વિભાવના
ખેતીની શરૂઆત ૧૦,૦૦૦ વર્ષ કરતાં પણ પહેલાં થઇ હોય તેવું જાણવા મળે છે. માનવ સભ્યતાના વિકાસમાં ખેતીએ પાયામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. વર્ષો અગાઉ પણ ખેતીના પાકો રોગ-જીવાત દ્વારા થતાં નુકશાનનો સામનો કરતા આવ્યા છે.
ભારતમાં આધુનિક ખેતીની શરૂઆત હરિયાળી ક્રાંતિના આગમનથી થઈ, તે પહેલા આપણા દેશમાં પરંપરાગત ખેતી જ થતી હતી. હરિયાળી ક્રાંતિમાં વધુ ઉત્પાદન આપતી સંકર જાતોનો વપરાશ થયો અને સાથે-સાથે રાસાયણિક ખાતર અને પિયતનો વપરાશ વધ્યો. વધુ પડતા રાસાયણિક ખાતરો અને પિયતના ઉપયોગના કારણે સમય સાથે રોગ-જીવાતનું પ્રમાણ પણ વધતું ગયું. જેને નિયંત્રણમાં રાખવા રાસાયણિક જંતુનાશકો અને ફૂગનાશકો વાપરવાની ફરજ પડી. સમય સાથે રોગકારકો અને જીવાતોએ રાસાયણિક જંતુનાશકો અને ફૂગનાશકો સામે પ્રતિકારક શક્તિ વિકસાવવી લીધી. જેને કારણે ખેડૂતોને નવા-નવા જંતુનાશકો અને ફૂગનાશકો વધારે પ્રમાણમાં વપરાશ કરવાની ફરજ પડી. પરિણામ સ્વરૂપે ખેતીમાં ખર્ચ વધ્યો, જમીન પ્રદૂષિત થઇ, વાતાવરણ પ્રદૂષિત થયું, ખોરાકમાં જંતુનાશકોના અવશેષો આવ્યાં, માનવ અને પશુઓમાં વિવિધ બિમારીઓ વધી.
ખેતીમાં રોગ-જીવાત વધવાના કારણો
- માત્ર વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવવાની ઘેલછા વધવી.
- જંગલ કાપવાને કારણે જંગલના જીવોનો ખેતીમાં આશરો લેવો.
- એક ને એક પાકનું વારંવાર વાવેતર તે પાકમાં નભતા જીવોના જીવનચક્રને તોડતું નથી.
- રાસાયણિક ખાતરોનો વધુ પડતો વપરાશ કરવો.
- પ્રમાણ-માપ કરતાં વધારે રાસાયણિક જંતુનાશકો અને ફૂગનાશકોનો વપરાશ કરવો.
- રોગ-જીવાતોનું રસાયણના ઉપયોગ દ્વારા નિયંત્રણ કરવાના સતત પ્રયાસને કારણે રસાયણોનો પ્રતિકાર કરતી રોગ-જીવાતની જાતોનો વિકાસ થવો.
- વધુ પડતી પિયત કરવી.
- મિત્ર જીવોની સંખ્યામાં ધરખમ ધટાડો થવો.
- જૈવ વિવિધતામાં ઘટાડો થવો.
- જળવાયુ પરીવર્તનની ખેતીની પ્રક્રિયા ઉપર અવળી અસર થવી.
રોગ અને જીવાત
પાકને થતા નુકશાનને બોલચાલની ભાષામાં રોગ-જીવાતના નુકશાન તરીકે સંબોધવામાં આવે છે. પરંતુ, રોગ અને જીવાત બન્ને અલગ-અલગ છે.
પાકને નરી આંખે ન દેખાતા સૂક્ષ્મજીવો જેવા કે, વાઇરસ, બેકટેરિયલ, ફૂગ, આલ્ગી, નીમેટોડ વગેરેથી નુકશાન પહોંચે છે, જેને પાકના રોગ તરીકે ઓળખવામાં આવે છે. જેને કારણે રોગ થાય છે તે રોગકારક તરીકે ઓળખાય છે. જયારે પાકને નરી આંખે દેખાતા કે ન દેખાતા સંધીપાદ સમુદાયના (ત્રણ જોડી પગવાળા) જીવો અને કરોળીયા વર્ગના (ચાર જોડી પગવાળા) જીવો છોડનો રસ ચુસીને કે ખાઈને નુકશાન કરે છે, જેને જીવાત તરીકે ઓળખવામાં આવે છે.
