રોગ-જીવાત નિયંત્રણ માટે કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવોનો ઉપયોગ

વિભાવના

રોગ-જીવાતના અસરકારક નિયંત્રણના ભાગ રૂપે તેની યોગ્ય ઓળખ અને તેને આવતાં અટકાવવાની પદ્ધતિઓનો અમલ ખૂબ જરૂરી છે. આમ કરવાથી પાકમાં રોગ-જીવાતનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે. છતાં પણ અલગ-અલગ વિસ્તારોમાં, અલગ-અલગ સીઝનમાં, અલગ-અલગ પાકોમાં રોગ-જીવાત આવે છે. જેનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે, અન્યથા પાક ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે કે પાક નિષ્ફળ જાય છે.

જ્યારે પણ રોગ-જીવાત નિયંત્રણની વાત આવે છે ત્યારે સહજ રીતે મનમાં પાકમાં રાસાયણિક જંતુનાશક છાંટતા ખેડૂતનું ચિત્ર ઉપસે છે. રોગ-જીવાત નિયંત્રણ માટે કૃત્રિમ રસાયણોનો વિકલ્પ તો સૌથી અંતિમ ઉપાય તરીકે અપનાવવો જોઈએ. પરંતુ, યોગ્ય સમજના અભાવ કે ઉપાય અપનાવવાની કઠિનતા જેવી કારણોથી ખેડૂત કૃત્રિમ રસાયણોનો ઉપયોગ સૌ પ્રથમ જ અપનાવી લે છે. જેના કારણે મિત્ર જીવોને પારાવાર નુકસાન પહોંચે છે. સમય રહેતાં રોગકારકો અને જીવાતોએ ખેતીમાં વપરાતા કૃત્રિમ રસાયણો સામે પ્રતિકાર પણ કેળવી લીધો છે, આથી હાલમાં રોગ-જીવાતોનું નિયંત્રણ વધુ જટિલ બન્યું છે.

અહીં એવી કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી છે કે, જેમાં કુદરતી તત્વો અને સૂક્ષ્મજીવોના ઉપયોગથી રોગ-જીવાત નિયંત્રણ થઈ શકે છે. આ પદ્ધતિઓ પર્યાવરણની દૃષ્ટિએ સુરક્ષિત છે તથા આ પદ્ધતિઓનો ઉપયોગ કરતી વખતે અને તે પદ્ધતિ દ્વારા ઉત્પાદિત કૃષિ પેદાશોનો ઉપયોગ માનવ સ્વાસ્થ્ય માટે પણ વધુ સુરક્ષિત છે.

કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવોના ઉપયોગની અસરકારકતાને પ્રભાવિત કરતા મુદ્દા

  1. પાકને રોગ મુક્ત રાખવામાં માટીની તંદુરસ્તીની અગત્યની ભૂમિકા છે અને પાકને જીવાત મુક્ત રાખવાની જવાબદારી મિત્ર કીટકોની છે. જો માટી જ રોગકારકોથી ગ્રસ્ત હશે કે મિત્ર કીટકોની ઉણપ હશે તો કુદરતી તત્વો અને જીવાતોના ઉપયોગથી અસરકારક નિયંત્રણ મેળવવામાં સમય લાગશે. આથી સૌ પ્રથમ માટીની તંદુરસ્તી વધારવી અને મિત્ર કીટકોની વસતિ વધારવાની કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે.
  2. પાક જ્યારે ખેતરમાં નથી ત્યારે રોગકારકો અને જીવાતો વિવિધ સ્વરૂપે ખેતરની માટીમાં, શેઢાપાળીની માટીમાં કે શેઢાપાળીની વનસ્પતિમાં આશ્રય લે છે. કુદરતી તત્વો અને સૂક્ષ્મજીવોનો યોગ્ય ઉપયોગ તે સમયે તે સ્થાને કરવામાં આવે તો પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ આપોઆપ ઓછો થઈ જાય છે.
  3. વિવિધ પાકમાં રોગ-જીવાત માટે ભેગું કોઈ નિયત સમય કે તબક્કે પ્રગટ થતી હોય છે. રોગ-જીવાત પ્રગટ થાય તે પહેલાં કે તેની શરૂઆતની તબક્કે જો કુદરતી તત્વો અને સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ અસરકારક રહે છે. રોગ-જીવાતનો પાક પર ઉપદ્રવ વધી જાય ત્યારે આ પદ્ધતિઓ એટલી અસરકારક રહેતી નથી. મુશ્કેલી એ છે કે રોગ-જીવાત ઉગ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે ખેડૂત નિયંત્રણના પગલાં લે છે. આવી તબક્કે કુદરતી તત્વો અને સૂક્ષ્મજીવો તો ઠીક, કૃત્રિમ રસાયણો પણ નિયંત્રણ કરવામાં નિષ્ફળ જાય છે.
  4. જ્યારે સૂક્ષ્મજીવોનો રોગ-જીવાત નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે વખતના વાતાવરણની તે સૂક્ષ્મજીવો પર અસર થાય છે. ઊંચું તાપમાન, સૂકી હવા, સૂર્યની કિરણોની ઉગ્રતા વગેરે નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતા સૂક્ષ્મજીવો માટે અનુકૂળ આવતા નથી અને તે સૂક્ષ્મજીવો પોતાની વસતિ વધારી શકતા નથી. આથી આવા સમયે સૂક્ષ્મજીવો અસરકારક નિયંત્રણ આપવામાં નિષ્ફળ જાય છે.

