પાક પોષક તત્વો, તેની ઉણપના લક્ષણો અને લો ઓફ મીનીમમ
કોઇપણ પાકના છોડને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે ૧૬ પોષક તત્વોની જરૂર પડે છે. આ ૧૬ પોષક તત્વોમાંથી કોઇપણ એક પોષક તત્વ અપૂરતું હોય તો છોડનો વિકાસ અને ઉત્પાદન ભયંકર રીતે જોખમાય છે. આ ઉપરાંત, જો આમાનું કોઇપણ એક પોષક તત્વ બીલકુલ ન હોય તો છોડનું જીવનચક્ર પૂર્ણ થતું નથી.
વનસ્પતિનો છોડ, કુલ ૧૬ માંથી ૧૨ પોષક તત્વો સીધા જ માટીમાંથી મેળવે છે અને હવામાં રહેલો નાઇટ્રોજન પણ માટી દ્વારા જ મેળવે છે. આ સિવાય વનસ્પતિનો છોડ, હવામાં રહેલો કાર્બન અને ઓક્સીજન પણ સીધો જ મેળવી લે છે જયારે હાઇડ્રોજન, પાણી કે ભેજ દ્વારા મેળવે છે. વનસ્પતિનો છોડ પોતાની કુલ પોષક તત્વોની જરૂરિયાતના ૯૬% જરૂરિયાત હવા અને પાણી કે ભેજ દ્વારા મેળવે છે. જયારે ૪% જરૂરિયાત માટીમાંથી મેળવે છે. આ ૪% આમ તો નાનો આંકડો લાગે છે પરંતુ, છોડના વિકાસમાં અને ઉત્પાદનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.
જે તત્વ છોડ માટીમાંથી મેળવે છે તેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય પોષક તત્વો ગણાય છે અને તે છોડને વિકાસ માટે વધુ જથ્થામાં જોઇએ છે. જયારે કેલ્શીયમ, મેગ્નેશીયમ અને સલ્ફર એ ગૌણ પોષક તત્વો ગણાય છે અને તે છોડને વિકાસ માટે મધ્યમ જથ્થામાં જોઇએ છે. જસત (ઝીંક), લોહ (ફેરસ), મેંગેનિઝ, તાંબુ (કોપર), મોલીબ્ડેનમ, બોરોન અને ક્લોરીન એ સૂક્ષ્મ પોષક તત્વો ગણાય છે અને તે છોડને વિકાસ માટે ખૂબ જ ઓછી માત્રામાં જોઇએ છે. છોડના સૂકા અવશેષોમાં વિવિધ પોષક તત્વો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની માત્રામાં હોય છે.
નાઇટ્રોજન
- નીલકણ અને જીવરસ માટેનું મહત્ત્વનું ઘટક છે.
- પાકની વૃદ્ઘિ ઝડપી બનાવે છે અને પાંદડાના ઉત્પાદનમાં વધારો કરે છે.
- અનાજ અને ઘાસચારાના પાકોમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે.
ફોસ્ફરસ
- નવી કૂંપળો તથા મૂળતંતુઓની વૃદ્ઘિ કરે છે.
- રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
- છોડના પ્રકાંડ(ડાળી)ને મજબૂત બનાવી છોડને ઢળતો બચાવે છે.
- પાકમાં વહેલી પરિપક્વતા લાવે છે.
પોટાશ
- ધાન્ય પાકો અને કંદમૂળના પાકોમાં બીજ અને કંદનું કદ વધારે છે.
- ફળપાકો અને શાકભાજીમાં ફળની ગુણવત્તા સુધારે છે.
- છોડને રોગનો પ્રતિકાર કરવાની શક્તિ આપે છે.
- છોડનો ઠંડી તથા વિપરીત અસરોનો મુકાબલો કરવાની ક્ષમતા વધારે છે.
કેલ્શીયમ
- છોડના કોષની દિવાલ મજબૂત બનાવે છે.
- છોડના મૂળને માટીની આમ્લીયતા(એસીડીટી) અને કોઇ તત્વની વધુ માત્રાની આડઅસરની સામે રક્ષણ આપે છે.
- પોષક તત્વો લેવાની પ્રક્રિયામાં મદદ કરે છે.
- બીજ ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરે છે.
મેગ્નેશીયમ
- બધા પોષક તત્વો પૈકી મેગ્નેશીયમ એક માત્ર હરિતકણ બનાવવામાં સીધો ભાગ ભજવે છે.
- દાણામાં તેલની માત્રામાં વધારો કરે છે.
સલ્ફર
- છોડમાં જરૂરી ઘણા બધા જૈવ રસાયણો બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે જેને કારણે ઉત્પાદનમાં વધારો અને ગુણવત્તામાં સુધારો થાય છે.
- છોડને નાઇટ્રોજન અને ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.
- તેલીબીયા પાકોમાં તેલ ઉત્પાદનમાં મહત્ત્વનું યોગદાન આપે છે.
છોડને કયા પોષક તત્વની ઉણપ છે તે છોડના અવલોકન પરથી જાણી શકાય છે. આ માટે જરૂરી સમજ અને થોડા અભ્યાસની જરૂર પડે છે. તો ચાલો, આપણે જરૂરી સમજ આ ચિત્રના માધ્યમથી સમજીએ:
સૌપ્રથમ આ ચિત્રને ત્રણ ભાગમાં વિભાજિત કરીએ. આ ત્રણેય વિભાગના પાનમાં કોઇ ચોક્કસ પોષક તત્વની ઉણપનું ચોક્કસ ચિન્હ જોવા મળે છે. જેની વિગત ચિત્રમાં દર્શાવેલી છે:
ચિત્રના સૌથી નીચેના ભાગમાં જૂના, પાકટ પાન આવેલા છે અને અહીં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશીયમ, જસત (ઝીંક) અને તાંબુ (કોપર) તત્વની ઉણપના લક્ષણો દેખાય છે.