અહીં એ સમજવું જરૂરી છે કે, બધાજ બેકટેરિયા, ફૂગ કે જીવાતો પાક માટે નુકશાનકારક નથી. તેમાંના કેટલાક પાકને નુકશાન કરનાર રોગોકારક અને જીવાતને વિવિધ રીતે નુકશાન પહોંચાડીને પાકને બચાવવામાં મદદ કરે છે. જેને આપણે મિત્ર જીવ તરીકે ઓળખીએ છીએ. જેના આધારે બાયો કંટ્રોલ વ્યવસ્થા પાકમાં જોવા મળતી જીવાત અસ્તિત્ત્વમાં આવી છે. આ સિવાય મધમાખી કે જે એક કીટક છે, તે પાકને કોઇપણ પ્રકારના નુકશાન કર્યા વગર પરપરાગનયન દ્વારા ફલીનીકરણ કરીને ફાયદો પહોંચાડે છે.
રોગકારકના નુકશાનથી રોગની ઓળખ
રોગકારકને જોઇ શકાતા નથી, પરંતુ તેમના દ્વારા થયેલી નુકશાનીના ચિન્હોના આધારે કયો રોગ છે તે નક્કી કરવું પડે છે તથા તેના માટે જવાબદાર રોગકારક કોણ છે તે પણ નક્કી થાય છે. તો ચાલો, ચિન્હોના આધારે રોગ અને તેના કારકો વિશે સમજ કેળવીએ.
મુળને થતું નુકશાનઃ વનસ્પતિના મુળને રોગકારકો દ્વારા ત્રણ રીતે નુકશાન થતું હોય છે. છોડ મુળ દ્વારા માટીમાંથી પોષણ મેળવે છે. આ પ્રક્રિયામાં જયારે રોગકારક દ્વારા મુળને નુકશાન થાય છે ત્યારે તેની અસર આખા છોડમાં જોવા મળે છે. નુકશાન થવાની શરૂઆત થતાં છોડનું તેજ ફિક્કું પડતું જાય છે અને ધીરે-ધીરે છોડ સૂકાઈને મરણ પામે છે.
- મુળમાં ગાંઠો પડવીઃ આ માટે નીમેટોડ એટલે કે કૃમી જવાબદાર છે. નીમેટોડ છોડના મુળમાંથી રસ ચુસવા સાથે મુળમાં દાખલ થઇ જાય છે. જેને કારણે મુળમાં વચ્ચો-વચ્ચ ગાંઠોનુ સર્જન થાય છે. છોડને મુળ સહિત ઉખેડવામાં આવે છે તયારે તે ગાંઠો સ્પષ્ટરૂપે જોઈ શકાય છે. આ ગાંઠો રાઈઝોબીયમની ગાંઠોથી એ રીતે અલગ પડે છે કે રાઈઝોબીયમની ગાંઠો મુળની એક તરફ ચોટેલી હોય છે, જયારે નીમેટોડને કારણે થતી ગાંઠો મુળની વચ્ચો-વચ્ચ થતી હોય છે. ટમેટા, મરચાં અને રીંગણ જેવા શાકભાજીના પાકો અને દાડમ જેવા બાગાયતી પાકોના મુળમાં થતી ગાંઠો માટે ગંઠવા કૃમિ રોગકારક જવાબદાર હોય છે.
- મુળનું કોહવાઈ જવું એટલે કે સડી જવું: પાણી ભરાવાના કારણે થતો આ ફૂગજન્ય રોગ છે. આ રોગમાં છોડના મોટાભાગના મુળના તંતુઓ અને શાખા મુળો સડી જાય છે. જેને કારણે છોડ સૂકાઈ જાય છે. જયારે આવા સૂકાયેલા છોડને માટીમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવે ત્યારે તે સૂકાયેલો છોડ ખૂબજ સરળતાથી ખેંચાઈ આવે છે, કારણ કે છોડના મુળે માટીમાં પક્કડ ગુમાવી દીધી હોય છે. કપાસ અને એરંડા જેવા પાકોના મુળમાં થતો કોહવારો તથા મગફળી અને ટમેટા જેવા પાકમાં જોવા મળતો મુળનો સડો આ રોગનું ઉદાહરણ છે.
