ડો મિશ્રણ બનાવવા માટે ૧૦૦ લિટરની ક્ષમતાવાળું પ્લાસ્ટિકનું ડ્રમ લેવું. તેમાં ૫૦ લિટર પાણી ભરવું અને ૧ કિલો ચુનો કે ચુનાનો પાવડર ઓગાળવો. હવે બીજું ૫૦ લિટરની ક્ષમતાવાળું પ્લાસ્ટિકનું ડ્રમ લેવું. તેમાં ૫૦ લિટર પાણી ભરવું અને ૧ કિલો મોરથુથુ કે મોરથુથુનો પાવડર ઓગાળવો. ચુનો અને મોરથુથુ સારી રીતે ઓગળી ગયા બાદ મોરથુથુવાળા ડ્રમનું ૫૦ લિટર પાણી ધીરે-ધીરે ચુનાના પાણીવાળા ડ્રમમાં ઉમેરવું અને તે દરમિયાન તે દ્રાવણને બરાબર હલાવતા રહેવું. આ રીતે તૈયાર થયેલા દ્રાવણને પાક પર છંટકાવ કરતાં પહેલાં તે દ્રાવણમાં તાંબા(કોપર)ના મુક્ત કણો છે કે કેમ તે ચકાસવું.

બોર્ડો મિશ્રણ

જો દ્રાવણમાં વધુ માત્રામાં તાંબાના મુકત કણો હશે તો તે પાક માટે હાનીકારક છે. આ માટે લોખંડનું ચોખ્ખુ ચપ્પુ કે દાતરડું કે દાઢી કરવાની બ્લેડને થોડી મિનિટો માટે દ્રાવણમાં ડુબાડી રાખવી. બહાર કાઢ્યા બાદ જો તેની ઉપર રાતા-કથ્થાઇ રંગના કાટ જેવા ધાબા જોવા મળે તો તેમાં ચુનો ઉમેરવો અને ફરીથી આવી ચકાસણી કરવી.

બોર્ડો મિશ્રણ તૈયાર થઇ ગયા બાદ તેનો તરત જ પાક પર છંટકાવ કરવો. બોર્ડો મિશ્રણનો સંગ્રહ કરવો નહીં કે સંગ્રહ થયેલા બોર્ડો મિશ્રણનો વપરાશ કરવો નહીં. બોર્ડો મિશ્રણ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવો નહીં. બોર્ડો મિશ્રણ સાથે અન્ય કોઇપણ રસાયણ મિશ્ર કરવું નહીં. સ્પ્રે પંપની નોઝલ અટકે નહીં તે માટે તૈયાર થયેલા બોર્ડ મિશ્રણને પાતળા કપડાથી ગાળી લેવું. બોર્ડો મિશ્રણનો છંટકાવ કરતી વખતે તેને સતત હલાવતા રહેવું. ગરમ દિવસોમાં બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો નહીં. મોટાપાયે વપરાશ કરતા પહેલાં તેની આડ અસર ચકાસી લેવી.

જૈવિક રોગનાશકો અને જીવાતનાશકો

‘જીવો જીવસ્ય ભોજનમ્’ નામની ઉક્તિ પ્રમાણે કુદરતી રીતે નિયંત્રણમાં રહેતી રોગકારકોની સંખ્યાને નજર સમક્ષ રાખી આવી પ્રક્રિયા વ્યવસ્થિત સુચારૂં સ્વરૂપમાં ઉપયોગ કરીને વધારે પ્રમાણમાં તેનો ફાયદો લઇ રોગકારકોને બીજા સૂક્ષ્મજીવો દ્વારા નિયંત્રણમાં લેવામાં આવે તેને જૈવિક નિયંત્રણ કહેવાય. જૈવિક નિયંત્રણ ઓછું ખર્ચાળ છે, એક કરતા વધારે રોગ સામે અસરકારક છે, માટીની ફળદ્રુપતા વધારે છે, માટી બગડતી અટકે છે, પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે, રોગનું નિયંત્રણ લાંબા સમય સુધી કરી શકાય છે.

માટીમાં અનેક પ્રકારનાં ફાયદાકારક અને નુકશાનકારક સૂક્ષ્મજીવો જેવા કે ફૂગ, જીવાણુ, વિષાણુ અને પ્રકિર્ણ રહેલા હોય છે. તેમાં નુકશાનકારક(રોગકારક) પરોપજીવીઓનું અન્ય સૂક્ષ્મજીવો(જૈવિક ઘટકો) દ્વારા નિયંત્રણ જુદી-જુદી પ્રક્રિયા દ્વારા થાય છે. માટીમાં સ્થાનિક વાતાવરણમાં રહેલા ઉપયોગી જૈવિક નિયંત્રકોની સંખ્યા અને અસરકારકતા જળવાઇ રહે તે માટે માટીમાં સેન્દ્રીય ખાતર તથા ખોળ નાખવો અને લીલો પડવાશ કરવો પડે. સ્થાનિક જૈવિક નિયંત્રકોની અસરકારકતા ઓછી થાય તો રોગકારકોની અસર પાકમાં જોવા મળે છે ત્યારે લક્ષ્ય રોગકારક સામે અસરકારક જૈવિક નિયંત્રકો બહારથી દાખલ કરવામાં આવે છે.