ચિત્રના મધ્ય ભાગમાં નવા પાન આવેલા છે અને અહીં કેલ્શીયમ, સલ્ફર, મેંગેનીઝ અને મોલીબ્ડેન તત્વની ઉણપના લક્ષણો દેખાય છે.
ચિત્રના સૌથી ઉપરના ભાગમાં કૂંપળ આવેલી છે અને અહીં લોહ (ફેરસ) અને બોરોન તત્વોની ઉણપના લક્ષણો દેખાય છે.
હવે આપણે વિવિધ પાકમાં જોવા મળતાં પોષક તત્વની ઉણપના લક્ષણો આ ચિત્ર અને વાસ્તવિક ફોટા સાથે સમજીએ.
સૂક્ષ્મ તત્વોની ઉણપના કારણે કેટલાક પાકોમાં આ પ્રમાણેના રોગ જોવા મળે છે:
છોડના અવલોકન પરથી આપણે જાણી શકીએ છીએ કે, છોડમાં કયા પોષક તત્વની ઉણપ છે. આ ઉણપ માટે માટી જવાબદાર છે, કારણ કે ૧૬ માંથી ૧૨ પોષક તત્વો છોડ સીધા જ માટીમાંથી મેળવે છે અને હવામાં રહેલો નાઇટ્રોજન પણ છોડ માટી દ્વારા જ મેળવે છે. પોષક તત્વની ઉણપનું કારણ કાં તો માટીમાં તે પોષક તત્વનું ઓછું હોવું અથવા છોડ કોઇ રાસાયણિક કે જૈવીક કારણસર પોષક તત્વ લઇ શકતું નથી તે છે અથવા તો આ બન્ને કારણ એકી સાથે જવાબદાર છે.
પોષક તત્વની ઉણપનું ચોક્કસ કારણ જાણવા માટે માટીની ચકાસણી કરાવવી જરૂરી બને છે. માટીમાં જો પોષક તત્વ ઓછું હોય તો માટીમાં તે પોષક તત્વ ઉમેરવું જોઇએ અને જો માટીમાં પોષક તત્વ પૂરતાં પ્રમાણમાં હોય અને તેમ છતાં છોડ તે પોષક તત્વ લઇ શકતું ન હોય તો માટીમાં સેન્દ્રીય કાર્બન અને માટીની જૈવિક ગતીવિધી વધારવા પ્રયત્નો કરવા જોઇએ.
જો છોડમાં એક કે તેથી વધુ પોષક તત્વની ઉણપ જોવા મળતી હોય અને માટીમાં પણ આ પોષક તત્વો ઓછા હોય તો શું કરવું? અહીં જર્મન વૈજ્ઞાનિક જસ્ટસ વોન લીબેગનો લો ઓફ મીનીમમ નો સિધ્ધાંત લાગુ પડે છે. આ સિધ્ધાંત તેમણે લાકડાની પટ્ટીઓથી બનેલા બેરલ એટલે કે ટાંકીના માધ્યમથી સમજાવ્યું છે. તો ચાલો, આપણે આ સિધ્ધાંત ચિત્રના માધ્યમથી સમજીએ:
આ ચિત્રમાં લાકડાની પટ્ટીઓથી બનેલું એક બેરલ બતાવવામાં આવેલું છે. આ બેરલની પટ્ટીઓ લાંબી-ટૂકી છે. આ બેરલમાં પાણી ભરવામાં આવે તો પાણી કેટલે સુધી ભરી શકશે? પાણી સૌથી ટૂંકી પટ્ટી સુધી જ ભરી શકાશે….બરાબર…બીજી પટ્ટીઓ ગમે તેટલી લાંબી હોય તો પણ તેનાથી વધુ પાણી ભરવાથી કોઇ ફરક પડતો નથી. જો આ બેરલમાં વધારે પાણી ભરવું હોય તો જે પટ્ટી સૌથી ટૂંકી છે તેમાં સાંધો મારવો પડે. અહીં બેરલની આ વિવિધ પટ્ટીઓ આપણી માટીમાં આવેલા વિવિધ પોષક તત્વો અને તેની ઉંચાઇ જે-તે પોષક તત્વની માત્રા છે.
ઉદાહરણ દ્વારા આ બાબતને સમજીએ – કોઇ એક ખેડૂતે એક એકરમાં ઘઉંનો પાક કરેલો છે અને તેને ૧૨૦૦ કિલો ઘઉંનું ઉત્પાદન થાય છે. અહીં સવાલ એ થાય કે ઘઉંનું ઉત્પાદન ૧૨૦૦ કિલો જ થશે તેનાથી વધુ નહીં તે નક્કી કોણે કર્યુ? આ નક્કી કરનાર એ પોષક તત્વ છે જે માટીમાં પ્રમાણમાં સૌથી ઓછી માત્રામાં છે. તેને કારણે જ ઉત્પાદન ૧૨૦૦ કિલો સુધી જ થયું છે. જો હવે ઉત્પાદન વધારવું હોય તો તે જ પોષક તત્વની પૂર્તતા કરવી પડે તે સિવાયના અન્ય પોષક તત્વો માટીમાં નાખવામાં આવે તો પણ તેનાથી ઉત્પાદન ખાસ વધતું નથી.
પોષક તત્વની ઉણપ ટકાઉખેતી પધ્ધતીમાં કઇ રીતે દૂર કરવી તે અંગેની વિગતો અલગથી આપવામાં આવેલી છે.