- મુળનો સૂકારોઃ મુળનો સૂકારો પણ ફૂગજન્ય રોગ છે. જેમાં ફૂગ માટીમાંથી છોડના મુળમાં દાખલ થાય છે અને મુળની જે પેશીઓ પાણી અને પોષણ છોડમાં ઉપર પહોચાડે છે ત્યાં આ ફૂગ પોતાનો અડ્ડો જમાવી તે પાણી અને પોષણ ઉપર જતું અટકાવે છે. જેને કારણે છોડ સૂકાવા લાગે છે. આ રીતે સૂકાયેલા છોડને માટીમાંથી ખેંચવામાં આવે ત્યારે તે ખૂબ મહેનત કરવા છતાં પણ માટીમાંથી ખેંચીને કાઢી શકાતું નથી. આવા છોડ મુળને જયારે ઉભા ચીરવામાં આવે છે ત્યારે વચ્ચેની નસ કાળી કે ભૂખરા રંગની થઇ ગયેલી જોવા મળે છે. કપાસ, એરંડા, ટમેટા, મરચાં, દાડમ, જીરૂં અને મકાઇ જેવા પાકોના મુળમાં જોવા મળતો સૂકારો તથા મગફળીના પાકમાં જોવા મળતી સફેદ ફૂગ મુળના સૂકારાના ઉદાહરણ છે.
થડ અને ડાળીને થતું નુકશાનઃ રોગકારકો થડ અને ડાળી ઉપર અલગ-અલગ ત્રણ જગ્યાએ નુકશાન પહોંચાડે છે. નુકશાન જો થડમાં હોય તો તેની અસર આખા છોડ ઉપર પડે છે. પરંતુ, જો નુકશાન ડાળી ઉપર હોય તો તેની અસર જે-તે ડાળી ઉપર જ થાય છે.
- થડ માટીને જયાં અડે છે ત્યાં કોહવારો લાગુ પડવોઃ આ ફૂગજન્ય રોગ છે. જેમાં ફૂગ માટીમાંથી
મુખ્ય થડમાં દાખલ થાય છે અને મુખ્ય થડ માટીને જયાં અડે છે ત્યાથી તે સડવા લાગે છે. જેને
કારણે સમગ્ર છોડ મરી જાય છે. આ ચિન્હને અંગ્રેજીમાં કોલાર રોટ કહે છે, જે મોટેભાગે
શાકભાજીના ધરૂવાડીયામાં જોવા મળે છે. કપાસ, એરંડા, ટમેટા અને મરચાંમાં થતો થડનો કોહવારો
તથા મગફળીમાં થતો ઉગસૂકનો રોગ તેના ઉદાહરણો છે.
- ડાળીની ટોચનું સૂકાવવુંઃ મોટેભાગે આ ફૂગજન્ય રોગ છે. જેમાં છોડ કે વૃક્ષની ડાળીઓ ઉપરથી
નીચેની તરફ સૂકાવા લાગે છે. ડાળી કાળી પડી જાય છે તેના પરના પાન ખરી પડે છે. તેને કારણે
નવી ફુટનો વિકાસ રૂંધાય છે. આંબાના વૃક્ષમાં થતો ડાયબેક નામનો રોગ તેનું ઉદાહરણ છે.
- છોડ કે વૃક્ષના મધ્યભાગના થડ કે ડાળીમાં નુકશાન થવું: કેટલાક સંજોગોમાં થડમાં ફાટ પડે
છે અને તેમાંથી ગુંદર જેવું ચીકણું પ્રવાહી જરે છે. જેને ગમોસીસ કહે છે. આંબાના
વૃક્ષમાં થતો કાલવર્ણ અને લીંબુમાં થતો ગુંદરીયો રોગ આવા પ્રકારના નુકશાનના ઉદાહરણ છે.