આમ કુદરતી તત્વો અને સૂક્ષ્મજીવોના ઉપયોગ દ્વારા અસરકારક નિયંત્રણ મેળવવાના ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી બની જાય છે.

કુદરતી તત્ત્વો અને સૂક્ષ્મજીવો દ્વારા રોગ-જીવાતોનું નિયંત્રણ

આપણી આસપાસ મળી આવતા કયા કુદરતી તત્વો અને સૂક્ષ્મજીવો આપણે રોગ-જીવાત નિયંત્રણ માટે ઉપયોગ કરી શકીએ તેની ચર્ચા અહીં કરેલી છે. અહીં ચર્ચા કરેલી પદ્ધતિનો મોટા વિસ્તારમાં અમલ કરતાં પહેલાં નાના પાયે પ્રયોગ કરી તે પદ્ધતિથી પાક સુરક્ષિત છે કે નહીં તે ચકાસી લેવું અને સુરક્ષિત જણાય તો જ મોટા પાયે ઉપયોગ કરવો.

ગૌમૂત્ર

ગૌમૂત્રનો છંટકાવ રોગ-જીવાતના નિયંત્રણ માટે લાભકારી છે. 1 ભાગ ગૌમૂત્રને 9 ભાગ પાણીમાં ભેળવવું અને તેનો સાંજે છંટકાવ કરવો. મોટા પાયે વપરાશ કરતા પહેલાં તેની પાક પર આડઅસર ચકાસી લેવી.

રાખ

રાખ એ દરેક જગ્યાએ સરળતાથી મળી રહેતું કુદરતી તત્વ છે. રાખમાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષકતત્વો તો હોય જ છે, સાથે-સાથે રાખનો કરકરો સ્વભાવ પોચી ચામડીવાળી ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગીથાય છે. રાખ જ્યારે પોચી ચામડીવાળી જીવાતોના શરીર પર પડે છે ત્યારે તે તેમાં ઘસરકો પાડે છે. જેના કારણે જીવાતોના શરીરમાંથી પાણી ઓછું થઈ જતાં તેનું મરણ થાય છે.

રાખનો ઉપયોગ પાક ઉપર તથા તેની આસપાસની માટી ઉપર છંટકાવ કરીને કરી શકાય. નાનું વાવેતર હોય તો રાખ હાથ વડે છાંટી શકાય, થોડું મોટું વાવેતર હોય તો રાખ કંતાનની પોટલી વડે છાંટી શકાય. મોટા વિસ્તારમાં રાખનો છંટકાવ કરવા માટે પાવર ડસ્ટર કે ડ્રાય મિસ્ટ બ્લોઅરનો ઉપયોગ કરી શકાય. રાખ છંટકાવ કરતી વખતે જે સાધનનો ઉપયોગ કરવાનો હોય તે હોય તો રાખને સારી રીતે ચાળી લીધા બાદ છંટકાવમાં ઉપયોગમાં લેવી.

