પિયતના પાણીના ચકાસણી અહેવાલની સમજ

વિભાવના

ખેતી કરવા માટે જે ઇનપુટ સૌથી વધુ વપરાય છે, તે પિયત કરવા માટે વપરાતું પાણી છે. જ્યાં વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે ત્યાં આ ઈનપુટ ખૂબ જ શુધ્ધ છે, પરંતુ જ્યાં ખેતી કરવા માટે પિયત કરવામાં આવે છે ત્યાં આ પિયતના પાણીની ગુણવત્તા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે નહેર(કેનાલ)ના પાણી કરતાં બોર-કૂવાના પાણીમાં ખૂબ જ અશુધ્ધીઓ ભળેલી હોય છે. જે પાકના વિકાસને ચોક્કસ રીતે અસર કરે છે. આથી પિયત પાણીના નમુનાની ચકાસણી કરાવવી ખૂબ જ અગત્યની બની જાય છે.

Article Image

પિયતના પાણીની ચકાસણી

પિયતના પાણીની ચકાસણી કરાવવાથી ખ્યાલ પડે છે કે-

  1. પિયતના પાણીમાં ખારાશ સબંધિત સમસ્યા છે કે કેમ?
  2. પિયતના પાણીમાં સોડિયમ સબંધિત સમસ્યા છે કે કેમ?
  3. પિયતના પાણીમાં કાર્બોનેટ સબંધિત સમસ્યા છે કે કેમ?
  4. પિયતના પાણીમાં અન્ય કોઈ નુકશાનકારક રસાયણોની હાજરી છે કે કેમ?
  5. પિયતનું પાણી ખેતીના ક્યા પાકો માટે અનુકૂળ છે અને કયા પાકો માટે નથી તે જાણી શકાય.
Article Image

ખારાશયુકત પિયતના પાણીની માટી અને પાક ઉપર અસર

ચકાસણી માટે પિયતના પાણીના નમુના લેવા અંગેની વિગત અલગથી આપવામાં આવેલી છે. અહીં પિયતના પાણીના ચકાસણીના અહેવાલને કેવી રીતે સમજવો તે જી.એસ.એફ.સી.ના પિયતના પાણીના ચકાસણી અહેવાલના ઉદાહરણથી સમજાવવામાં આવેલું છે.

જી.એસ.એફ.સી.ના પિયતના પાણીનો ચકાસણી અહેવાલ ચાર વિભાગમાં વહેંચાયેલો હોય છે. સૌથી ઉપરના વિભાગમાં નમુના સબંધિત પ્રાથમિક માહિતી હોય છે.

Article Image

તેની નીચે પૃથ્થકરણનો અહેવાલ હોય છે જેમાં પાણીમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ એટલે કે પાણીની ખારાશ પી.પી.એમ. માં દર્શાવેલી હોય છે, પાણીમાં હાજર કાર્બોનેટ, બાયકાર્બોનેટ, ક્લોરાઇડ, સલ્ફર, કેલ્શીયમ, મેગ્નેશીયમ અને સોડિયમનું પ્રમાણ દર્શાવેલું હોય છે તથા પાણીનો પી.એચ. અને તેની વિધ્યુત વાહકતા માઇક્રોમ્હોસ/સે.મી.માં દર્શાવેલી હોય છે.

Article Image

તેની નીચે પાણીના વપરાશ અંગેના જોખમો અને તે સબંધિત ભલામણો જણાવેલી હોય છે.

Article Image

અહેવાલના અંતે સૌથી નીચે આર.એસ.સી. અટલે કે રેસીડયુઅલ સોડિયમ કાર્બોનેટ, એસ.એ.આર. એટલે કે સોડિયમ એસોર્પશન રેશીયો, સોડિયમની ટકાવારી અને પિયતના પાણીનો વર્ગ દર્શાવેલો હોય છે.