પાનને થતું નુકશાનઃ વિવિધ રોગકારકો છોડના પાનમાંથી પોષણ મેળવે છે અને પાનના કેટલાક ભાગને કે આખા પાનને સૂકવી નાખે છે. પાન એ છોડનું રસોડું છે. પાન જે પ્રકાશસંશ્લેષણ કરે છે તે ખોરાક તરીકે બીજ કે ફળમાં સંગ્રહ થાય છે. આથી જયારે પાનને નુકશાન પહોંચે છે ત્યારે છોડની ઉત્પાદન ક્ષમતામાં મોટા પાયે ઘટાડો થાય છે. પાન પર થતા ટપકાના દેખાવના આધારે તેને બે ભાગમાં વિભાજિત કરી શકાય.
- ગોળ કે નિયમીત આકારના ટપકાં: ફૂગ કે આલ્ગી દ્વારા જયારે પાનને નુકશાન થાય છે ત્યારે
શરૂઆતના તબ્બકામાં તે નુકશાન પીળા કે આછા કથ્થાઇ રંગના ગોળ કે નિયત આકરના ટપકાં સ્વરૂપે
જોવા મળે છે. સમય જતાં આ ટપકાં મોટા થઇને ભેગા થઇ જાય છે અને પાનની કોશીકોઓ મરી જવાને
કારણે તે ભાગનું પાન સૂકાવા લાગે છે. રોગ ગંભીર સ્તરે પહોંચે ત્યારે આખું પાન જ સૂકાઇ
જાય છે. આબા, કપાસ, રીંગણમાં થતા પાનના ટપકાં, કેળામાં આવતો લીફ સ્પોટ તથા મગફળીમાં
જોવા મળતો ટીક્કાનો રોગ તેના ઉદાહરણો છે.
- અનિયમીત આકારના ટપકાંઃ બેકટેરિયા દ્વારા જ્યારે પાનને નુકશાન થાય છે ત્યારે પાન ઉપર
પડતા ટપકાં અનિયમીત આકારના હોય છે. ટપકાંની વચ્ચેની કોશીકાઓ મરી જવાના કારણે સૂકાઇ જાય
છે અને તે ખરી પડે છે, જેને કારણે પાનમાં કાણાં જોવા મળે છે. કપાસ, એરંડામાં બેકટેરિય
બ્લાઈટ અને બટેકામાં જોવા મળતો પાનના ટપકાંનો રોગ બેકટેરિયા દ્વારા પાનમાં થતાં
નુકશાનના ઉદાહરણ છે.
ફૂલ-ફળને થતું નુકશાનઃ રોગકારકો દ્વારા ફૂલ એટલે કે પુષ્પ-પુષ્પગુચ્છ, ફળ જોડાણ ડાળ અને દાણા કે ફળને નુકશાન થતું હોય છે. આ નુકશાન અન્ય નુકશાન કરતાં ગંભીર પ્રકારનું છે કારણ કે, આ નુકશાન આર્થિક ઉપાર્જન જેનાથી થવાનું છે તેને પ્રત્યક્ષ રૂપે આડ અસર કરે છે. જેમાં ફૂલ-ફળનું ખરી પડવું અને તેની ગુણવત્તામાં ઘટાડો થવો સામેલ છે.
- ફૂલ કે પુષ્પ અને પુષ્પગુચ્છને થતું નુકશાનઃ અહી રોગકારકોને કારણે ફૂલનું સૂકાવું કે
ખરી પડવું કે ફળ નાના હોય તે અવસ્થાએ ફળનું ખરણ થવું મુખ્ય છે. કેટલીક વખત
પુષ્પગુચ્છમાં દાણા બેસવાને બદલે અન્ય પ્રકારની વિકૃતીનો વિકાસ દેખાય છે, જે માટે ફૂગ
કે અન્ય દેહધાર્મીક વિકૃતી પણ જવાબદાર હોઇ શકે છે. આ તબક્કે થયેલું નુકશાન ઓછું હોય તો
પણ સમય જતાં આ નુકશાનના ચિન્હ દાણા કે ફળ ઉપર પણ જોવા મળતા હોય છે. ફળ-વૃક્ષમાં
કાલવર્ણ, અને રાઇ, ધાણા, વરિયાળી, જીરૂં, આંબા. ટમેટા, મરચાંમાં ભૂકીછારાનો રોગ ફૂગને
આભારી છે જયારે તલમાં જોવા મળતો પર્ણગુચ્છ નામક રોગ ફૂગ કે પ્લાઝમા દ્વારા થતો હોય છે.