જ્યારે આપણે રાખની વાત કરીએ છીએ ત્યારે મુખ્યત્વે લાકડાની રાખની વાત કરીએ છીએ. પ્લાસ્ટિકનો કચરો, પૂંઠા, કાગળ કે કલર કરેલી લાકડાની રાખનો ઉપયોગ ખેતીમાં કરવો નહીં. કારણ કે તેમાં ઝેરના અવશેષો હોવાની શક્યતા છે, જે પાકને નુકસાન કરી શકે છે. રાખ સૂકી હોય ત્યારે જ જીવાત નિયંત્રણ તરીકે કાર્ય કરે છે, પરંતુ જો રાખ ભીની થઈ જાય તો તે જીવાત નિયંત્રણ તરીકે કાર્ય કરી શકતી નથી. રાખ સ્વભાવે ક્ષારીય અને ખારાશવાળી હોય છે. આથી રાખનો એસિડ પ્રિય પાક પર છંટકાવ કરવો નહીં તથા પાકની ઉગાવાની તબક્કે પણ છંટકાવ કરવો નહીં. રાખનો નાઇટ્રોજનવાળા કોઈપણ ખાતર સાથે મિશ્રણ કરીને પણ છંટકાવ કરવો નહીં કારણ કે આમ કરવાથી નાઇટ્રોજનનો ખૂબ મોટા પાયે વ્યય થશે. ક્ષારીય માટીમાં રાખનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કરવો.

દહીં

દહીંના ઉપયોગથી રોગ નિયંત્રણ કરવામાં મદદ મળે છે. તે માટે 1 કિલો દહીં લેવું અને તેને 3 થી 5 દિવસ સુધી રહેવા દેવું. આથી તેમાંમાંથી આલ્કોહોલની સુગંધ આવશે. આ 1 કિલો દહીંને હવે 30 લીટર પાણીમાં નાખી 15 મિનિટ સુધી મિશ્રણ કરતા રહેવું. આ રીતે તૈયાર થયેલા દ્રાવણનો સાંજે છંટકાવ કરવો. વધુ સારા પરિણામ મેળવવા દહીં રાખવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો.

લીમડો

લીમડાથી આપણે સૌ પરિચિત છીએ. લીમડાની લીલી પાન, સૂકા પાનનો ભૂકો, લીમ્બોળી, લીમ્બોળીનું તેલ, અને લીમ્બોળીનો ખોળ બધું જ વિવિધ પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી છે. લીમડાને જીવાત નિયંત્રક તરીકે વાત આવે ત્યારે લીમડામાં રહેલા અઝાદીરેક્ટીન તત્વની વિશેષ ચર્ચા જોવા મળે છે. લીમડામાં અઝાદીરેક્ટીન સિવાય પણ ઘણી બધી કુદરતી રાસાયણિક સંયોજનો છે જે ભેગા થઈ સમગ્ર રૂપે જીવાત નિયંત્રણનું કાર્ય કરે છે.

લીમડાના સૂકા પાનનો ભૂકો

લીમડાના સૂકા પાનનો ખૂબ જ ઝીણો ભૂકો કરીને રાખની જેમ જ તેનો ઉપયોગ કરી શકાય છે. ઘણી વખત લીમડાના સૂકા પાનનો ભૂકો અને રાખનું મિશ્રણ કરીને જીવાત નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે.

લીમડાના લીલા પાનનો નિચોડ

એક એકર માટેનું દ્રાવણ બનાવવા માટે 10 થી 12 કિલો લીમડાના તાજા લીલા પાનની ચટણી બનાવવી. આ ચટણીમાં 20 થી 25 લીટર પાણી ઉમેરી તેને મિશ્ર કરી 3 દિવસ સુધી રહેવા દેવું. ત્યારબાદ તેને ગાળી કે નીચોવી લેવું. આ રીતે મળેલા નિચોડમાં 9 ગણું પાણી ઉમેરવું અને તેનો છંટકાવ કરવો. સારો છંટકાવ મેળવવા તેમાં સાબુનું પ્રવાહી કે અરીઠાની છાલનું પ્રવાહી ઉમેરી શકાય. આ રીતે ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરી શકાય છે.

