વિભાવના
અંગ્રેજીમાં એક કહેવત છે જે તમે સાંભળી હશે, “પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર”. એટલે કે બીમારી આવ્યા પછી તેની સારવાર કરવા કરતાં આવતી અટકાવવી એ ઉત્તમ ગણાય. કોઈપણ બીમારીની સારવારથી દૂર કર્યા બાદ પણ તેની કોઈ ને કોઈ સ્વરૂપમાં આડઅસર રહી જતી હોય છે. પાકમાં રોગ અને જીવાત લાગી ગયા બાદ સારવાર કરી હોવા છતાં લગભગ 10% થી 30% સુધી નુકસાન થઈ જતું હોય છે. એમાં પણ ઘણીવાર બીમારી સમજવામાં જ સમય નીકળી જાય તો પછી સારવાર કરીએ ત્યાં સુધીમાં પાક નિષ્ફળ થઈ જાય છે. આપણે રોગ અને જીવાતને કેવી રીતે ઓળખવી તે અગાઉ સમજ્યા. તેના પરથી સ્પષ્ટ થાય છે કે જીવાત આવે તરત જ ખબર પડી જાય છે, પરંતુ રોગની ખબર મોડેથી પડે છે અને ત્યાં સુધીમાં પાકને ઘણું નુકસાન થઈ ગયું હોય છે. એટલા માટે જ ખૂબ જરૂરી છે કે તેને આવતી જ અટકાવીએ.
રોગ અને જીવાત માટે સંકલિત વ્યવસ્થાપન
આપણે છેલ્લા કેટલાક વર્ષોથી “સંકલિત રોગ વ્યવસ્થાપન” અને “સંકલિત જીવાત વ્યવસ્થાપન” એવા શબ્દો સાંભળતા આવ્યા છીએ. સંકલિત રોગ કે જીવાત વ્યવસ્થાપન એટલે-સ્થાનિક વાતાવરણને અનુરૂપ અપનાવી શકાય તેવી અસરકારક પદ્ધતિઓને સમયબદ્ધ અને સુમેળપૂર્વક અપનાવીને જીવાતની વસ્તી કે રોગકારકોની માત્રા આર્થિક નુકસાનની ક્ષમ્ય માત્રાથી નીચે રાખવાની પદ્ધતિઓને સંકલિત વ્યવસ્થાપન કહે છે.
સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપન શા માટે?
- પ્રકૃતિમાં વિવિધ જાતની વનસ્પતિ અને પ્રાણીઓની વસ્તીનું કુદરતી સંતુલન જાળવવા માટે.
- હવા, પાણી અને જમીન જેવા પર્યાવરણીય ઘટકોમાં ઝેરી રસાયણોનું પ્રદૂષણ અટકાવવા માટે.
- મનુષ્ય, પશુ-પક્ષીઓ અને જીવાતોના પરજીવી-પરભક્ષીઓને જંતુનાશકો / ફૂગનાશકોની અસરથી બચાવવા માટે.
સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપનના સિદ્ધાંતો
- વનસ્પતિ અને પ્રાણીઓ પર્યાવરણના ભાગ છે અને તે ખોરાક માટે એકબીજા પર આધારિત છે.
- જીવાતો કે રોગકારકો સામે જો કોઈ એક જ રસાયણ સામે પ્રતિકાર ક્ષમતા કેળવાય છે, અને આવા બધા રસાયણોના પરિણામે થતા નુકસાન થી ખેડૂત કદાચ બચી જશે, પરંતુ તેની આડઅસરો અનેક અને દૂરગામી હોય છે.
સંકલિત જીવાત અને રોગ વ્યવસ્થાપનના ફાયદાઓ
- કુદરતી જીવસૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે છે.
- મિત્ર કીટકો, મિત્ર સૂક્ષ્મજીવો અને પરાગનયન કરનાર જીવોની વસ્તી વધવાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે.
- પર્યાવરણમાં ઝેરી રસાયણોની માત્રા ઘટે છે અને પ્રદૂષણ ઓછું થાય છે.
- રસાયણિક જંતુનાશકો અને ફૂગનાશકોનો વપરાશ ઘટતાં ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે.
સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપન ખેતીમાં રોગ અને જીવાતને આવતાં અટકાવવા માટે ખૂબ જ અસરકારક છે. તેની કેટલીક પદ્ધતિઓ અંગે સમજ કેળવીએ.
સંકલિત વ્યવસ્થાપન પદ્ધતિ – ખેતર અને જમીન
જમીનની કેળવણી
જમીનને સેન્દ્રિય ખાતર તથા લીલો પડવાશ કરી ખૂબ જ ફળદ્રુપ અને તંદુરસ્ત બનાવવી, જમીન તંદુરસ્ત હશે તો છોડ તંદુરસ્ત રહેશે.