- ફળ જોડાણ સ્થળે નુકશાનઃ કેટલીક વખત રોગકારકો દ્વારા ડાળી અને ફળનુ જયાં જોડાણ થતું હોય
છે તે સ્થળે નુકશાન થતું હોય છે. જેને કારણે ફળનો વિકાસ રૂંધાઈ જાય છે અને અપરિપકવ ફળ
ખરી પડે છે. કેટલીક વખત આ નુકશાનના ચિન્હો ફળ પર પણ જોવા મળે છે. લીંબુ વર્ગના પાકો,
આંબા અને નાળિયેરીમાં જોવા મળતો ફૂગજન્ય રોગ સ્ટેમ એન્ડ રોટ તેનું ઉદાહરણ છે.
- દાણા કે ફળને થતું નુકશાનઃ છોડ કે વૃક્ષમાં સૌથી વધુ પોષણ અહીં હોય છે, જેને કારણે
રોગકારકો પણ અહીં વધુ આકર્ષાય છે. રોગકારકોને કારણે દાણા કે ફળનો વિકાસ રૂંધાય છે. દાણા
કે ફળની સપાટી પર ડાઘા જોવા મળે છે, દાણા કે ફળમાં અંદર સડો પણ જોવા મળે છે.જેને કારણે
ઉતરતી ગુણવત્તાના દાણા કે ફળ બેસે છે. રાઇ, ધાણા, વરીયાળી, જીરૂં, આંબા, ટમેટા,
મરચાંમાં જોવા મળતો ભૂકીછારો, ફળઝાડમાં ફળનો સડો, બટેટામાં બ્લાઇટનો ફૂગજન્ય રોગ તથા
મગફળીમાં કૃમિને કારણે થતો ક્લાહસ્તી મેલોડી તેના ઉદાહરણ છે.
વાઇરસથી થતું નુકશાન:
વાઇરસ એ સૂક્ષ્મજીવોમાં સૌથી સૂક્ષ્મ છે. વાઇરસ સ્વતંત્ર રીતે જીવવા સક્ષમ નથી. વાઈરસને જીવવા માટે બીજા જીવનો સહારો લેવો જ પડે છે. વાઇરસ એક છોડમાંથી બીજા છોડમાં પોતાની રીતે જઇ શકતું નથી. તે કોઇ જીવાતના માધ્યમથી અસરગ્રસ્ત છોડથી તંદુરસ્ત છોડમાં પ્રવેશે છે. જે જીવાત તેને એકથી બીજે જવામાં મદદ કરે છે, તે અંગ્રેજીમાં વેકટર (Vector) તરીકે ઓળખાય છે. વાઈરસને કારણે પાનમાં કરચલીઓ પડવી કે કોકડાઈ જવું, પાનનું પીળું પડવું કે પીળીયો વગેરે જેવા લક્ષણો સામાન્ય રીતે જોવા મળતા હોય છે. વાઇરસથી અસરગ્રસ્ત છોડને થયેલું નુકશાન કોઇપણ સંજોગોમાં ભરપાઇ થતું નથી. વાઈરસથી ચેપગ્રસ્ત છોડ મરે નહી તો તે લકવાગ્રસ્ત અવસ્થામાં બાકીનું જીવન જીવે છે. જેને કારણે છોડની ઉત્પાદકતા ખૂબ જ ઓછી કે શૂન્ય થઈ જાય છે. વાઈરસનું હજુ સુધી કોઈ મારણ નથી. આથી વાઇરસના વાહક કીટક (વેકક્ટર)ને નિયંત્રીત કરવું જરૂરી છે, તો જ આ રોગને ફેલાતો અટકાવી શકાય છે. રાઈ, ધાણા, વરીયાળી, જીરું, ટમેટા, મરચાં, ભીંડા, પપૈયામાં જોવા મળતો પીળીયો અને કપાસ, મરચાં, રીંગણ, ટમેટામાં જોવા મળતો કોક્વડાનો રોગ વાઇરસ દ્વારા થતાં નુકશાનના ઉદાહરણ છે.