Article Image

પિયતના પાણીનો વર્ગ

પિયતના પાણીને તેની વિધ્યુત વાહકતા અને સોડિયમ એડ્સોર્પશન રેશીયોના આધારે સંયુક્ત રીતે મૂલ્યાંક્તિ કરવામાં આવે છે. પાણીની વિધ્યુત વાહકતાનું મૂલ્ય અહેવાલના બીજા વિભાગમાં અને સોડિયમ એડ્સોર્પશન રેશીયોનું મૂલ્ય અહેવાલના અંતિમ વિભાગમાં દર્શાવેલું હોય છે. વિધ્યુત વાહકતા અને સોડિયમ એસોર્પશન રેશીયોના સ્વતંત્ર મૂલ્યથી પિયતના પાણીનો વર્ગ કોષ્ટક નંબરઃ ૧ માં દર્શાવ્યા પ્રમાણે નક્કી કરવામાં આવે છે.

Article Image

આ રીતે નક્કી થયેલા પિયતના પાણીના વર્ગ ઉપરથી જાણી શકાય છે કે પાણી પિયત કરવા માટે યોગ્ય છે કે નહી. જો પિયતનું પાણી પિયત કરવા માટે જોખમી જણાય તો કેવા પ્રકારનું વ્યવસ્થાપન કરીને તે પિયત માટે વાપરી શકાય તે અંગેની જાણકારી ભલામણ વિભાગમાં આપવામાં આવેલી હોય છે અને જો પાણી પિયત માટે યોગ્ય ન હોય તેવું જણાવેલું હોય તો પાણીનો પિયત માટે ઉપયોગ ટાળવો અન્યથા આવા પાણીનો વપરાશ માટીને કાયમી ધોરણે નુકશાન પહોચાડી શકે છે.

વધુમાં પિયતના પાણીની ખારાશને ઊંડાણથી સમજવા અંગેની વિગત અલગથી આપેલી છે.

શેષ રહી જતા સોડિયમ કાર્બોનેટ(આર.એસ.સી.)નું મૂલ્ય

પૃથ્થકરણ અહેવાલના અંતિમ ભાગમાં પિયતના પાણીમાં આર.એસ.સી.નું મૂલ્ય કેટલું છે તે દર્શાવવામાં આવે છે. આર.એસ.સી.ના મૂલ્યના આધારે પિયતના પાણીનું વર્ગીકરણ કોષ્ટક નંબરઃ ૨ માં દર્શાવ્યા પ્રમાણે કરવામાં આવે છેઃ

Article Image

જો પિયત માટેના પાણીમાં આર.એસ.સી.મૂલ્ય વધારે હોય તો કેલ્શીયમ કે મેગ્નેશીયમનાનું ચૂના તરીકે અવક્ષેપન માટી ઉપર સફેદ ક્ષાર રૂપે બાજે છે. આથી માટીમાં સોડિયમની અસર ખાળવા માટે કેલ્શીયમ કે મેગ્નેશીયમ ઓછું થઇ જાય છે અને સોડિયમના વ્યવસ્થાપનમાં વિક્ષેપ પડે છે.

Article Image

જો પિયત પાણીમાં આર.એસ.સી. મૂલ્ય વધારે હોય તો તે પાણીનો સતત ઉપયોગ કરવાથી માટીનો પી.એચ. આંક ઊંચો જાય છે અને વિવિધ પોષકતત્ત્વોની લભ્યતાને આડ અસર કરે છે.

Article Image

ઓછા વરસાદવાળા વિસ્તારમાં ૨.૫ થી વધારે આર.એસ.સી. મૂલ્યવાળા પાણીનું ચોમાસું પાકમાં પિયત ટાળવું અને શિયાળું પાકમાં આલ્કલી(ભાષ્મિક) પ્રતિકાર કરી શકે તેવી ઘઉં અને રાયડાની જાતોનું વાવેતર કરવું તથા આ પાણીનો ઉનાળે પિયતમાં ઉપયોગ ન કરવો.

પિયતના પાણીમાં સોડિયમનું પ્રમાણ

પૃથ્થકરણના અહેવાલના અંતિમ વિભાગમાં પિયતના પાણીમાં સોડિયમ તત્ત્વનું પ્રમાણ કેટલું છે તે ટકામાં દર્શાવેલું હોય છે. સોડિયમના ટકાના આધારે પિયતના પાણીનું વર્ગીકરણ પાના નંબર ૩ ઉપર

Article Image

જો પિયત પાણીમાં સોડિયમની માત્રા વધારે હોય તો તે માટીના બંધારણ અને તેની નિતારશક્તિને અવળી અસર કરે છે.