ખેતરનું પર્યાવરણ
ખેતરમાં વધુને વધુ જીવ વૈવિધ્યતા ઉભી કરવી જેથી પરભક્ષી કીટકો - પક્ષીઓ અને પરજીવીઓને આશ્રય મળે જે રોગ-જીવાત નિયંત્રણનું કામ કરશે.
- જમીન, પાણી અને હવામાનને અનુરૂપ પાકનું આયોજન કરવું.
જમીનની સફાઈ અને ઊંડી ખેડ
- પાકની કાપણી બાદ તરત જ ઊંડી ખેડ કરવી જેથી કોશેટો તડકામાં તપી નાશ પામે અથવા પક્ષીઓ ખાઈ જાય.
-
તીતીઘોડો, કાતરા, ખપેડી વગેરેનો ઉપદ્રવ ઓછો થાય.
- ડાંગરમાં ઝાડીયા વીણી નાશ કરવાથી ગાભમારીની ઈયળનો ઉપદ્રવ ઘટે.
- ફળઝાડના પાકોમાં સડેલા ફળ વીણી નાશ કરવાથી ફળમાખી તથા ફળના સડાના રોગનો ઉપદ્રવ ઘટાડી શકાય.
- શાકભાજીના પાકોમાં સડેલા ફળ દાટી દેવાથી ફળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ ઘટે.
ખેતર ફરતે ખાઈ કરવી, હાથથી વીણી નાશ કરવી, ઘેટી ચરાવવી
- લશ્કરી ઈયળની ટોળી બાજુના ખેતરમાંથી ચાલીને આવતી અટકાવી શકાય.
- લશ્કરી ઈયળ છોડની પાંદડાની નીચેની બાજુએ ઈંડા મૂકે છે, આ ઈંડાવાળી પાંદડી હાથથી વીણી નાશ કરવાથી લશ્કરી ઈયળના ઉપદ્રવથી બચી શકાય.
- કપાસની પાકમાં ગુલાબી ઈયળ જીંડવામાં રહે છે અને કોશેટો પણ જીંડવામાં બને છે, આથી ઘેટી ચરાવવાથી નુકસાન થયેલા જીંડવા ઘેટી ચરી જાય છે અને ઈયળ તથા કોશેટોનો નાશ થાય છે.
ખેતરની આજુ-બાજુની શેઢા-પાળી ચોખ્ખી અને નિંદામણ મુક્ત રાખવી
- લશ્કરી ઈયળ દિવસના સમયે શેઢા-પાળી કે નિંદામણમાં આશ્રય લે છે, આથી સફાઈ રાખવાથી ઈયળને છુપાવાની જગ્યા મળતી નથી.
પક્ષીના ટેકા
- પક્ષીઓ કુદરતી પરભક્ષીઓ છે જે ઈયળની ફૂદી, ઈયળ વગેરેને પોતાના ખોરાક તરીકે ખાય છે.
- ખેતરમાં 6 થી 8 ફૂટ ઊંચાઈના લાકડાના ટેકા ખોડવાથી પક્ષીઓ તેના પર આવીને બેસે છે અને ઈયળ તથા ફૂદીને ખાય છે.
સંકલિત વ્યવસ્થાપન પદ્ધતિ – બીજ
સ્થાનિક અનુકૂળ પાક અને જાત પસંદ કરવી
- આપણા વિસ્તારને અનુરૂપ પાકની વાવણી કરવી ઉદાહરણ તરીકે ઠંડી હવામાનમાં થતો પાક ગરમ હવામાનવાળી વિસ્તારમાં વાવેતર કરવો જોઈએ નહીં.
- જૂના પાકનું ભેજવાળી વિસ્તારમાં વાવેતર ટાળવું.
- વિદેશી પાકો અને તેની જાતોનું વાવેતર ટાળવું.
- જમીનની પ્રકારને અનુરૂપ પાકનું વાવેતર કરવું.
- ચૂસિયાના નિયંત્રણ માટે રૂવાંટીવાળી જાતોનું વાવેતર કરવું.
- શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક વાતાવરણને અનુરૂપ દેશી બીજ મેળવવાનો પ્રયત્ન કરવો.
બિયારણનો દર અને વાવેતર અંતર
- જુવારમાં બીજનો દર 12.5 કિગ્રા/હેક્ટર રાખવાથી સાંઠાની માખીનો ઉપદ્રવ ઓછો થાય છે.
