માટી અને પિયતના પાણીના નમુના લેવાની વૈજ્ઞાનિક રીત

વિભાવના

માટીમાં બીજ રોપ્યા બાદ તેને વરસાદ કે પિયતના પાણીનો ભેજ મળવાથી બીજમાંથી છોડનો વિકાસ થાય છે. છોડનો વિકાસ કેવો થશે તેનો આધાર માટી અને પિયતના પાણીની ગુણવત્તા ઉપર છે. માટી અને પિયતના પાણીની ગુણવત્તા તેની ચકાસણી કરાવીને જાણી શકાય છે.

માટીની ફળદ્રુપતા એ માટીના બંધારણ, માટીના રાસાયણિક ઘટકો અને માટીમાં રહેલા સૂક્ષ્મજીવોની નિપજ છે. પરંતુ, જ્યારે સામાન્ય વ્યવહારમાં આપણે માટીની ચકાસણી કરાવીએ છીએ તે માત્ર અને માત્ર માટીના રાસાયણિક ઘટકોની જ ચકાસણી છે અને બોલચાલની ભાષામાં તેને જમીન ચકાસણી કહે છે.

માટી અને પિયતના પાણીની ચકાસણી પ્રથમ વખત કરાવવાથી ખ્યાલ પડે છે કે…

  • માટીમાં ખારાશ અને પી.એચ. સબંધી સમસ્યા છે કે કેમ?
  • માટીમાં જરૂરિયાત મુજબના પોષકતત્વોની પૂર્તતા કે ઉણપ અંગેનો આપણને ખ્યાલ પડે છે.
  • માટીમાં મુખ્ય, ગૌણ અને સૂક્ષ્મતત્ત્વોની લભ્યતાને આડઅસર કરતાં પરિબળો વિશે જાણવા મળે છે.
  • પિયતના પાણીમાં ખારાશ સબંધી સમસ્યા છે કે કેમ?
  • પિયતના પાણીમાં ખેતી માટે હાનીકારક રસાયણોની હાજરી છે કે કેમ?
  • માટી અને પિયતનું પાણી ખેતીના કયા પાકો માટે અનુકૂળ છે અથવા નથી તે જાણી શકાય છે.
  • માટી અને પિયતના પાણીની સમસ્યા અંગે જો ચોક્કસ જાણકારી હોય તો તેને સુધારવા યોગ્ય ઉપાય કરી શકાય છે.

માટીનું ધોવાણ થવાથી, માટીમાં એકનો એક પાક વારંવાર લેવાથી, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના વપરાશથી, નબળી ગુણવત્તાવાળા પાણીનું પિયત તરીકે ઉપયોગ કરવાથી - માટીનું ભૌતિક, રાસાયણિક અને જૈવિક બંધારણ બદલાતું રહે છે.

પિયત માટે જયાં પણ ભૂગર્ભજળનો વપરાશ કરવામાં આવે છે તે ભૂગર્ભજળની ભૂગર્ભના પથ્થરો, દરિયાના પાણી તથા વરસાદ સાથે સતત પ્રક્રિયા થતી હોય છે. આથી ભૂગર્ભજળની ગુણવત્તા પણ બદલાતી રહે છે. આથી જરૂરી છે કે માત્ર પ્રથમ કે એક વખત માટી અને પિયતના પાણીની ચકાસણીથી આગળ વધી સમયાંતરે માટી અને પિયતના પાણીની ચકાસણી કરાવવી જોઇએ. જો શક્ય હોય તો દરેક સિઝનમાં પાક લેતા અગાઉ માટી અને પિયતના પાણીની ચકાસણી કરાવવી જોઈએ, અન્યથા વર્ષમાં એક વખત ચોમાસું પાક લેતા પહેલા માટી અને પિયતના પાણીની ચકાસણી અચુક કરાવવી જોઇએ.

માટીના નમુના લેવાની રીત

કોઇપણ ખેતર એક સરખું સમતળ હોતું નથી અને તેમાં રહેલી માટીની ફળદ્રુપતા પણ એક સરખી હોતી નથી. આથી માટીનો નમુનો એ રીતે લેવો જોઇએ કે તે આખા ખેતર કે તેના કોઇ એક ચોક્કસ ભાગનું પ્રતિનિધિત્વ કરતું હોય. આ માટે જે કોઈપણ ખેતરમાંથી માટીનો નમુનો લેવાનો છે, ત્યાં માટીના બંધારણ, માટીનો રંગ, અગાઉ લીધેલા પાક વગેરેના આધારે ખેતરનું એકથી વધુ વિભાગમાં વિભાજન કરવું કે જેથી દરેક વિભાગ એકરૂપ હોય.

એકરૂપતા સબંધી વિભાજનના ઉદાહરણો:

  • એક ખેતરના એક ખૂણામાં રેતાળ માટી છે અને બીજા ખૂણામાં ગોરાડું કે ચીકણી માટી છે.
  • કોઇ ખેતરમાં એક ભાગમાંથી વર્ષો-વર્ષ માટીનું પાણી વડે ધોવાણ થાય છે.
  • ખેતરનો એક ભાગ પિયત છે અને બીજો બિન-પિયત છે.
  • ખેતરના એક ભાગમાં બાગાયતી પાકો છે અને બીજા ભાગમાં ક્ષેત્રીય પાકો છે.
  • આગલી સીઝનમાં ખેતરના એક ભાગમાં મગફળીનું વાવેતર હતું અને બીજા ભાગમાં બાજરીનું વાવેતર હતું.
  • ખેતરનો એક ભાગ લગભગ સમતળ છે અને બીજો ભાગ વધુ ઢાળવાળો છે.
  • ખેતરના એક ભાગમાં માટીનો ધડો ઊંડે સુધી છે અને બીજા ભાગમાં માટી છીછરી કે પથ્થરવાળી છે.
  • એક ભાગમાં રાસાયણિક ખેતી થાય છે અને બીજા ભાગમાં સજીવખેતી થાય છે.
  • એક ભાગમાં કમ્પોસ્ટ ખાતર નાખેલું છે કે લીલો પડવાશ કરેલો છે અને બીજા ભાગમાં આવું કશું નથી.