જો પિયતના પાણીમાં સોડિયમ રૂપી ખારાશ વધુ હોય તો લાંબી આયુ ધરાવતાં ક્ષીરવાળા(ચીકુ) કે કાષ્ટવિહોણા(ખારેક) જેવા બાગાયતી પાકો પસંદ કરવા. જેમાં કાષ્ટ બનતું હોય, જેમ કે આંબા, જામફળ, લીંબુ વગેરે બાગાયતી પાકોની પસંદગી કરવી નહી. જો કાષ્ઠવાળા વૃક્ષનું વાવેતર કરવામાં આવે તો શરૂઆતના વર્ષોમાં વિકાસ બરાબર થશે પરંતુ ૪ થી ૫ વર્ષ બાદ સોડિયમના અચાનક ભરાવાને કારણે તેની ટોચની ડાળીઓ સુકાવા લાગશે અને વૃક્ષનો વિકાસ થશે નહી.

Article Image

કઠોળ પાકની ખેતીને પણ વધારે સોડિયમવાળું પાણી અનુકૂળ આવતું નથી.

જો પિયતના પાણીમાં સોડિયમની માત્રા વધારે હોય તે પાણીનો સતત ઉપયોગ કરવામાં આવે તો માટીનો પી.એચ. આંક ઊંચો જાય છે અને વિવિધ પોષક્તત્ત્વોની લભ્યતાને આડ અસર કરે છે.

Article Image

પિયતના પાણીમાં ક્લોરિનનું પ્રમાણ

પૃથ્થકરણના અહેવાલના બીજા વિભાગની પહેલી કોલમમાં ત્રીજા સ્થાને પિયતના પાણીમાં ક્લોરિનનું પ્રમાણ કેટલું છે તે દર્શાવેલું હોય છે અને તેના આધારે પિયતના

પાણીનું વર્ગીકરણ કોષ્ટક નંબર: ૪ માં દર્શાવ્યા પ્રમાણે કરવામાં આવે છેઃ

Article Image

વિવિધ પાકોની ક્લોરાઇડ અંગેની પ્રતિકાર કરી શકવાની ક્ષમતા ચડતા ક્રમમાં

Article Image

ભલામણ વિભાગ

પૃથ્થકરણના અહેવાલમાં ત્રીજા વિભાગમાં પાણીના વપરાશ અંગેના જોખમો અને ઉપયોગ સબંધિત વ્યવસ્થાપન અંગેની ભલામણ વિસ્તારથી જણાવવામાં આવે છે. પાણીની ગુણવત્તાના આધારે માટીને નુકશાનથી બચાવવા જો જીપ્સમનો વપરાશ ઉપયોગી જણાતો હોય તો કેટલું જીપ્સમ પ્રતિ એકર વાપરવું તે અંગેની ભલામણ સ્પષ્ટરૂપે અહીં કરવામાં આવતી હોય છે. આ વિભાગમાં દર્શાવેલી તમામ ભલામણોને સમજી તેનું યોગ્ય પાલન કરવું તે ખેતીના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.