જીવાતનો પરીચય
પાકને નુકશાન કરતી જીવાતોમાં મોટેભાગે સંધીપાદ સમુદાય એટલે કે જેના ત્રણ જોડી પગ હોય છે જેમાં નરી આંખે દેખાતા કે ન દેખાતા જીવોનો સમાવેશ થાય છે તે સામાન્ય રીતે કીટક તરીકે ઓળખાય છે. દુનીયાનો તે સૌથી મોટો જીવ સમુદાય છે. જેમાં માખી, ડ્રેગ્ન ફ્લાય, મટકા, ચાંચવા, પતંગીયા, ફુદા, તીડ વગેરે જેવા જીવોનો સમાવેશ થાય છે. આ સિવાય પાકને નુકશાન કરતી જીવાતમાં કરોળીયા વર્ગના જીવો કે જે ચાર જોડી પગ ધરાવે છે તે આવે છે. આ જીવોમાં માઈટ તરીકે ઓળખાતા જીવનો સમાવેશ થાય છે, જેને સ્થાનિક ભાષામાં કથીરી તરીકે ઓળખવામાં આવે છે. આપે લાલ કથીરી કે પાનકથીરીનું નામ તો સાંભળ્યું જ હશે.
કીટક તરીકે ઓળખાતા જીવોનું જીવનચક્ર બે પ્રકારનું હોય છેઃ
- અપૂર્ણ જીવનચક્ર: આ જીવનચક્રમાં ઈડામાંથી નાના બચ્ચા બહાર આવે છે, જે
અંગ્રેજીમાં નિમ્ફ
તરીકે ઓળખાય છે. સમય જતાં તે પુખ્ત બને છે. આ જીવોમાં બચ્ચા એટલે કે નિમ્ફ જયારે મોટા
થતા હોય છે ત્યારે તે પાકને ખૂબજ નુકશાન કરે છે. કેટલાક સંજોગોમાં પુખ્ત પણ નુકશાન કરતા
હોય છે. બચ્ચામાંથી પુખ્ત બને છે ત્યારે મોટાભાગે તેનો દેખાવ એવો જ રહે છે, પરંતુ તેનું
કદ મોટું થઇ જાય છે. આ પ્રકારના જીવોમાં મોટેભાગે સુષુપ્ત અવસ્થા જોવા મળતી નથી. તે
બારે મહીના અલગ-અલગ વનસ્પતિના છોડ પર નભીને તેનું જીવનચક્ર ચાલુ જ રાખે છે. આ
- સંપૂર્ણ જીવનચક્ર: આ જીવનચક્રમાં ઇડામાંથી ઇયળ બહાર નીકળે છે, જે થોડી મોટી થઈને
કોશેટો
શુબને છે. કોશેટો સુષુપ્ત અવસ્થામાં લાંબો સમય સુધી જીવીત રહી શકે છે અને કોશેટોમાંથી
પતંગીયું, ફુદુ કે માખી પુખ્ત જીવ તરીકે બહાર આવે છે. આ જીવનચક્રમાં જયારે ઇયળ મોટી થતી
હોય છે ત્યારે તે પોતાનો વિકાસ કરવા માટે ખૂબજ ખાય છે અને આ તબ્બકો જ પાકને સૌથી વધુ
નુકશાન પહોંચાડે છે. આ જીવનચક્રમાં દરેક તબક્કે જીવનું સ્વરૂપ ખૂબજ બદલાઇ જાય છે. આ
જીવનચક્રમાં જીવ કોશેટો તરીકે સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. આથી તેને બારે મહીના
ખાવાનું ન મળે તો પણ તે નવી સીઝનમાં ઉપસ્થિત થઇ જાય છે. આ જીવો મોટેભાગે ચાવીને કે
કરડીને કે કોરીને ખાય છે.

આ જીવનચક્રમાં ઇયળ જ નુકશાન કરતી હોઈ, તેના નિયંત્રણ હેતુથી ઇયળને ત્રણ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છેઃ ૧. પતંગીયા કે ફુદાની ઇયળ(લાર્વા)-લેપીડોપ્ટેરા, ૨. માખીની ઇયળ-ડીપ્ટેરા અને ૩. ઢાલ પક્ષી કીટકની ઇયળ જેમ કે સફેદ ધૈણ, ગેંડા કીટકની ઇયળ, આંબાની મેંઢની ઇયળ.