લીમ્બોળીના મીંજનો નિચોડ

અંગ્રેજીમાં તેને નીમ સીડ કર્નલ એક્સટ્રેક્ટ (NSKE) કહે છે અને તેનું 5% નું દ્રાવણ છાંટવાની ભલામણ કરવામાં આવે છે. લીમ્બોળીના મીંજમાંથી 5% કસ/અર્ક/નિચોડ બનાવી જંતુનાશક દ્રાવણ તૈયાર કરવાની રીત આ પ્રમાણે છે:

ઉનાળામાં લીમડાના વૃક્ષ ઉપર લીમ્બોળી પાકીને પીળી પડે ત્યારે ઝાડની ડાળીઓ હલાવીને લીમ્બોળીઓ એકઠી કરવી અથવા તે વૃક્ષ નીચે ખરી પડેલી પાકી લીમ્બોળીઓ ભેગી કરવી. પાકી લીમ્બોળીઓને પાણીમાં પલાળી છાલ અને માવો દૂર કરવો. ત્યારબાદ લીમ્બોળીના ઠળિયાઓને છાયામાં સૂકવવા. સૂકાઈ ગયેલા ઠળિયાઓનો સંગ્રહ શણની કોથળી કે લાકડાના ખોખામાં કરવો. પ્લાસ્ટિકની કોથળી કે પીપડામાં સંગ્રહ કરવાથી ફૂગ લાગતા ઠળિયાઓ સડીને બગડી જાય છે. જરૂર પડે ત્યારે ઠળિયાઓ તોડી તેના મીંજનો ઉપયોગ કરવો.

એક કિલો લીમ્બોળીના ઠળિયામાંથી આશરે 250 ગ્રામ જેટલો મીંજ નીકળે છે. સામાન્ય રીતે 5% લીમ્બોળીના મીંજના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. આથી 100 લીટરનું પ્રવાહી મિશ્રણ બનાવવું હોય તો 5 કિલો મીંજની જરૂર પડે.

લીમ્બોળીના મીંજનું દ્રાવણ બનાવવા માટે એક-એક કિલોની પાંચ ભાગ પાડી તેને મલમલના કપડામાં ઢીલી પોટલી બાંધી તેને 100 લીટર પાણીમાં 2 થી 3 કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ મીંજવાળી પોટલીને હાથથી બરાબર નીચોવવી. આમ કરવાથી મીંજમાં રહેલા કીટનાશી તત્વો ઓગળી પાણીમાં આવી જશે. જો મીંજ બરાબર સૂકવેલા ન હોય તો દ્રાવણ દૂધ જેવા સફેદ રંગનું બનશે. સૂકા મીંજમાંથી બનેલું દ્રાવણ ભૂરા રંગનું બનશે. આ રીતે તૈયાર કરેલા દ્રાવણને જાડા કપડાથી ગાળીને નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે સીધું જ ઉપયોગમાં લેવું.

લીંબોડીના મીજમાં રહેલા તૈલી પ્રદાર્થને સારી રીતે મિશ્ર કરવા માટે મોટી પિચકારીને દ્રાવણમાં બોળી દ્રાવણને શોષીને તે જ વાસણમાં પિચકારી ખાલી કરવી. આવી રીતે થોડીવાર કરવાથી તૈયાર થયેલું દ્રાવણ વધુ સારી રીતે મિશ્ર કરી શકાશે. મીજમાંથી દ્રાવણ તૈયાર કરતી વખતે અને દ્રાવણ તૈયાર થયા બાદ તેને ઉકાળવું નહીં. ઉકાળવાથી દ્રાવણમાં રહેલા કીટનાશી તત્ત્વોનો ઘટાડો કે નાશ થાય છે. હમેશા તાજા બનાવેલા દ્રાવણનો જ ઉપયોગ કરવો. દ્રાવણને પડી રહેવા દેવાથી તેમાં વિઘટનની પ્રક્રિયા થાય છે અને ખાસ પ્રકારની વાસ આવે છે. જેનાથી દ્રાવણના કીટનાશી ગુણમાં ઘટાડો થાય છે. લીંબોડીના મીજનુ દ્રાવણ પાકના દરેક ભાગ, ખાસ કરીને વૃધ્ધિ પામતા કુણા ભાગ, ઉપર બરાબર છાંટવું.