- ચોમાસામાં પહોળી પાથલે વાવેતર કરવાથી રોગ ઓછા આવે છે.
- રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરી શકાય.
સંકલિત વ્યવસ્થાપન પદ્ધતિ – વાવેતર
બીજને બીજ માવજત આપીને વાવેતર કરવું
- બીજને ગૌમૂત્ર, ખાટી છાશ, મીઠાવાળું પાણી, બીજામૃત તથા જૈવિક રોગનાશકોના પેસ્ટ આપીને વાવેતર કરવું.
વાવણીની તારીખમાં ફેરફાર
- તુવેરની પાકનું વાવેતર ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવે તો નુકશાનથી બચી
શકાય.
- એરંડાના પાકનું ઓગષ્ટમાં મહિનામાં વાવેતર કરવાથી ઘોડીયા ઇયળનું નુકશાન ઓછું થાય છે.
- રાયડાની વાવણી ૧૦ ઓક્ટોબર થી ૨૫ ઓકટોબરમાં કરવાથી માલોમશીનો ઉપદ્રવ ઓછો થાય છે.
- જુવારનું સમયસર (જૂન-જૂલાઈમાં) વાવેતર કરવાથી કૂંપળ કોરી ખાનાર ઇયળનું નુકશાન ઓછું થાય છે.
- ડાંગરની રોપણી વહેલી (જુલાઈના પ્રથમ અડવાડિયામાં) કરવાથી ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ઘટાડી શકાય.
સંકલિત વ્યવસ્થાપન પધ્ધતી-પાક વ્યવસ્થાપન
પિંજર પાક, આંતરપાક, પાક ફેરબદલી:
- ડુંગળીનો પાક લીધા બાદ થ્રીપ્સ પ્રતિકારક (જેવા કે ધાન્ય વર્ગના) પાક જ લેવા, ડુંગળીના અરોડા ઉખાડી નાંખવા.
- કોબી, ફ્લાવર, ગાજર, ભાજી વગેરે પાકની સાથે લીલી ડુંગળી પિંજર પાક તરીકે વાવેતર કરવાથી થ્રીપ્સનું નિયંત્રણ થાય છે.
- કઠોળ અને ધાન્ય પાકોનું મિશ્ર પાક કે આંતરપાક તરીકે વાવેતર કરવું, ઉદાહરણ તરીકે બાજરો અને મગનું મિશ્ર પાક કે આંતરપાક તરીકે વાવેતર કરવાથી મગમાં ચુસીયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ થાય છે.
- મગફળીના પાકમાં ચોળાનો આંતરપાક લેવાથી પરભક્ષી દાળીયાની વસતિ વધે છે જે મોલોમશીનો ઉપદ્રવ ઘટાડે છે.
- મગફળીમાં મકાઇ કે જુવારની છાંટ નાખવાથી મોલો, લીલી ઇયળ અને લશ્કરી ઇયળથી થતું નુકશાન ઓછુ થાય છે.
- તુવેરમાં બાજરી કે મકાઇ વાવેતર કરવાથી લીલી ઇયળથી થતું નુકશાન ઘટે છે.
- કપાસમાં અને ટમેટામાં ૧૦ લાઈન દીઠ એક લાઈન હજારીગલણીનું વાવેતર કરવાથી લીલી ઇયળથી થતું નુકશાન ઓછુ થાય છે.
- કોબીમાં ૧૦ લાઇન પછી એક લાઇન રાયડાનું વાવેતર કરવાથી હિરાફૂદાનો ઉપદ્રવ ઘટે છે.
- પાક ફેરબદલી કરવાથી સૂકારો, મૂળનો સડો, કૃમી, વાકૂંબા વગેરેનું નિયંત્રણ થાય છે.
- પાક ફેરબદલી કરવાથી તમામ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ઓછો થાય છે.
સંકલિત વ્યવસ્થાપન પધ્ધતી-આઈ. પી. એમ. સાધનો
પ્રકાશ પિંજર:
- પ્રકાશ પિંજર એ ફાનસ કે લાઈટનો બલ્બ રાખીને જાતે જ બનાવી શકાય છે.
- ખેતરમાં પ્રકાશ પિંજર લગાવવાથી લીલી ઇયળ, લશ્કરી ઇયળ, કાતરા, સફેદ ધૈણ વગેરેના ફૂદા પ્રકાશથી આકર્ષાયને આવે છે અને પ્રકાશ પિંજરની નીચે રાખવામાં આવેલા પાણીમાં પડી મરી જાય છે.
- એક એકરમાં ૨ પ્રકાશ પિંજર રાખવા જોઈએ.