નબળી ગુણવત્તાવાળા પિયતના પાણીના ઉપયોગ કરતી વખતે રાખવાની તકેદારીઓ

  1. ખારાશને અનુકૂળ આવે તેવા પાકોની જ પસંદગી કરવી જોઇએ.
  2. માટીમાં રહેલા સેન્દ્રીય કાર્બન ખારાશની છોડ ઉપરની આડ અસરમાં ઘટાડો કરે છે. જો માટીમાં સેન્દ્રીય કાર્બન વધુ હશે તો પાક પર ખારાશની આડ અસર ઓછી જોવા મળશે. આથી માટીમાં સેન્દ્રીય કાર્બન વધારવા માટે માટીમાં કમ્પોસ્ટ ખાતર ઉમેરવું અને લીલો પડવાશ કરવો. સેન્દ્રીય કાર્બન માટીનું બંધારણ સુધારે છે, આથી, વરસાદી પાણીથી વધુ પ્રમાણમાં ખારાશનું ધોવાણ થશે અને માટી સુધરશે.
  3. માટી અને પિયતના પાણીની ચકાસણી કરાવવી અને જો ચકાસણી અહેવાલમાં સુધારક તરીકે જીપ્સમની ભલામણ કરવામાં આવી હોય તો ભલામણ મુજબનું ૩ જીપ્સમ માટીમાં ઉમેરવું જોઈએ.
  4. માટી અને પિયતના પાણીની ખારાશની મહત્તમ આડ અસર બીજ અંકુરણ વખતે થતી હોય છે. શક્ય હોય તો બીજ અંકુરણ વખતે સારા ગુણવત્તાવાળા પિયતના પાણીની વ્યવસ્થા કરવી જોઇએ.
    Article Image
  5. જો પિયતનું પાણી નબળી ગુણવત્તાનું હોય તો આવા પાણીનો ઉપયોગ ઓછો કરવો કે ટાળવો. જો પાંચ પાણીમાં પાક લેવો શક્ય હોય તો છઠ્ઠુ પિયત ટાળવું. કારણ કે, જ્યારે આપણે ૧ એકર જમીનમાં ૨ ઈચ વાળા ૫ પિયત કરીએ છીએ ત્યારે આપણે ૧૦ લાખ લીટર પાણી વાપરીએ છીએ. જો આપણા પિયતના પાણીનું ટીડીએસ ૧૫૦૦ પી.પી.એમ. હોય તો આ ૫ પિયત થઇ આપણે માટીમાં ૧૫૦૦ કીલો (૫૦ કીલોની ૩૦ ગુણી) મીઠું ઉમેરીએ છીએ. જો હવે આપણે છઠ્ઠુ પિયત કરીશુ તો વધુ ૩૦૦ કીલો મીઠું માટીમાં ઉમેરીશું. જો આવું કરતાં બચીશું તો માટી એટલી ઓછી ખારી કે ખરાબ થશે.
  6. નબળી ગુણવત્તાવાળા પિયતના પાણીથી ખેતી કરતી વખતે ધ્યાન રાખવું કે, માટી સૂકાશે ત્યારે ખારાશ પાક ઉપર વધુ આડ અસર કરશે. આથી માટીમાં ભેજ જળવાય તે રીતે હલકું પિયત વારંવાર આપવું જોઇએ.
    Article Image
  7. કૃષિ રસાયણો અને વિશેષ રૂપે રાસાયણિક ખાતરો માટીની ખારાશ વધારે છે, તો આવા ખાતરોનો ઉપયોગ ટાળવો જોઇએ.
  8. પિયતના પાણીની ખારાશ ધીમે-ધીમે માટીમાં એકત્ર થતી હોય છે અને માટીને ખારી બનાવે છે. જ્યારે મોટા જથ્થામાં એક સામટો વરસાદ પડે છે ત્યારે ખેતરમાંથી બહાર વહેતું વરસાદી પાણી પોતાની સાથે ખેતરની ખારાશનું પણ ધોવાણ કરીને બહાર લઇ જાય છે. એક અભ્યાસથી જાણવા મળ્યું છે કે ૬ ઇંચ વરસાદથી માટીની ૮૦% ખારાશનું ધોવાણ થાય છે. આથી વરસાદનું પાણી આપણા ખેતરની માટીનો મહત્તમ સુધારો કરે તે પ્રકારે આયોજન કરવું જોઇએ.
    Article Image
  9. જો સારી માટી હોય અને સારી ગુણવત્તાવાળું પિયતનું પાણી હોય તો ખેતીમાં કોઇ સમસ્યા સર્જાતી નથી પણ, સારી માટી સાથે જો નબળી ગુણવત્તાવાળું પિયતનું પાણી હોય તો ખેતીમાં તકેદારી રાખવી જરૂરી બની જાય છે.
  10. જો ખારાશવાળી માટી હોય અને સારી ગુણવત્તાવાળું પાણી હોય તો ખેતીમાં ખૂબ જ તકેદારી રાખવી આવશ્યક છે અને ખારાશવાળી માટી સાથે નબળી ગુણવત્તાવાળું પિયતનું પાણી હોય તો ખેતી કરવાનું ટાળવું જોઇએ.
  11. પિયતના પાણીની ગુણવત્તા સુધારવા માટે ભૂગર્ભજળ રીચાર્જની કામગીરી કરવી જોઈએ.

વિડિઓ માર્ગદર્શન

સંપૂર્ણ માહિતી પીડીએફમાં

આ લેખની વધુ વિગતો અને ચિત્રો માટે પીડીએફ ડાઉનલોડ કરો.

પીડીએફ ડાઉનલોડ