મીંજની કડવાશના કારણે ઇયળો તેમજ પુખ્ત ઢાલીયા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી અંતે મરણ પામે છે. ફુદા ઇંડા મુકવાનું પસંદ કરતા નથી. કીટકની વૃધ્ધિ અવરોધાય છે. ઇયળો માંદલી, નબળી તેમજ કોશેટાઓ વિકૃત બને છે. ફુદા વિકૃત અને નબળા બનતા તેની પ્રજનનશકિત ઘટે છે. આ દ્રાવણ ચૂસીયા પ્રકારની જીવાતો જેવી કે મોલો-મશી, તડતડિયા, સફેદ માખી, થ્રીપ્સ, પાન કથીરી વગેરે તથા પાન ખાનારી ઇયળોના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાય.

લીંબોડીનું તેલ

જીવાતોના નિયંત્રણમાં લીમ્બોળીના તેલનું 3% નું દ્રાવણ છાંટવાની ભલામણ કરવામાં આવે છે. લીમ્બોળીના તેલનો પાક પર છંટકાવ કરતાં પહેલાં તેને પાણીમય કરવું જરૂરી છે. અરીઠાની છાલની પાવડર વડે લીમ્બોળીના તેલને સરળતાથી પાણીમય કરી શકાય છે. લીમ્બોળીના તેલનું 3% પાણીમય દ્રાવણ બનાવવાની રીત આ પ્રમાણે છે:

પાંચ લીટરનું ખાલી વાસણ લેવું. તેમાં 3 લીટર સાદું પાણી લેવું. તેમાં 450 ગ્રામ અરીઠાની છાલનો પાવડર નાખવો. તેને ગરમ કરવું અને આખી રાત રહેવા દેવું. બીજા દિવસે સવારે તેને ગાળી લેવું. આમ અરીઠાવાળું પાણી તૈયાર થશે. હવે 10 લીટરની ક્ષમતાવાળું ખાલી વાસણ લેવું. તેમાં 2 લીટર અરીઠાવાળું પાણી લેવું અને તેમાં 3 લીટર લીમ્બોળીનું તેલ નાખવું. હવે અરીઠાવાળું પાણી અને લીમ્બોળીનું તેલ રસોડામાં વપરાતી હેન્ડી મિક્સર વડે 3 મિનિટ સુધી બરાબર મિશ્ર કરવું. આમ કરવાથી લીમ્બોળીનું તેલ ફાટી જશે અને જેનો જથ્થો હવે 5 લીટર થશે. આ 5 લીટર જથ્થાને 95 લીટર સાદા પાણીમાં સારી રીતે ભેળવવું અને છંટકાવ માટે ઉપયોગમાં લેવું. છંટકાવ કરતી વખતે પણ મિશ્રણને સતત હલાવતા રહેવું અન્યથા તેલ તરવા લાગશે.

અનુભવે જાણવા મળ્યું છે કે લીમ્બોળીના તેલનું 3% પાણીમય દ્રાવણ કેટલાક પાકની પાન બાળી નાખે છે. આથી મોટા પાયે પાક પર ઉપયોગ કરતાં પહેલાં પાકના નાનકડા વિસ્તાર પર છંટકાવ કરી તેની આડઅસર સંબંધિત સુરક્ષા તપાસી લેવી. જો પાક ઉપર આડઅસર જણાય તો તેમાં પાણીની માત્રા વધારવી. આમ કરતાં એ તકેદારી રાખવી કે દ્રાવણ જીવાત નિયંત્રણની ક્ષમતા ગુમાવી ન બેસે.