પીળા ચીકણા પટ્ટા:
- લોખંડના પતરા કે પ્લાસ્ટીકની શીટને પીળો કલર કરવો તથા સૂકાઈ ગયા બાદ તેના પર ગ્રીસ કે
એરંડીયુ તેલ લગાવી પીળા ચીકણા પટ્ટા બનાવવામાં આવે છે.
- આ પટ્ટાને પાકની ઊંચાઈના આધારે લાકડી પર ચીપકાવીને ખેતરમાં ઊભા કરવામાં આવે છે.
- ચૂસીયા પ્રકારની જીવાતો પીળા કલરથી આકર્ષાય પટ્ટા પર બેસે છે અને ચીકાશના કારણે તેના પર ચીપકી જાય છે, આ રીતે ચૂસીયા જીવાતોનું નિયંત્રણ થાય છે.
- એક એકરમાં ૬ પટ્ટા રાખવા.
ફેરોમોન ટ્રેપ:
- ગળણી આકારના અને પ્લાસ્ટીકની લાંબી બાયવાળા ટ્રેપને ફેરોમોન ટ્રેપ કહે છે, આ ટ્રેપ
એગ્રોમાં
વેચાતા મળે છે.
- આ ટ્રેપમાં જીવાતને અનુરૂપ રબ્બરની ટોટી જેવી 'લ્યૂર' લગાવવાની હોય છે, આ લ્યૂરમાં ચોક્કસ પ્રકારની ગંધ આવતી હોય છે. આ ગંધ પારખીને જે તે જીવાતના નર ફૂદા આકર્ષાયને લ્યૂર ફરતાં ઉડે છે અને થાકીને પ્લાસ્ટીકની બાયમાં ફસાઈ જાય છે. ત્યાંથી તેનો નાશ કરવામાં આવે છે.
- લીલી ઇયળ, લશ્કરી ઇયળ, કાબરી ઇયળ, ગુલાબી ઇયળ, રીંગણની ફળકોરી ખાનાર ઇયળ, હીરાફૂદુ વગેરે માટે આ ટ્રેપ ઉપયોગી છે.
- આ ટ્રેપ જીવાતોની વસતિના નિરિક્ષણ તથા નિયંત્રણ બન્નેમાં ઉપયોગી છે.
મિથાઇલ યુઝીનોલ ટ્રેપ:
- મિથાઈલ યુજિનોલ ટ્રેપ પ્લાસ્ટિકનું નાનું બોક્સ હોય છે જેમાં સ્પોન્ઝ રાખવામાં આવે છે, આ સ્પોન્ઝને મિથાઈલ યુજિનોલ લગાવવામાં આવે છે. મિથાઈલ યુજિનોલથી ફળમાખીની નર આકર્ષાઈને આવી સ્પોન્ઝ પર બેસે છે.
- આ ટ્રેપ એગ્રોમાં વેચાતી મળે છે.
- એક એકરમાં 3 ટ્રેપ ઝાડની ડાળી પર લટકાવવી.
- આ ટ્રેપ ચીકુ, આંબા, જામફળ વગેરે પાકોમાં ફળમાખીના નિયંત્રણ માટે વાપરી શકાય.
સંકલિત વ્યવસ્થાપન પધ્ધતી-અન્ય ઉપાયો
સેન્દ્રીય ખાતર, ખોળ અને લીલો પડવાશ:
- ભરપૂર સેન્દ્રીય ખાતર, લીમડાનો ખોળ, એરંડાનો ખોળ કે કરંજનો ખોળ નાખવાથી કૃમીજન્ય રોગોમાં ઘટાડો થાય છે.
- લીલો પડવાશ કરવાથી ટ્રાઇકોડર્મા, બેસીલસ અને સ્યુડોમોનાસ જેવા સૂક્ષ્મજીવોની વસતિ
વધવાથી
જમીનજન્ય રોગોમાં ઘટાડો કરી શકાય છે.

પરભક્ષી, પરજીવી કિટકો છોડવા:
- લીલી ઇયળ, ગુલાબી ઇયળ તથા ગાભમારાની ઇયળના નુકશાનથી બચવા એકરે ૬૦ હજાર ટ્રાયકોગ્રામા ભમરી અઠવાડિયાના ગાળે પાંચ વખત છોડવી અને ડિસેમ્બરના પહેલા અને બીજા સપ્તાહમાં ૪ હજાર પ્રમાણે લીલી પોપટીની ઇયળો છોડવી.
- એપીરીકેનીયા મેલાનોલ્યૂકા નામના પરજીવીના ઈડા ૨ લાખ પ્રતિ હેકટર મે-જૂનમાં શેરડીમાં રાખવાથી પાયરીલાનું નિયંત્રણ કરી શકાય.