હાલમાં વિવિધ જૈવિક નિયંત્રકોનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન શરૂ થયેલું છે. તેમાં અન્ય જૈવિક નિયંત્રકોની સરખામણીમાં ફૂગના જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગ વિશે ઘણું સંશોધન થયેલું છે. ઉદાહરણ તરીકે, ટ્રાયકોડર્મા, ગલીઓકેડીયમ વગેરે જે પાકમાં રોગ પેદા કરતી માટીજન્ય ફૂગ સ્કેલેરોશીયમ રોલ્ફસી, રાઇઝોકટોનીયા, ફ્યુઝેરીયમ, ફાઇટોપ્થોરા અને પીથીયમ સામે અસરકારક છે. જયારે જીવાણુંઓમાં બેસીલસ, સ્યુડોમોનાસ અને એકટીનોમાઇસીસની વિવિધ જાતો પાન અને મુળના રોગ સામે અસરકારક છે.

જૈવિક નિયંત્રકોને સેન્દ્રીય ખાતર સાથે ભેળવીને માટીમાં ઉમેરી, બીજ, ગાંઠ કે ધરુ માવજત કરીને, ટુવા આપીને (ડ્રેંન્ચીંગથી), પિયત સાથે અને છંટકાવ કરીને રોગ-જીવાત નિયંત્રણના કામે લગાડી શકાય છે. જૈવિક નિયંત્રકો જ્યારે માટીમાં નાંખવામાં આવે છે ત્યારે માટીનો પ્રકાર, માટીનું તાપમાન, સૂકી કે ભીની માટી, છોડ મુળ તથા માટીમાં રહેલા સ્થાનિક સૂક્ષ્મજીવો અને છોડમાંથી ઉત્પન્ન થતા રાસાયણો જૈવિક નિયંત્રકોની અસરકારકતાને અસર કરે છે. ઋતુ અને ખેતી કાર્યો પ્રમાણે છોડ અને માટીના સૂક્ષ્મ વાતાવરણમાં પણ ફેરફાર થાય છે, જે જૈવિક નિયંત્રકોની કામ કરવાની ક્ષમતાને અસર કરે છે. પાનની સપાટી પર લભ્ય પોષક તત્ત્વો નો છંટકાવ કરીને અને માટીમાં સેન્દ્રીય પદાર્થો ઉમેરીને સૂક્ષ્મજીવોની સક્રિયતામાં વધારો કરી શકાય. જરૂરી માપ કરતાં વધુ રાસાયણિક ખાતરનો તેમજ ફૂગનાશકોનો વારંવાર ઉપયોગ જૈવિક નિયંત્રકોની પ્રક્રિયાને માઠી અસર કરે છે. જૈવિક નિયંત્રકો લાંબા સમય જીવિત અને અસરકારક રહે તે માટે યોગ્ય ખેતીકાર્યો, પાકની પસંદગી, લીલો પડવાશ, સેન્દ્રીય ખાતર તથા ખોળના ઉપયોગનું આયોજન કરવાથી પાકોમાં આવતા રોગોની માત્રા ઘટાડી શકાય તથા માટીની ફળદ્રુપતા જાળવી શકાય છે.

બજારમાં મળતા વિવિધ જૈવિક નિયંત્રકોની સંક્ષિપ્ત વિગત આ પ્રમાણે છે.

જૈવિક ફૂગ નિયંત્રણ

જૈવિક ફૂગ નિયંત્રણ
પાકમાં જોવા મળતા વિવિધ રોગ

જૈવિક કીટ નિયંત્રણ

જૈવિક કીટ નિયંત્રણ
પોચી ચામડીવાળા ચુસીયા કીટકો
કડક ચામડીવાળા ચાવીને ખાતા કીટકો

જૈવિક ઇયળ નિયંત્રણ

પતંગીયા અને ફુદા, ઇંડા-ઈયળ-કોશેટો-પુખ્ત એમ ચાર તબ્બકાનું જીવન ધરાવે છે. ઇયળ અવસ્થામાં તે સૌથી વધુ ભોજન આરોગી પાકને નુકશાન પહોંચાડે છે.

જૈવિક ઇયળ નિયંત્રણ
ફૂદા, ઇયળ અને અન્ય હાનિકારક જીવાતો

જૈવિક નીમેટોડ નિયંત્રણ

પાકના મુળમાંથી રસ ચુસે છે અને ત્યાં ગાંઠો થાય છે.

જૈવિક નીમેટોડ નિયંત્રણ
નીમેટોડ અને તેને કારણે મૂળમાં થતી ગાંઠો

જૈવિક માઇટ નિયંત્રણ

માઈટ એ કીટક જેવું રસ ચુસનારું આઠ પગવાળું કરોડીયા વર્ગનું જીવ પાન કથીરી તરીકે ઓળખાય છે.

જૈવિક માઇટ નિયંત્રણ
વિવિધ પ્રકારની માઇટ

યુ ટ્યુબ ઉપર જૂઓ

ડાઉનલોડ પીડીએફ

સંબંધિત વિડિયો