લીમ્બોળીનો ખોળ

લીમ્બોળીમાંમાંથી તેલ કાઢી લીધા બાદ જે બચે છે તેને લીમ્બોળીનો ખોળ કહે છે. લીમ્બોળીના ખોળમાં પોષકતત્વો સાથે-સાથે રોગ-જીવાત નિયંત્રણ કરવાના ગુણ પણ છે. લીમ્બોળીનો ખોળ માટીમાં ભેળવવાથી માટીજન્ય રોગકારક ફૂગ, બેક્ટેરિયા તથા માટીમાં આશ્રય લેનારી જીવાત ઉપર પણ નિયંત્રણ મેળવી શકાય છે.

આ સિવાય બજારમાં લીમડો એટલે કે નામ આધારિત વિવિધ ઉત્પાદનો મળે છે. જેની ચકાસણી કર્યા બાદ ઉપયોગ કરી શકાય.

દશપર્ણ - સપ્તપર્ણ - પંચપર્ણ નિચોડ

દશપર્ણ નિચોડ બનાવવાનો કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી. આપણી આસપાસ મળી આવતી વનસ્પતિ કે જે કોઈ ચોક્કસ રોગ-જીવાત નિયંત્રણનો ગુણ ધરાવે છે કે કોઈ વનસ્પતિ કે જેમાં ઝેર વિશેષ માત્રામાં હોવાથી પશુઓ તેને ખાતા નથી તથા લાભકારી ગુણો ધરાવતી ડુંગળી, લસણ, લીલી તીખી મરચી, આદુ, હળદર અને તમાકુને ગૌમૂત્ર તથા છાણ સાથે આથવણ કરી લાભકારી ગુણોને પાણીમય કરી શકાય છે. તેનો પાક ઉપર છંટકાવ કરવાથી રોગ-જીવાત નિયંત્રણ કરી શકાય છે.

આ માટે 20 લીટરની ડોલમાં ઉપર જણાવેલ વનસ્પતિનો ઝીણો કરેલો મસાલો કે ચટણી 3 કિલો, ગાયનું છાણ 1 કિલો, ગૌમૂત્ર 1 લીટર અને બાકીનું પાણી લેવું. તેમાં 30 દિવસ સુધી આથવણની પ્રક્રિયા થવા દેવી. આથવણની પ્રક્રિયા સારી રીતે થાય તે માટે તેને દરરોજ હલાવતા રહેવું. 30-40 દિવસ બાદ તેને નીચોવીને સારી રીતે ગાળી લેવું. આ રીતે તૈયાર થયેલા 5 થી 10 લીટર નિચોડને 90 થી 95 લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. મોટા પાયે વપરાશ કરતા પહેલાં તેની પાક પર આડઅસર ચકાસી લેવી. સારો છંટકાવ મેળવવા તેમાં સાબુનું પ્રવાહી કે અરીઠાની છાલનું પ્રવાહી ઉમેરી શકાય.

બોર્ડો મિશ્રણ

બોર્ડો મિશ્રણ એટલે મોરથુથુ અને ચૂનાનું ચોક્કસ પ્રકારે બનાવેલું દ્રાવણ. બોર્ડો મિશ્રણનો છંટકાવ ફૂગજન્ય રોગના નિયંત્રણમાં લાભકારી છે. સામાન્ય રીતે 1% સાંદ્રતાવાળું બોર્ડો મિશ્રણ છાંટવાની ભલામણ કરવામાં આવે છે.