જે તે વિભાગમાં સાપની જેમ ઝીંગ-ઝાગ (Zig-Zag) ચાલીને વિવિધ સ્થળ પરથી નમુના લેવા જોઈએ.

ક્યાંથી નમૂનો ન લેવો?
  • માટીનો નમુનો ઝાંપા, રસ્તા, શેઢા કે મકાન પાસેથી ન લેવો.
  • કમ્પોસ્ટ ખાતરના ઢગલા હોય ત્યાંથી ન લેવો.
  • વૃક્ષની નીચેથી અને ખેતરમાં કશુંક સળગાવેલું હોય ત્યાંથી પણ માટીના નમુના ન લેવા.

નમૂનો લેવાની પદ્ધતિ

જે સ્પોટ પરથી નમુનો લેવાનો છે ત્યાં ઉપરની માટી હાથથી હટાવીને કોદાળી વડે 'વી' (V) આકારનો ૬ ઇંચ થી ૯ ઈંચ ઊંડો ખાડો કરવો અને ખાડાની બધી જ માટી કાઢી નાખવી. ત્યારબાદ કોદાળી વડે ખાડાને ઉપરથી નીચેની તરફ ખાંપવું. હવે ખાડામાં એકત્ર થયેલી માટીમાંથી અંદાજે ૨૦૦ ગ્રામ જેટલી માટી પ્લાસ્ટિકની ડોલમાં ભરી લેવી.

એકત્ર માટીને સારી રીતે મિશ્ર કરવી, ડાંખળા, મુળીયા કે પાંદડા વગેરેને હાથથી વીણીને દૂર કરવા. ત્યારબાદ માટીને છાંયડાવાળી જગ્યાએ છાપા પર પાથરી કુદરતી હવામાં સુકાવા દેવી (સુકવવા તાપ કે પંખાનો ઉપયોગ કરવો નહી). ત્યારબાદ આ માટીને ચાળણી વડે ચાળીને તેમાંથી અંદાજે ૫૦૦ ગ્રામ (૨ ગ્લાસ) જેટલી માટી પ્લાસ્ટિકની થેલીમાં ભરવી.

લેબલની અગત્યતા

માટીના નમુનાની થેલી ઉપર યોગ્ય લેબલ મુકવું ખૂબ જરૂરી છે. લેબલના કારણે પ્રયોગશાળાને ખ્યાલ પડે છે કે અહેવાલ કોને મોકલવાનો છે, શું ચકાસવાનું છે અને કયા પાક માટે ખાતરની પૂર્તતા દર્શાવવાની છે. જો એક ખેતરના એકથી વધુ વિભાગના નમુના લીધા હોય, તો લેબલ પર તે દર્શાવવું અને જરૂર પડે તો ખેતરનો કાચો નકશો બનાવવો.

Soil Label Details

ચિત્ર ૬: નમૂના પર લગાવવાનું લેબલ

માટીનો નમુનો ક્યાંથી, કેટલી ઉંડાઈએથી અને ક્યારે લેવો?

પાકના મુળના તંતુઓ માટીમાંથી પોષણ ઉપાડે છે. આથી માટીમાં જ્યાં મુળના તંતુઓ હોય ત્યાંથી જ માટીનો નમુનો લેવો હિતાવહ છે. દરેક પાકના મુળની રચના, ફેલાવો અને ઊંડાઇ અલગ હોય છે.

📋 આ કોષ્ટક PDF માં ઉપલબ્ધ છે. PDF ડાઉનલોડ કરવા નીચે આપેલ બટન દબાવો.

પિયતના પાણીનો નમુનો લેવાની રીત

બોર-કૂવા ના પાણીની ગુણવત્તા વરસાદ અને વપરાશથી બદલાતી રહે છે. આથી વર્ષમાં ૨ વખત (ચોમાસા પછી અને ઉનાળામાં) પાણીની ચકાસણી કરાવવી જોઈએ. બજારમાં મળતા પેન ટાઈપના TDS મીટર થી દર મહિને પાણીની ખારાશ જાતે પણ માપી શકાય છે.

નમૂનો લેવાની સાચી પદ્ધતિ: હંમેશા તાજા પાણીનો નમુનો લેવો. કુંડીમાંથી કે લાંબો સમય ભરાઇ રહેલા હોય તેવા પાણીનો નમુનો ન લેવો. ચાલુ બોર-કૂવામાંથી પાણીનો નમુનો લેવા માટે મોટરને ૩૦ મિનીટ સુધી ચલાવીને ત્યારબાદ જ નમુનો લેવો. પ્લાસ્ટિકની બોટલને તે જ પાણીથી ત્રણવાર વીંછળીને ૫૦૦ મી.લી. થી ૧ લીટર પાણી ભરવું.

ચકાસણી ક્યાંથી કરાવવી?

  • ગુજરાત સરકારના ખેતીવાડી ખાતાની જિલ્લા લેબોરેટરી.
  • જીએસએફસી (GSFC) ના ખાતર ડેપો.
  • ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) સેન્ટર્સ.
  • ખાનગી પ્રમાણિત લેબોરેટરીઓ.

વધુ માહિતી માટે PDF ડાઉનલોડ કરો

03. માટી અને પિયતના પાણીના નમુના લેવાની રીત.pdf

ડાઉનલોડ કરો