1% સાંદ્રતાવાળું બોર્ડો મિશ્રણ બનાવવા માટે 100 લીટરની ક્ષમતાવાળું પ્લાસ્ટિકનું ડ્રમ લેવું. તેમાં 50 લીટર પાણી ભરવું અને 1 કિલો ચૂનો કે ચૂનાનો પાવડર ઓગાળવો. હવે બીજું 50 લીટરની ક્ષમતાવાળું પ્લાસ્ટિકનું ડ્રમ લેવું. તેમાં 50 લીટર પાણી ભરવું અને 1 કિલો મોરથુથુ કે મોરથુથુનો પાવડર ઓગાળવો. ચૂનો અને મોરથુથુ સારી રીતે ઓગળી ગયા બાદ મોરથુથુવાળું ડ્રમનું 50 લીટર પાણી ધીરે-ધીરે ચૂનાના પાણીવાળા ડ્રમમાં ઉમેરવું અને તે દરમિયાન તે દ્રાવણને બરાબર હલાવતા રહેવું. આ રીતે તૈયાર થયેલા દ્રાવણને પાક પર છંટકાવ કરતાં પહેલાં તે દ્રાવણમાં તાંબાના મુક્ત કણો છે કે કેમ તે ચકાસવું. જો દ્રાવણમાં વધુ માત્રામાં તાંબાના મુક્ત કણો હશે તો તે પાક માટે હાનિકારક છે. આ માટે લોખંડનું ચોખ્ખું ચપ્પુ કે દાતરડું કે દાઢી કરવાની બ્લેડને થોડી મિનિટો માટે દ્રાવણમાં ડૂબાડી રાખવી. બહાર કાઢ્યા બાદ જો તેની ઉપર રાતી-કથ્થઈ રંગની કાટ જેવી થર જોવા મળે તો તેમાં ચૂનો ઉમેરવો અને ફરીથી આવી ચકાસણી કરવી.

બોર્ડો મિશ્રણ તૈયાર થઈ ગયા બાદ તેનો તરત જ પાક પર છંટકાવ કરવો. બોર્ડો મિશ્રણનો સંગ્રહ કરવો નહીં કે સંગ્રહ થયેલા બોર્ડો મિશ્રણનો ઉપયોગ કરવો નહીં. બોર્ડો મિશ્રણ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવો નહીં. બોર્ડો મિશ્રણ સાથે અન્ય કોઈપણ રસાયણ મિશ્ર કરવું નહીં. સ્પ્રે પંપની નોઝલ અટકે નહીં તે માટે તૈયાર થયેલા બોર્ડો મિશ્રણને પાતળા કપડાથી ગાળી લેવું. બોર્ડો મિશ્રણનો છંટકાવ કરતી વખતે તેને સતત હલાવતા રહેવું. ગરમ દિવસોમાં બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવો નહીં. મોટા પાયે વપરાશ કરતા પહેલાં તેની આડઅસર ચકાસી લેવી.

જૈવિક રોગનાશકો અને જીવાતનાશકો

‘જીવો જીવસ્ય ભોજનમ્’ નામની ઉક્તિ પ્રમાણે કુદરતી રીતે નિયંત્રણમાં રહેતા રોગકારકોની સંખ્યાને નજર સમક્ષ રાખીને આવી પ્રક્રિયા વ્યવસ્થિત સ્વરૂપમાં ઉપયોગ કરી શકાય. આપણા પર્યાવરણમાં રહેલા રોગકારકો તથા જીવાતોના હાનિકારક તત્વોને અન્ય જીવંત સૂક્ષ્મજીવો દ્વારા નિયંત્રણમાં લાવવામાં આવે તેને જૈવિક નિયંત્રણ કહેવાય. જૈવિક નિયંત્રણ ઓછું ખર્ચાળ છે, એક કરતાં વધારે રોગ સામે અસરકારક છે, માટીની ફળદ્રુપતા વધારે છે, માટી બગડતી અટકે છે, પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે, રોગનું નિયંત્રણ લાંબા સમય સુધી કરી શકાય છે.

માટીમાં અનેક પ્રકારના ફાયદાકારક અને નુકસાનકારક સૂક્ષ્મજીવો જેવા કે ફૂગ, જીવાણું, વિષાણું અને પ્રકીર્ણ રહેલા હોય છે. તેમાં નુકસાનકારક (રોગકારક) પરોપજીવીઓનું અન્ય સૂક્ષ્મજીવો (જૈવિક ઘટકો) દ્વારા નિયંત્રણ જુદી-જુદી પ્રક્રિયાઓ દ્વારા થાય છે. માટીમાં સ્થાનિક વાતાવરણમાં રહેલા ઉપયોગી જૈવિક નિયંત્રકોની સંખ્યા અને અસરકારકતા જળવાઈ રહે તે માટે માટીમાં સેન્દ્રિય ખાતર તથા ખોળ નાખવો અને લીલો પડવાશ કરવો પડે. સ્થાનિક જૈવિક નિયંત્રકોની અસરકારકતા ઓછી થઈ જાય તો રોગકારકોની અસર પાકમાં જોવા મળે છે ત્યારે લક્ષ્ય રોગકારક સામે અસરકારક જૈવિક નિયંત્રકો બહારથી દાખલ કરવામાં આવે છે.

હાલમાં વિવિધ જૈવિક નિયંત્રકોનું વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ થયેલું છે. તેમાં અન્ય જૈવિક નિયંત્રકોની સરખામણીમાં ફૂગના જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગ વિષે ઘણું સંશોધન થયું છે. ઉદાહરણ તરીકે, ટ્રાયકોડર્મા, ગ્લિયોક્લેડિયમ વગેરે જે પાકમાં રોગ પેદા કરતી માટીજન્ય ફૂગ સ્ક્લેરોશિયમ, રાઈઝોક્ટોનિયા, ફ્યુઝેરિયમ, ફાઈટોફ્થોરા અને પીથિયમ સામે અસરકારક છે. જ્યારે જીવાણુઓમાં બેસીલસ, સ્યુડોમોનાસ અને એક્ટીનોમાઈસીસની વિવિધ જાતો પાન અને મૂળના રોગ સામે અસરકારક છે.

જૈવિક નિયંત્રકોને સેન્દ્રિય ખાતર સાથે ભેળવીને માટીમાં ઉમેરવું, બીજ, ગાંઠ કે ડાંઠ માવજત કરીને, ટુવા આપીને (ડ્રેન્ચિંગથી), પિયત સાથે અને છંટકાવ કરીને રોગ-જીવાત નિયંત્રણમાં ઉપયોગ કરી શકાય છે. જૈવિક નિયંત્રકો જ્યારે માટીમાં નાખવામાં આવે છે ત્યારે માટીનો પ્રકાર, માટીનું તાપમાન, સૂકી કે ભીની માટી, છોડના મૂળ તથા માટીમાં રહેલા સ્થાનિક સૂક્ષ્મજીવો અને છોડમાંથી ઉત્પન્ન થતા રસાયણો જૈવિક નિયંત્રકોની અસરકારકતાને અસર કરે છે. ઋતુ અને ખેતી કાર્યો પ્રમાણે છોડ અને માટીના સૂક્ષ્મ વાતાવરણમાં પણ ફેરફાર થાય છે, જે જૈવિક નિયંત્રકોની કામ કરવાની ક્ષમતાને અસર કરે છે. પાંદડાની સપાટી પર લક્ષ્ય પોષકતત્વોનો છંટકાવ કરીને અને માટીમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરીને સૂક્ષ્મજીવોની સક્રિયતામાં વધારો કરી શકાય છે. જરૂરી માપ કરતાં વધુ રાસાયણિક ખાતરો તથા ફૂગનાશકોનો વારંવાર ઉપયોગ જૈવિક નિયંત્રકોની પ્રક્રિયાને માઠી અસર કરે છે. જૈવિક નિયંત્રકો લાંબા સમય સુધી જીવંત અને અસરકારક રહે તે માટે યોગ્ય ખેતીકાર્યો, પાકની પસંદગી, લીલો પડવાશ, સેન્દ્રિય ખાતર તથા ખોળના ઉપયોગનું આયોજન કરવાથી પાકોમાં આવતી રોગોની માત્રા ઘટાડી શકાય તથા માટીની ફળદ્રુપતા જાળવી શકાય છે.

બજારમાં મળતા વિવિધ જૈવિક નિયંત્રકોની સંક્ષિપ્ત વિગત આ પ્રમાણે છે:

જૈવિક ફૂગ નિયંત્રણ

જૈવિક કીટ નિયંત્રણ

જૈવિક ઈયળ નિયંત્રણ

જૈવિક નેમાટોડ નિયંત્રણ

જૈવિક માઈટ નિયંત્રણ

વિડિઓ માર્ગદર્શન

સંપૂર્ણ માહિતી પીડીએફમાં

આ લેખની વધુ વિગતો અને ચિત્રો માટે પીડીએફ ડાઉનલોડ કરો.

પીડીએફ ડાઉનલોડ